સંક્ષિપ્ત સમાચારઃ બ્રિટન

Thursday 14th February 2019 07:39 EST
 

• સ્ટોર્સમાં સેલ્ફ – ચેકઆઉટ વધવાની સાથે ઉઠાંતરીમાં ઉછાળો

સ્ટોર્સમાંથી ઉઠાંતરીના કિસ્સામાં ૭ ટકાનો વધારો નોંધાયા બાદ સુપરમાર્કેટ્સ દ્વારા તેની વધુ તપાસ માટે પોલીસ બોલાવવામાં આવી હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૭માં સુપરમાર્કેટ્સમાંથી ઉઠાંતરીના ૭૮,૧૧૦ કિસ્સા બન્યા હતા. પોલીસના આંકડા મુજબ ૨૦૧૬માં તેવા ૭૪,૬૬૨, ૨૦૧૫માં ૭૪,૧૨૪ અને ૨૦૧૪માં ૭૨,૪૨૩ કિસ્સા નોંધાયા હતા. ઓટોમેટેડ સેલ્ફ-ચેકઆઉટ મશીનો મૂકાતાં શોપના ફ્લોર્સ પર ખૂબ ઓછો સ્ટાફ હોવાના પરિણામે ચોરીમાં વધારો થયો હતો.

સર્જનોની હોલિડેને લીધે ઓછાં ઓપરેશન્સ થયાં

સર્જનોએ તેમની રજાઓનું આગોતરું આયોજન અને ટાઈમ મેનેજમેન્ટ કર્યું હોત તો વધુ ૩૦૦,૦૦૦ ઓપરેશન્સ થઈ શક્યા હોત તેમ વોચડોગ દ્વારા જણાવાયું હતું. સર્જરીના યોગ્ય ટાઈમ શિડ્યુલનો અર્થ દર વર્ષે ૨૯૦,૦૦૦થી વધુ ઓપરેશન્સ થઈ શક્યા હોત.

હરિફ ગેંગના સભ્યને ઠાર મારવા બદલ ૪૬ વર્ષની જેલ

ચીપ શોપ પર હરિફ ગેંગના સભ્યની ગોળી મારીને હત્યા કરવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે કાર ઉઠાંતરી કરનાર ત્રણ યુવાનોને ૧લી ફેબ્રુઆરીએ કુલ ૪૬ વર્ષની સજા ફરમાવી હતી. ૧૯ વર્ષીય કબીર ખાને ગોળીબાર કર્યો હતો, જ્યારે આતીફ ઈમરાને (૧૮) મોટો છૂરો બતાવ્યો હતો. તે બન્ને અને કબીરના ભાઈ સાજીર ખાન (૧૮)ને જેલભેગા કરી દેવાયા હતા.

• ‘મિસ્મેચ’ કુસ્તીમાં ટીચરે વિદ્યાર્થીની ડોક તોડી નાખી

ગયા ડિસેમ્બરમાં કુસ્તી શીખતી વખતે ૧૫ સ્ટોન વજનના ટીચર સાથેની કુસ્તીમાં ટીચરે પોતાની ડોક તોડી નાંખી હોવાનો ૮ સ્ટોન વજનના ૧૮ વર્ષીય વિદ્યાર્થી ઈમામ ઉસ્માને દાવો કર્યો હતો. ઉસ્માને જણાવ્યું હતું કે તેને કુસ્તી લડવા માટે ફરજ પાડવામાં આવી હતી. ટીચર તેની ડોક પર પડ્યા ત્યારે તે જમીન પર હતો.

રેપ-જોક વિદ્યાર્થીઓએ બીજું સોશિયલ મીડિયા ગ્રૂપ શરુ કર્યું

બળાત્કાર વિશે જોક કરવા પર તેમજ જાતિવાદી અને હોમોફોબિક મેસેજિસ મોકલવા પર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના જે ગ્રૂપ પર પ્રતિબંધ મૂકાયો હતો તે ગ્રૂપે બીજું સોશિયલ મીડિયા ગ્રૂપ ‘લેટ્સ ડુ ઈટ ઓલ અગેઈન’ શરૂ કર્યું છે. બીજા ગ્રૂપની ચેટિંગ બહાર આવતા ઓરિજિનલ મેસેજિસમાં જે વિદ્યાર્થિનીઓનો ઉલ્લેખ થયો હતો તે વધુ રોષે ભરાઈ હતી. આમ પણ તેમાં સંડોવાયેલા કેટલાંક વિદ્યાર્થીઓને વોરવિક યુનિવર્સિટીમાં પાછા ફરવાની પરવાનગી અપાતા તે નારાજ હતી.

મુસ્લિમ સ્કૂલોમાં હજુ છોકરા - છોકરી વચ્ચે ભેદભાવ

ઓફસ્ટેડના કોર્પોરેટ સ્ટ્રેટેજીના ડિરેક્ટર લ્યુક ટ્રેઈલે સાંસદોને જણાવ્યું હતું કે બર્મિંગહામની અલ-હીજરાહ મુસ્લિમ સ્કૂલ કોર્ટના આદેશનો ભંગ કરીને વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનું લંચ પૂરું ન કરી લે ત્યાં સુધી વિદ્યાર્થિનીઓને જમવાની પરવાનગી આપતી નથી. તેમણે કોમન્સ વિમેન એન્ડ ઈક્વાલિટીઝ સિલેક્ટ કમિટીના સાંસદોને જણાવ્યું હતું કે ૨૦૧૭માં કોર્ટ અપીલના ચૂકાદાનો ભંગ કરીને આ સ્કૂલ હજુ પણ છોકરા અને છોકરીઓમાં ભેદભાવ રાખે છે. ચૂકાદામાં આ ભેદભાવને ગેરકાયદેસર ગણાવાયો હતો.

અશ્લીલ ફોટા શેર કરવાની ધમકી બદલ મહિલાને જેલ

સોશિયલ મીડિયા પર ૨૧ વર્ષીય યુવક તરીકે ઓળખ આપીને ટીનેજર પાસેથી તેની અશ્લીલ તસવીરો અને વીડિયો મંગાવ્યા બાદ શિલ્પા ઉગા નામની ૨૬ વર્ષીય મહિલાએ તે સોશિયલ મીડિયા પર શેર કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા ટીનેજરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મહિલા ૨૦૧૪માં જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે ટીનેજરના સંપર્કમાં આવી હતી. ઉગાએ ફોટા શેર ન કરવા માટે તેની પાસે મોટી રકમ માગી હતી. બ્લેકમેલ કરવાના અને બાળકીના અશ્લીલ ફોટા રાખવાના પાંચ કાઉન્ટની કબૂલાત કરતાં લેસ્ટર ક્રાઉન કોર્ટે તેને ત્રણ વર્ષની જેલની સજા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter