લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી અને બર્મિંગહામસ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલના સહયોગ સાથે ટિવિડેલના શ્રી વેંકટેશ્વરા બાલાજી ટેમ્પલ ખાતે ગાંધી પીસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંદિર અને કોમ્યુનિટી માટે ગૌરવશાળી એવા આ ઐતિહાસિક સમારંભમાં ૫૦૦થી વધુ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. આદિત્ય બિરલા ગ્રૂપના અધ્યક્ષ શ્રીમતી રાજશ્રી બિરલાએ રિબન કાપીને સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું. મહાત્મા ગાંધીના વારસાને આગળ વધારવા ભારત સરકાર દ્વારા માન્ય બે સંસ્થાઓમાં એક આદિત્ય બિરલા ગ્રૂપનું ભારતની બહાર આ પ્રથમ કેન્દ્ર છે.
મંદિરના વર્તમાન અધ્યક્ષ ડો. એસ.કનગારત્નમ અને સ્થાપક અધ્યક્ષ ડો. વીપી નારાયણ રાવ સહિત ટ્રસ્ટીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેન્ડવેલના મેયર કાઉન્સિલર જોય એડિસે શ્રીમતી બિરલા, બર્મિંગહામમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ડો. અમન પૂરી, લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ પોપટ તથા વેસ્ટ મિડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટ સહિતના મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આસપાસના વિસ્તારોના મેયરો, ગાંધી ફાઉન્ડેશન તેમજ કોમ્યુનિટીના વિવિધ ધર્મોના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ગાંધીજીના જીવન વિશેનું પ્રદર્શન તેમજ પ્રતિષ્ઠિત વક્તાઓનું વક્તવ્યોએ કાર્યક્રમને સરાહનીય બનાવ્યો હતો.
ડો. એસ.કનગારત્નમે બાલાજી મંદિરના પવિત્ર આંગણે યુકેમાં પ્રથમ એવા આ કેન્દ્રની સ્થાપનાના સ્વપ્નને સાકાર બનાવવામાં મહેમાનો, સેન્ટરના સહયોગીઓ અને વિશેષતઃ સહ-આયોજક શ્રીમતી બિરલા પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.
મેયર એન્ડી સ્ટ્રીટે જણાવ્યું હતું કે, ‘વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટી આ કેન્દ્રને સહયોગ આપવામાં ગૌરવ અનુભવે છે અને યુકેમાં પ્રથમ ગાંધી શાંતિ કેન્દ્ર માટે વેસ્ટ મિડલેન્ડ્સ ઉચિત સ્થાન છે. મહાત્માએ શાંતિ, સમાધાન અને સુમેળના સિદ્ધાંતોની વાત કરી હતી અને અમે આ સિદ્ધાંતો અનુસાર જ જીવવાનો તેમજ દરેક આસ્થા માટે હોય તેવી કોમ્યુનિટીના નિર્માણનો પ્રયાસ કરીએ છીએ.’ મેયરે વડા પ્રધાન થેરેસા મેનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો, જેમાં તેમણે મહાત્મા ગાંધીએ જ્યાં પોતાનું બીજું વતન બનાવ્યું હતું તેવા યુકે માટે તેમનો વારસો ચોક્કસ પરાકાષ્ઠા ધરાવે છે. શ્રીમતી મેએ લખ્યું હતું કે,‘તેમના મૂલ્યો આજે પણ રણકાર ધરાવે છે. ગાંધી પીસ સેન્ટર ખાતે તેમના જીવન અને કવન વિશે પ્રદર્શન હોય તે માટે અમે સદ્ભાગી છીએ.’
બર્મિંગહામ યુનિવર્સિટીના રાજ શામજીએ કાર્યક્રમના ઉદ્ઘોષકની કામગીરી બજાવી હતી. શ્રીમતી જ્યોતિ રામૈયાહે કાર્યક્રમનો હિસ્સો બનવા અને સપોર્ટ બદલ સહુનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે ગાંધીજીના શાંતિ, માનવતા અને અહિંસાના વારસાને આગળ લઈ જવા સાથે મળીને કાર્ય કરવા આતુર છીએ. મંદિરનો પણ આ જ મુદ્રાલેખ છે.’ કોન્સલ જનરલ ડો. પૂરીએ જણાવ્યું હતું કે,‘ગાંધીજીનો વારસો સમગ્ર વિશ્વનો છે. ભાવિ પેઢીઓ તેમના જીવન અને ઉપદેશ વિશે શીખે તે આપણી સામૂહિક જવાબદારી છે. મને ખાતરી છે કે ગાંધી પીસ સેન્ટર આ જ્ઞાનના પ્રકાશને આગળ વધારશે, જેથી લોકોના મન અને આત્મા ઝળહળી ઉઠે.’
એવોર્ડવિજેતા લેખક અને ગાંધી વિદ્વાન લોર્ડ ભીખુ પારેખે ગાંધીજી તેમજ જીવનશૈલી સ્વરિપે અહિંસા વિશે વાત કરી હતી. ડો. રાવે કહ્યું હતું કે સેન્ટર ખુલવાથી મંદિરનું સ્વપ્ન પરિપૂર્ણ થયું છે. સત્તાવાર સમારંભ પછી મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમથી ઓડિયન્સ રસતરબોળ બન્યું હતું. શ્રીમતી બિરલાની ખાસ વિનંતીથી પ્રસિદ્ધ ગાયિકા માયાબહેને કેટલાક ભાવવાહી ગીતો રજૂ કર્યાં હતાં. ભારતીય કોન્સ્યુલેટના ડો. ધીરજ જોશીએ દરેકને ધ્યાન અને યોગની કસરતોનું જ્ઞાન આપ્યું હતું.
ગાંધી પીસ સેન્ટરમાં વીડિયો ક્લિપ્સ, દુર્લભ તસવીરો થકી ગાંધીજીના જીવન અને ઉપદેશો વિશે કાયમી પ્રદર્શન બની રહેશે. અહીં યોગ અને ધ્યાનનું શિક્ષણ અપાવા સાથે શાંતિ અને અહિંસાનો સંદેશો પ્રસરાવવા બેઠકો, સેમિનાર અને પ્રવૃત્તિઓ તેમજ સમુદાયો વચ્ચેના સંબંધો ખીલવવાનું આયોજન જોવાં મળશે.
આધ્યાત્મિક કેન્દ્રની સ્થાપનાના હિન્દુ સમુદાયના સ્વપ્નને સાકાર બનાવવા ૧૯૯૯માં બાલાજી મંદિર સંકુલનું નિર્માણ કરાયું હતું, જે લોકસમર્થન અને મિલેનિયમ ફંડ ગ્રાન્ટ સાથે આ મંદિર યુરોપમાં પૂજાના સૌથી મોટાં સ્થળોમાં એક બન્યું છે. ગાંધી પીસ સેન્ટર તેનો એક હિસ્સો બનેલ છે. ૨૭ એકરમાં ફેલાયેલું શ્રી વેંકટેશ્વરા (બાલાજી) ટેમ્પલ દર વર્ષે ભાવિકો, વિદ્યાર્થીઓ અને આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ સહિત પાંચ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે.