શ્રી ભાઈશ્રી રમેશ ઓઝાની ભાગવત કથાઃ મા કૃપા ફાઉન્ડેશનના પ્રયાસોને સફળતા સાંપડી

Tuesday 17th September 2024 14:57 EDT
 
 

લંડનઃ મા કૃપા ફાઉન્ડેશન દ્વારા શ્રી ભાઈશ્રી રમેશ ઓઝાની ભાગવત કથાનું સફળ આયોજન કરાયું હતું. શ્રી ભાઈશ્રી રમેશ ઓઝાને ભાગવત કથા માટે આમંત્રિત કરવાના અનેક વર્ષના પ્રયાસોને આખરે સફળતા સાંપડી હતી. કોવિડ-19 મહામારી અને અન્ય પડકારોના કારણે વિલંબ થવા છતાં, તેઓ મક્કમ રહ્યા હતા. મુંબઈસ્થિત તેમના પ્રતિનિધિ જલાભાઈ ભાઈશ્રીને તેમની ઉપસ્થિતિ માટે વિનંતી કરવા નિયમિત મુલાકાત લેતા રહ્યા હતા.

શ્રી ભાઈશ્રીએ 28 જૂને કથાના ઈવેન્ટ માટે તારીખ આપવા સંમતિ દર્શાવી અને 18 જુલાઈએ તેમણે કથા સપ્ટેમ્બર 6થી 8 દરમિયાન યોજાશે તેવી ખાતરી ઉચ્ચારી હતી. જોકે, સ્થળ મળવાની સમસ્યાના કારણે કથા 12 સપ્ટેમ્બરથી યોજવા નિર્ણય લેવાયો હતો.

મા કૃપા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ જયંતિભાઈ ખગરામ, બ્રિજેશ મોદી, અશોક ડાલીઆ, રશ્મિકાંત શાહ અને રમેશ પોપટ તેમજ સંસ્કૃતિ ફાઉન્ડેશન અને વિશેષતઃ ભૂપેન્દ્રભાઈ કણસાગરાના અમૂલ્ય સાથ અને સહકારથી ઈવેન્ટનું સુનિયોજિત આયોજન શક્ય બન્યું હતું. આમ છતાં, શ્રી ભાઈશ્રીની સાથે રહેતા મ્યુઝિકલ કળાકારોની સમસ્યાના કારણે પડકારો ઉભા થયા હતા અને છેલ્લી ઘડીએ યુકેસ્થિત કળાકારોની મદદ લેવાની જરૂર પડી હતી.

જયંતિભાઈ ખગરામના નિવાસસ્થાનેથી પોથીયાત્રાની સાથે આધ્યાત્મિક યાત્રાનો શુભારંભ થયો હતો. પવિત્ર પોથીયાત્રા ગ્રીનફોર્ડ જલારામ મંદિર અને ત્યાંથી આખરે ભાગવત કથાના શુભ સ્થળ SKLP સ્પોર્ટ્સ એન્ડ કોમ્યુનિટી સેન્ટર પહોંચી હતી. આ પોથીયાત્રા આપણી કોમ્યુનિટીના સમર્પણ અને એકતાનું પ્રતીક બની રહી હતી.

અવરોધો છતાં, મુખ્ય ઈવેન્ટ સ્પોન્સર માર્કેટ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ (MFS)ના સપોર્ટ તેમજ ગ્રીનફોર્ડ મંદિર, સ્વયંસેવકો અને જાહેર જનતાની ઉદારતા થકી ભાગવત કથાના કાર્યક્રમને ભારે સફળતા સાંપડી હતી અને હજારો ભાવિકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો. ચર્ચાઓ, સ્થળની વ્યવસ્થા, કેટરિંગ, ઓડિયોવિઝ્યુઅલ્સ, સાઉન્ડ, લાઈટિંગ, સ્ટેજિંગ, ટ્રાન્સપોર્ટ અને વોલન્ટીઅર્સ સંકલન સહિતના તમામ તત્વો, જોકે, છેલ્લી ઘડીએ પણ અરસપરસ સારી રીતે સંકળાઈ રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter