શ્રધ્ધાંજલિ સ્વ. અમીનાબેન અદમભાઇ ટંકારવી

-ભારતી પંકજ વોરા Wednesday 29th September 2021 01:54 EDT
 

શ્રધ્ધાંજલિ સ્વ. અમીનાબેન અદમભાઇ ટંકારવી
જન્મ: તા.૨૯-૧૨-૧૯૩૯, મનુબર-ટંકારિયા, ગુજરાત
દેહાવસાન: તા.૬-૯-૨૦૨૧, બોલ્ટન, યુ.કે.
આજે અમીનાબેનના પાર્થિવ અસ્તિત્વને વિસરી જવું એ કઠિન જ નહિ પણ અશક્ય પ્રક્રિયા છે. ને છતાંય એ નથી એ હકીકત છે.
તેઓ નાનપણથી મુક્ત વાતાવરણમાં ઉછર્યાં હતાં. એમના પિતાજી શ્રી આદમ મુસ્તફાબાદી સાઉથ આફ્રિકામાં એક જાણીતું નામ હતું. એઓશ્રી અંગ્રેજીમાં લેખો લખતા હતા અને "કારવાં" નામના મેગેઝીનમાં સંપાદક હતા.
૧૯૬૨માં શ્રી અદમભાઇ ટંકારવી સાથે શાદી કરી ૧૯૮૨માં યુ.કે. આવ્યાં. તેઓ ત્રણ દિકરીઓ અને બે દિકરાના માતા છે.
અમીનાબેને લગ્નજીવનના શરૂઆતથી જ પોતાની કાબેલ કાર્યદક્ષતાને કારણે ઘરની જવાબદારીઓનો દોર સંભાળી લીધો હતો.
અલબત્ત ફિરકી પોતાના હાથમાં રાખી હતી. એટલે અદમભાઇની "ઘંટનાદે પલ્લવી થઇ ગઇ પરી" એ વાત ગઝલ પૂરતી મર્યાદિત રહી !
આજે ગુજરાતી ભાષા અને સાહિત્ય હંમેશા એમના ઋણી રહેશે કારણકે એમણે અદમભાઇના વિકાસની કેડીને ઝગમગતી રાખી અને એમને ખીલવી દીધા.
અદમભાઇ કહે છે, “અમીના એટલે અમન" સુખ અને શાંતિ લાવનાર. છેલ્લા બાસઠ વર્ષથી એ મારૂં પીઠબળ હતી. એ નથી તો જાણે કુછ ભી નથી".
અમીનાબેન, તમે ગઇકાલ સુધી અમારી સામે હતા પણ આજે અમારા દિલમાં અને સ્મરણમાં છો. આપના અમર આત્માને સદા શાંતિ મળે એવી "ગુજરાત સમાચાર" પરિવાર સહ અમારા સૌની પ્રાર્થના છે.
અદમભાઇ અને કુટુંબીજનો આપ સૌ આ જીવનની કપરી ઘડીમાં એકલા નથી. આપણે સૌ સાથે છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter