શેરીઓમાં ટનબંધ કચરો ઠાલવતા બ્રિટિશરો

ગેરકાયદે કચરો ઠાલવનારાએ કાનૂની કાર્યવાહી અને દંડનો સામનો કરવો પડશે

Saturday 11th April 2020 04:00 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ કટોકટીના લીધે યુકેમાં બધી જગ્યાએ સ્ટાફની અછત દેખાઈ રહી છે ત્યારે બ્રિટિશરો ક્વોરેન્ટાઈન પછી ટનબંધ કચરો, નકામા કપડાં સહિતનો વેસ્ટ શેરીઓમાં ઠાલવી રહ્યા છે. સમગ્ર બ્રિટનમાં ગેરકાયદે કચરો (fly-tipping) ઠાલવવાનું સામાન્ય બની ગયું છે. કચરો ઠાલવવાના ટિપ્સ હંગામીપણે બંધ કરાયા પછી તો તેમાં ૩૦૦ ટકા વધારો થયો છે. રિસાયકલિંગ સાઈટ્સ અને ફૂટપાથ્સ પાસેના સ્થળોનું કામકાજ પણ ઓછું છે ત્યારે સરકારે કચરો ઠાલવનારા સામે કાનૂની કાર્યવાહી અને દંડની ચેતવણી પણ આપી છે.

મોટા ભાગનું બ્રિટન લોકડાઉન હેઠળ છે ત્યારે પરિવારો વધેલો ખોરાક બહાર ફેંકી રહ્યા છે અને કચરાના મોટા ડબાઓ પણ ઉભરાઈ રહ્યા છે. ઘણા લોકો તો નવરાશના સમયનો ઉપયોગ ઘર અને ગાર્ડનના સમારકામમાં કરી રહ્યા છે તેનાથી પણ મોટા પ્રમાણમાં કચરો સર્જાય છે. આઘાતની વાત તો એ છે કે લોકો બંધ રહેલી ચેરિટી શોપ્સની બહાર પણ આઈટમ્સ ઠાલવી રહ્યાં છે પરિણામે કપડાં અને નકામી આઈટમ્સના ડુંગર ઉભાં થતા રહે છે. દેશ કોરોના વાઈરસ સામે લડી રહ્યો છે તેનો લાભ લઈને કેટલાક સ્વાર્થી લોકો તેમની બિનજરૂરી આઈટમ્સનો નિકાલ કરી રહ્યા છે.

મોટા ભાગના ટિપિંગ સાઈટ્સ અને રિસાયકલ સેન્ટર્સ અચોક્કસ મુદત સુધી બંધ છે. આવા સમયે રોડસાઈડ, લેન્સના પાર્ક્સ અને ખેતરો, કોઈ પણ ખાલી જગ્યા દેખાય ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે. લોકો રબિશ- કચરાને રિસાયકલ સેન્ટર્સ લઈ જાય છે પરંતુ, સેન્ટર્સ બંધ દેખાતા પાછાં આવતી વેળાએ ગમે ત્યાં કચરાને ઠાલવી દેવામાં શરમ કે સંકોચ અનુભવતા નથી. એક કાઉન્સિલનું કહેવું છે કે આ રીતે ઠલવાયેલો કચરો ત્રણ ગણો થઈ ગયો છે. લગભગ દરેક કાઉન્સિલ આ સમસ્યા અનુભવી રહી છે.

વેસ્ટ ઓક્સફર્ડ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલે તેના રહેવાસીઓ અને બિઝનેસીસને નકામો કચરો કોમ્યુનલ રિસાઈકલિંગ એરિયામાં નહિ નાખવા અપીલ કરવી પડી છે. કાઉન્સિલે સુપર માર્કેટના કાર પાર્કિંગમાં બિન બેગ્સ, ઘરનો પરચૂરણ સામાન તેમજ બાળકોની હાઈ ચેર્સનો કચરો ઠલવાયો હોય તેવી તસવીરો પણ દર્શાવી છે. કાઉન્સિલોએ ચેતવણી આપતા કહ્યું છે કે કાયદો બદલાયો નથી અને આ રીતે ગેરકાયદે કચરો ઠાલવનારાએ કાનૂની કાર્યવાહી અને દંડનો સામનો કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter