શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર વિરાયતનના સાધ્વીજી પૂ.ચંદનાજીને પદ્મશ્રી એવોર્ડ

- જ્યોત્સના શાહ Tuesday 01st February 2022 14:19 EST
 
 

૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને વિરાયતનના સ્થાપક અને પ્રેરણામૂર્તિ આચાર્ય પૂ.ચંદનાજીને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયાના સમાચાર વાયુવેગે પ્રસરતાં સમગ્ર જૈન સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઇ. ૨૬ જાન્યુઆરી આચાર્યશ્રીની બર્થડે હતી. આચાર્યશ્રીની ૮૬મી બર્થડેની આ શ્રેષ્ઠ ભેટ કહી શકાય. બિહારથી શરૂ થયેલ આ સેવા યજ્ઞ મેરઠ, આગ્રા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, નેપાળ સુધી વિસ્તર્યો છે. માનવીના આધ્યાત્મક વિકાસથી માનવતાના મિશનની યશસ્વી મિસાલ દેશ-વિદેશમાં સુખ્યાત છે.

૫૦ વર્ષ અગાઉ સમાજસેવાનો ભેખ ધરી હજારો ગરીબ, અનાથ અને સુવિધાથી વંચિતોના જીવનમાં પરિવર્તન લાવનાર, શૈક્ષણિક ક્રાંતિના પુરસ્કર્તા આચાર્યશ્રીને આ ગૌરવભર્યા એવોર્ડ મળ્યા બાદ ભારતના મુખ્યમંત્રી માનનીયશ્રી નરેન્દ્ર મોદીજીએ એમની સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી તેનો મહદ્ અંશ:
 ------------------------------------------------------
માનનીય વડા પ્રધાન અને પૂ.આચાર્યશ્રી ચંદનાજી વચ્ચે થયેલ વાતચીત:
પ્રધાનમંત્રીશ્રી: નમસ્તે!
પૂ.ચંદનાજી : મને ખૂબ જ ખુશી છે આપના પ્રધાનમંત્રી હોવાની. કોઇપણ ન્યુઝમાં આપ હો તો મારી જાતને એ જોયા વિના હું રોકી શકતી નથી. આપના કાર્યકાળમાં દેશ જે રીતે સરસ કામ કરી રહ્યો છે એ અને ભવિષ્યનું મહત્વપૂર્ણ ફાઉન્ડેશન તમારા દ્વારા થઇ રહ્યું છે એની મને અંતરના ઊંડાણથી ખુશી છે. આપે મને પદ્મશ્રીના એવોર્ડથી સન્માની છે એનાથી બિહારમાં અને ગુજરાતમાં પ્રત્યેક વ્યક્તિના હ્દયમાં ખુશી વ્યાપી ગઇ છે. આ એવોર્ડના કારણે દેશના નિર્માણમાં ખાસ કરીને આત્મનિર્ભર કઇ રીતે થઇ શકાય એ માટે દરેક જગ્યાએ વોકેશ્નલ સેન્ટર ઉભા કરવાનો મારો પ્રયાસ રહેશે મોદીજી. " જ્યાં જ્યાં જીનાલય ત્યાં ત્યાં વિદ્યાલય" એ મારું સ્લોગન રહેશે. મોદીજી, આપ કચ્છ-ગુજરાતમાં વિરાયતનની ફાર્મસી કોલેજના ઉદ્ઘાટનમાં આવ્યા હતા એ મારી પ્રસન્નતાને શબ્દોમાં વર્ણવી શકતી નથી. આપ દેશના વડા પ્રધાન,ગુજરાતના છો. આપના દ્વારા આ સન્માન કરાયું એનો મને અનહદ આનંદ છે.
વડા પ્રધાનશ્રી: આપની તબિયત કેમ રહે છે?
પૂ.ચંદનાજી : ગુરુજનોની કૃપાથી, બધાંના સહયોગથી ખુશ છું, સ્વસ્થ છું.
વડા પ્રધાનશ્રી: કચ્છમાં આપ કેટલો સમય રહો છો?
પૂ.ચંદનાજી :હમણાં બિહારમાં છું. ૫ ફેબ્રુઆરીએ પાલીતાણા અને કચ્છમાં જઇશ. આપે કરેલ ફાર્મસી કોલેજના ઉદ્ઘાટન બાદ ૧૧ કોલેજો થઇ ગઇ છે. મોદીજી, દેશ આપના હાથમાં સુરક્ષિત છે. આપ જન્મથી જ પ્રભુના આશીર્વાદ લઇને આવ્યા છો. આપ ભાગ્યશાળી છો. આવો મોકો ભાગ્યશાળીને જ મળતો હોય છે. આપ ભારતની પ્રાચીન ગરિમા પુન: પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છા સાથે આપનાથી મોટી છું એટલે મર્યાદાઓનો ત્યાગ કરીને આપને સ્વસ્થ અને યશસ્વી જીવન માટે આશીર્વાદ આપું છું.
વડા પ્રધાનશ્રી: આપ તબિયત સાચવજો અને મારા લાયક કાંઇ પણ કામ હોય તો જણાવજો.
પૂ.ચંદનાજી : કચ્છમાં સમવસરણનો મોટો પ્રોજેક્ટ કરવાનો છે એમાં આપની મદદ જોઇશે.
વડા પ્રધાનશ્રી:જરૂર. આપ મને જણાવજો. હું ચોક્કસ પ્રયાસ કરીશ.
--------------------------------------------------
ગૌરવની આ ગાથાનો શુભારંભ ૧૯૭૧માં થયો. બિહારની પવિત્ર ભૂમિ જ્યાં જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર વિચર્યા હતા ત્યાં નિ:સ્વાર્થ સેવા યજ્ઞની જવાબદારી ઉપાધ્યાયશ્રી અમર મુનિ મહારાજશ્રીએ સંતોની હાજરીમાં ચંદનાજીને સોંપી. ભગવાન મહાવીરના અહિંસા અને કરૂણાના સંદેશ ફેલાવવાનું પ્રેરણાબીજ આજથી ૫૦ વર્ષ પૂર્વે રોપાયું જે આજે વટવૃક્ષ બની ફુલ્યું-ફાલ્યું છે. ૧૭-૬-૧૯૭૩માં ચંદનાજીના અથાક્ પરિશ્રમ બાદ બિહારની રાજગીરી નગરીમાં વિશાળ જમીન ખરીદી વિરાયતન પ્રોજેક્ટનો આરંભ કર્યો. એ વિસ્તારની ગરીબ, અભણ પ્રજા, આંખના રોગથી પીડિતોના જીવનમાં બદલાવ લાવવો એ મોટો પડકાર હતો. એમના આરોગ્યની સુખાકારી માટે આઇ કેમ્પો યોજ્યા.. અલ્ટ્રા મોર્ડન નેત્ર જ્યોતિ સેવા મંદિર ખોલી ડોક્ટરો નિયુક્ત કર્યા. જ્યાં પ્રતિવર્ષ ૧૫,૦૦૦ સર્જરી અને ૨ લાખ આઉટ પેશન્ટ્સ તપાસાય છે. સાધનોથી સજ્જ મોબાઇલ વાનો અંતરિયાળ વિસ્તારોમાં ફરી દર્દીઓની તપાસ કરી સારવાર આપે છે. ત્યારબાદ ડેન્ટલ ક્લીનીક શરું થયું. સૌરાષ્ટ્રમાં આવેલ જૈન તીર્થ પાલીતાણામાં ઇન્ટરનેશનલ કક્ષાનું આદિનાથ નેત્રાલય શરુ કર્યું. જ્યાં આસપાસના વિસ્તારના ગરીબો તેમજ જૈન સાધુ-સાધ્વીઓને પણ વિના મૂલ્યે સારવાર અપાય છે.
૨૦૦૧માં કચ્છમાં ધરતીકંપ આવ્યો ત્યારે, નેપાળની સુનામી વખતે અને હાલ કોવીદ-૧૯ના કટોકટીભર્યા સંજોગોમાં વિરાયતનના સ્વયં-સેવકોની ટીમ અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગઇ હતી. કચ્છના ૧૦,૦૦૦ અસરગ્રસ્ત બાળકોને શિક્ષણની સુવિધા પૂરી પડાય છે. ૩૬ વોકેશ્નલ ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરાયા. આવા અસંખ્ય જન કલ્યાણના કાર્યો થઇ રહ્યા છે. આ સેવા યજ્ઞ, જ્ઞાન યજ્ઞ અવિરત ચાલુ છે અને રહેશે.
યુ.કે.માં ૧૯૯૫માં શ્રી ચંદના વિદ્યાપીઠ જૈન સ્કુલનો શુભારંભ:
ભારત બહાર વિદેશમાં સૌ પ્રથમ ૧૯૯૫માં યુ.કે.માં વિરાયતનની શ્રી ચંદના વિદ્યાપીઠ જૈન સ્કુલ ( SCVP)નું સપનું લંડન ખાતે પૂ. ચંદનાજી (પૂ.તાઇ મા)ના વીઝનથી સાધ્વીજી શીલાપીજીએ સાકાર કર્યું. આ સ્કુલમાં પશ્ચિમ સમાજની વિવિધતાને લક્ષમાં રાખી અંગ્રેજી માધ્યમથી જૈન ધર્મના મૂલ્યોનું શિક્ષણ સમકાલિન પ્રયોગાત્મક પ્રશ્નોત્તરીની શૈલીમાં દયા-કરૂણાના અમલીકરણ દ્વારા હજારો બાળકો-યુવાનો માટે આકર્ષણ જન્માવે છે.
પૂ.તાઇ મા જણાવે છે કે, “ જ્યાં પણ સારું કાર્ય કરવાનો અવસર મળે એને ઝડપી લો.”
સદ્નસીબે વિરાયતનની સ્થાપના લંડનમાં થઇ ત્યારથી એમની અનેક ચેરિટેબલ ઇવેન્ટ્સના અહેવાલો, આચાર્ય પૂ. ચંદનાશ્રીજી અને શિલાપીજીના ઇન્ટરવ્યુ લેવાનો અવસર મને સાંપડ્યો છે. સમયે-સમયે "ગુજરાત સમાચાર"માં એ અહેવાલો પ્રસિધ્ધ થતા રહ્યા છે. આ સંસ્થાનું સંચાલન ક્વોલીફાઇડ સાધ્વીજીઓનું ગૃપ કરી રહ્યું છે. સાધ્વીજીઓએ દેશવિદેશમાં પ્રવાસ કરી વ્યાખ્યાનો, સેમિનાર્સ, રીટ્રીટ વગેરેનું આયોજન કર્યું છે. એની શાખાઓ સ્થાપી છે. શ્રી દેવી અહલ્યા નેશનલ એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડસ્ મેળવ્યા છે.

=================

પૂજ્ય આચાર્યા શ્રી ચંદનાજીને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો જે ખિતાબ મળવાની જાહેરાત થઈ તેથી અત્રે બ્રિટનની જનતામાં અને ખાસ કરીને અહીની જૈન પ્રજામાં આનંદનું મોજું ફરી વળેલ છે. આ સહુ માટે ગૌરવની વાત છે. એક જૈન મહિલાને આવી રીતે રાષ્ટ્રીય સન્માન થી નવાજવામાં આવે તે ઘટના પ્રથમ વારજ જોવા મળેલ છે. પૂજ્ય ચંદનાજીએ જૈન ધર્મનો સુયોગ્ય રીતે પ્રચાર અને પ્રસાર તો કર્યો જ છે પરંતુ જનકલ્યાણના ભગીરથ કાર્યો હાથમાં લઈને સેવાના એક મહાન ક્રાંતિકારી કાર્ય દ્વારા સહુમાં ચેતના જગાડી છે. બિહારમાં આંખની હોસ્પિટલ, શાળા, કોલેજો અને બીજા અનેક કાર્યો , નેપાળમાં ભૂકંપ બાદ કરેલી અતિ પ્રશંસનીય કામગીરી અને એજ રીતે ગુજરાત કચ્છમાં ભૂકંપ બાદ કરેલ અનેક કામો એમની વ્યવસ્થા શક્તિ અને સેવાની ઉત્કૃષ્ઠ ભાવનાના સાક્ષી છે. 11 થી વધારે કોલેજોનું આયોજન, અનેક હોસ્પિટલ, અને સેવા કેન્દ્રો વડે તેમણે ગુજરાતનાં લોકોના દિલ જીતી લીધા છે. બ્રિટનમાં તેઓ આવ્યા ત્યારે અહી મહાવીર ફાઉન્ડેશનમાં તેમના શિષ્યા શિલાપીજી મહારાજ સાથે પ્રથમ પાઠશાળા સ્થાપી હતી જે અત્યારે પણ સુપેરે ચાલે છે. હમણાં જ ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી એ ફોન પર ચંદનાજી ને અભિનંદન પાઠવ્યા હતા. આ સન્માન ચંદનાજીને તેમના જન્મદિવસે મળેલ છે. તેઓ 85 વર્ષનું આયુ પૂર્ણ કરીને 86 માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે એમને અભિનંદન આપીએ છીએ અને તેમના દીર્ઘાયુ માટે પ્રાથના કરીએ છીએ.

ડૉ વિનોદ કપાશી OBE


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter