શ્વેત બ્રિટિશ લોકોનું ઓછું આયુષ્યઃ કેન્સરથી મોતનું જોખમ વધુ

Wednesday 04th August 2021 05:14 EDT
 
 

લંડનઃ શ્વેત બ્રિટિશરોની સરખામણીએ વંશીય લઘુમતીના લોકોનું આયુષ્ય વધારે હોય છે અને તેઓની કેન્સરથી મરવાની શક્યતા ઓછી રહે છે તેમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના ડેટામાં જાણવા મળ્યું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વ્હાઈટ અને મિશ્ર જાતિના લોકોમાં જન્મ સમયે આયુષ્યનું ધોરણ અન્ય વંશીય જૂથો કરતાં ઓછું હોવાનું ૨૦૧૧-૨૦૧૪ના આંકડા કહે છે. અશ્વેત આફ્રિકન્સ, બાંગલાદેશી અને અન્ય એશિયન કોમ્યુનિટીઝના લોકો સામાન્ય રીતે લાંબું જીવે છે. સામાન્યપણે શ્વેત પુરુષોનું આયુષ્ય ૭૯.૭ વર્ષ અને સ્ત્રીઓનું આયુષ્ય ૮૩.૧ વર્ષનું હોય છે જેની સરખામણીએ અશ્વેત આફ્રિકન સ્ત્રી અને પુરુષ અનુક્રમે ૮૮.૯ વર્ષ અને ૮૩.૮ વર્ષ જીવે છે.

સેન્સસ અને ડેથ રજિસ્ટ્રેશનના ડેટાને સાંકળતા સૌપ્રથમ એનાલીસીસ મુજબ અન્ય વંશીય સમુદાયોની સરખામણીએ વ્હાઈટ બ્રિટિશરોની કેન્સરથી મૃત્યુની શક્યતા વધુ રહે છે. કેન્સરથી થતાં મૃત્યુમાં ભારતીય, પાકિસ્તાની અને અન્ય વંશીય જૂથોની સંખ્યા સૌથી ઓછી હતી. જોકે, સાઉથ એશિયન્સ અને અશ્વેત વંશીય જૂથોમાં ડાયાબિટીસ તેમજ હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવાસ્કુલર રોગોથી મૃત્યુદર પ્રમાણમાં ઘણો ઊંચો રહે છે.

ઈન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક પોલિસી રિસર્ચ ખાતે હેલ્થ ઈનઈક્વલિટીઝમાં રિસર્ચ ફેલો પાર્થ પટેલના જણાવ્યા અનુસાર ‘સેકન્ડ જનરેશન માઈગ્રન્ટ્સનું સ્વાસ્થ્ય સામાન્ય રીતે ઘણું ખરાબ હોય છે.’ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લિનિકલ એપિડીમીઓલોજિસ્ટ રાઘીબ અલીએ કહ્યું હતું કે,‘ લાઈફ સ્ટાઈલનું પણ મહત્ત્વ છે. વ્હાઈટ સ્ત્રીઓની સરખામણીએ મોટા ભાગની વંશીય લઘુમતી સ્ત્રીઓમાં સ્મોકિંગ અને શરાબપાનનું પ્રમાણ ઓછું હોય છે. અન્ય પરિબળ ઘણી પેઢીનો બનેલો પરિવાર છે. મોટા ભાગના પાકિસ્તાની અને બાંગલાદેશી લોકો વૃદ્ધ થાય ત્યારે પોતાના સંતાનો સાથે રહેતા હોય છે અને તેનાથી સામાન્ય આરોગ્યને રક્ષણ મળતું હોય છે. જોકે, કોવિડ ચેપની બાબતે આ મુદ્દો જોખમી બન્યો હતો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter