લંડનઃ સાઉથ આફ્રિકામાં હનીમૂન દરમિયાન ૧૩ નવેમ્બર ૨૦૧૦માંપત્નીઅની દેવાણીની હત્યાના કેસમાં ચર્ચાસ્પદ બનેલા ૩૮ વર્ષીય મલ્ટિમિલિયોનેર કેર હોમ માલિક શ્રીયેન દેવાણીએ હવે નવો બોયફ્રેન્ડ શોધી લીધો છે. ૨૮ વર્ષની સ્વીડિશ એન્જિનિઅર અનીની હત્યાના માસ્ટરમાઈન્ડ હોવાના આરોપમાંથી ચાર વર્ષ અગાઉ ૨૦૧૪માં મુક્ત થયા પછી તેનો સંબંધ બ્રાઝિલમાં જન્મેલા ફોટોગ્રાફર ગ્લેડિસન લોપેઝ માર્ટિન્સ સાથે બંધાયો હતો અને ૧૮ મહિનાથી તેઓ સાથે રહે છે. આ સંબંધને દેવાણી પરિવારે પણ સ્વીકારી લીધો હોવાનું કહેવાય છે. અની હત્યા કેસની સુનાવણી દરમિયાન જ શ્રીયેને તે બાયસેક્સ્યુઅલ હોવાની કબૂલાત કરી હતી.
ડેઈલી મેઈલ અને ધ ઈવનિંગ સ્ટાન્ડર્ડ અખબારોના અહેવાલ અનુસાર શ્રીયેન દેવાણી અને માર્ટિન્સે ૨૦૧૭માં સ્પેનિશ પાર્ટી આઈલેન્ડ ઈબિઝામાં ફેન્સી ડ્રેસ પાર્ટીમાં હાજરી આપવા ઉપરાંત, ભારતમાં પણ રજાઓ ગાળી હતી. શ્રીયેને ઈન્ટરનેટ પર પોતાના નવા પ્રેમનો સ્વીકાર પણ કર્યો છે તથા તેની સાથેની તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. અની સાથે શ્રીયેનના લગ્ન થયા ત્યારે દેવાણી પરિવારને તેમના પુત્રની સેક્સ્યુઆલિટી વિશે કોઈ જાણ ન હતી પણ હવે દેવાણી પરિવારે શ્રીયેનના માર્ટિન્સ સાથેના સજાતીય સંબંધો સ્વીકારી લીધા છે અને ગત ક્રિસમસ દરમિયાન માર્ટિન્સને પારિવારિક ઘરમાં આમંત્રણ અપાયું હતું તેમજ તેની સાથે ફેન્સી ડ્રેસ પાર્ટીમાં પણ હાજરી આપી હતી. દેવાણીના માતા-પિતા શીલા અને પ્રકાશ ફેસબુક પર માર્ટિન્સના મિત્ર છે
જોકે, અની દેવાણીના પરિવારે આ સજાતીય પ્રેમસંબંધ વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. અનીના પિતા વિનોદ હિંડોચાએ જણાવ્યું હતું કે, ‘તે પોતાના બોયફ્રેન્ડ સાથે મુંબઈ ગયો હતો અને તેનાથી અમને ભારે દુઃખ થયું છે. તેણે મુંબઈમાં જ અની સાથે લગ્ન કર્યા હતા અને તેણે આની યાદ દિલમાં સંઘરી રાખી હશે તેમ હું માનતો હતો. તેણે મારી પુત્રી અને મારા પરિવારથી પણ તે સજાતીય હોવાની માહિતી છુપાવી હતી. મને જાણવા મળ્યું છે કે હવે તે બીજા પુરુષના પ્રેમમાં પડ્યો છે. તેની કોઈ નવાઈ નથી. મને આ પુરુષ સિવાય અન્ય સજાતીય લોકો સામે કોઈ વિરોધ નથી.’
તેમણે ઉમેર્યું હતું કે,‘ તે પોતાના ગે પ્રેમી સાથે મુંબઈ ગયો અને ત્યાં હર્યોફર્યો છે. અમે લગ્નની સંમતિ આપી અને અની સાથે તેના લગ્ન થયા તે દિવસને હું ધિક્કારું છું. અનીનાં મૃતદેહને ઘેર લાવવામાં તેને મદદ કરવા હું સાઉથ આફ્રિકા ગયો ત્યારે પણ તે હોટેલમાં ગે વેબસાઈટ્સ નિહાળતો હતો. અની અમને કદી પાછી મળવાની નથી. અમે તેને હંમેશાં યાદ કરીએ છીએ.’
અનીના કાકા અશોક હિંડોચાએ જણાવ્યું હતું કે, ‘શ્રીયેનને આજે પણ અમારી સાથે વાત કરવાનો સમય નથી. તે જીવનમાં આગળ વધી રહ્યો છે તે મારા ભાઈ વિનોદને જણાવવાની તેની ફરજ હતી. અમે સ્વીકારીએ છીએ કે તેણે અનીની હત્યા કરી નથી પરંતુ, પોતાના સજાતીય જીવન વિશે તેણે છુપાવ્યું હતું. આ જૂઠાણાં બદલ તેણે અમારી માફી માગવી જોઈતી હતી. જો શ્રીયેને લગ્ન પહેલા તેની સેક્સ્યુઆલિટી વિશે જાણ કરી હોત તો અની તેની સાથે લગ્ન કરવા કે સાઉથ આફ્રિકા જવાં તૈયાર જ થઈ ન હોત, જ્યાં તેની ગોળી મારીને હત્યા થઈ હતી.’
અની દેવાણીના હત્યામાં ભૂમિકા બદલ ઝોલા ટોન્ગો, મ્ઝિવામાડોડા ક્વાબે અને ઝોલિલે મ્નજેનીને કોર્ટે જેલની સજા ફરમાવી હતી. આરોપીઓએ શ્રીયેનના કહેવાથી અનીની હત્યા કરી હોવાનું કોર્ટને જણાવ્યું હતું. પત્નીની હત્યાના પગલે માનસિક આરોગ્યનો સામનો કરી રહેલા શ્રીયેન દેવાણીની ટ્રાયલ લગભગ ચાર વર્ષ વિલંબમાં પડી હતી. ટ્રાયલનો સામનો કરવા તેનું સાઉથ આફ્રિકાને પ્રત્યાર્પણ કરાયું હતું. દેવાણીએ કોર્ટમાં કોઈ જુબાની આપી ન હતી. જોકે, સાક્ષીઓ જુઠું બોલી રહ્યા હોવાનું જાહેર કરી જજે કેસ અટકાવી દીધો હતો અને શ્રીયેનને નિર્દોષ જાહેર કરાયો હતો.


