• ફર્સ્ટ ગ્રેડની લ્હાણી કરતી યુનિવર્સિટીઓને દંડનું સૂચન
ચારમાંથી એક કરતાં વધુ વિદ્યાર્થી ફર્સ્ટ ગ્રેડ સાથે ગ્રેજ્યુએટ થઈ રહ્યો હોવાથી એજ્યુકેશન સેક્રેટરી ડેમિયન હિન્ડ્સે જણાવ્યું હતું કે ગ્રેડ આપવાની આવી તર્કવિહિન અને અયોગ્ય રીતરસમનો અંત યુનિવર્સિટીઓએ લાવવો જ જોઈએ. તેઓ ઈચ્ચે છે કે હાયર એજ્યુકેશન રેગ્યુલેટર, ઓફિસ ફોર સ્ટુડન્ટ્સ (OfS)ને સિસ્ટમનું ઉલ્લંઘન કરનારી યુનિવર્સિટીઓને ૫૦૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ ફટકારવાની સત્તા આપવી જોઈએ.
• છ વર્ષીય બાળકીની હત્યા બદલ ૨૭ વર્ષની જેલ
છ વર્ષની અલેશા મેકફૈલની હત્યા કરનાર ૧૬ વર્ષીય માનસિક વિકૃત આરોન કેમ્પબેલે ગુનો કબૂલ્યા બાદ તેને ૨૭ વર્ષની જેલ કરાઈ હતી. તેણે ગયા જુલાઈમાં આઈલ ઓફ બટ ખાતે આવેલા અલેશાના પિતાના ઘરેથી તેનું અપહરણ કર્યું હતું અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે પછી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. તેના શરીર પર ઈજાના ૧૧૭ નિશાન હતા.
• સ્વાસ્થ્ય માટે વાયુ પ્રદૂષણ ચોથું સૌથી મોટું જોખમ
વાયુ પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય માટે હાઈ બ્લડ પ્રેશર, ડાયેટને લગતા જોખમ અને ધૂમ્રપાન બાદનું ચોથું સૌથી મોટું જોખમ છે. વિશ્વની ૯૦ ટકા જેટલી વસતિ બિનસલામત વાયુ પ્રદૂષણવાળા વિસ્તારોમાં રહે છે. પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાથી દર વર્ષે લગભગ ૭ મિલિયન લોકોનું મૃત્યુ થાય છે.
• ૯૪ વર્ષીય દર્દીને પાંચ હોસ્પિટલ અને ૧૧ વોર્ડમાં રખાયા
લેસ્ટરશાયરના ઓડબીના ૯૪ વર્ષીય વૃદ્ધ ક્રિસમસ રેગ થોમ્પસન મૃત્યુ પામ્યા તેના થોડા અઠવાડિયા અગાઉ તેમને જુદી જુદી પાંચ હોસ્પિટલ અને ૧૧ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી કેટલીક જગ્યાએ તો તેમને માત્ર થોડા કલાક જ રખાયા હતા. તેમને છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ સાથે લેસ્ટર રોયલ ઈન્ફર્મરીમાં દાખલ કરાયા હતા. ૨જી માર્ચે કેટરીંગ જનરલ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.
• કાન કાઢી નાખવા બદલ ટેટુ આર્ટીસ્ટને ૪૦ મહિનાની જેલ
બે ગ્રાહકોની વિનંતીને ધ્યાનમાં લઈને તેમના કાન અને નીપલ કાઢી નાંખવા બદલ ડો. ઈવિલ તરીકે જાણીતા વુલ્વરહેમ્પટનના ૫૦ વર્ષીય ટેટુ અને બોડી મોડીફિકેશન આર્ટીસ્ટ બ્રેન્ડન મેક્કાર્થીને ૪૦ મહિનાની જેલની સજા કરાઈ હતી. તેણે એક ગ્રાહકની જીભ પણ કાપી હતી. વ્યક્તિને ઈરાદાપૂર્વક ગંભીર શારીરિક નુક્સાન પહોંચાડવાના ત્રણ કાઉન્ટમાં તે ગુનેગાર ઠર્યો હતો. વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટના જજ અમજદ નવાઝે જણાવ્યું હતું કે આવી સર્જરી કરવા માટે મેક્કાર્થી પાસે કોઈ ડિગ્રી કે લાયકાત ન હતી.
• જીવલેણ સુપરબગનો ચેપ બનતા લોકોની સંખ્યા વધી
જીવલેણ કહી શકાય તેવા ઈ કોલી સુપરબગને હવે એન્ટિબાયોટિક્સની કોઈ અસર થતી ન હોવાથી તેના ચેપનો ભોગ બનતા ૬૫થી વધુની વયના લોકોની સંખ્યા ૩૩ ટકા જેટલી વધીને ૩૦,૦૦૦ થઈ હતી.
• સર્જનોનું નબળું ટીમ વર્ક એક સમસ્યા
છેલ્લાં દસ વર્ષમાં જે કેસોનો રિવ્યુ કરવામાં આવ્યો તે પૈકી ૭૫ ટકા જેટલાં કેસોમાં સર્જનોનું નબળું ટીમવર્ક સમસ્યા હોવાનું રોયલ કોલેજ ઓફ સર્જન્સ દ્વારા જણાવાયું હતું. એક યોજના હેઠળ કોલેજના નિષ્ણાતોને ડોક્ટર અથવા સેવાની સમીક્ષા કરવા હોસ્પિટલો દ્વારા જણાવાય છે. આવી ૧૦૦ વિઝિટનો અભ્યાસ કરાયો હતો. ખરાબ ટીમવર્કને લીધે ૭૬ ટકા કેસોમાં જટિલ સમસ્યા ઉભી થઈ હતી. કેટલાંક કેસોમાં સર્જનો વચ્ચેની તંગદિલીને લીધે કોમ્પ્લિકેશન્સ થયા હતા.અડધાથી વધુ રિવ્યુમાં ઘમંડ અથવા અન્ય પર દોષારોપણ જેવી વર્તણુંકની ટીકા કરવામાં આવી હતી.
• નિરર્થક અને મૂંઝવતી રોડ સાઈન્સ દૂર કરવામાં આવશે
મૂંઝવતી અને નિરર્થક રોડ સાઈન્સને લીધે ટેક્સપેયરોના નાણાંનો વ્યય થવાની સાથે સ્ટ્રીટમાં અવ્યવસ્થા ઉભી થાય છે તેમજ વાહનચાલકો મૂઝવણમાં મૂકાઈ જતા હોવાની ચેતવણી વચ્ચે કાઉન્સિલોને આવી નિશાનીઓ દૂર કરવા સૂચના અપાઈ હતી. લોકલ ઓથોરિટીને તેમના વિસ્તારમાં આવેલી સાઈન્સની ગણતરી કરવા અને બિનઉપયોગી અથવા વપરાશમાં ન લેવાતી સાઆન્સને દૂર કરવા જણાવાયું હતું.
• સ્પર્ધા દરમિયાન ગળામાં કેક ફસાતા મહિલાનું મૃત્યુ
મોંમાં શક્ય તેટલી વધુ કેક્સ ભરીને ખાવાની સ્પર્ધા દરમિયાન ગળામાં કેક ફસાઈ જતાં ૨૪ વર્ષીય બેધન ગાસ્કિનનું મૃત્યુ થયું હતું. ત્રણ વર્ષીય બાળકીની માતા જાફા કેક ચેલેન્જ તરીકે જાણીતી પાર્ટી ટ્રીકનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ગળામાં કેક ફસાઈ જતાં શ્વાસ લેવામાં તકલીફ પડતા તે ઢળી પડી હતી.
• એન્ટિબાયોટિક્સથી સ્વસ્થ બેક્ટેરિયાને નુક્સાન
એક જ વખત એન્ટિબાયોટિક્સ લેવાથી છાતીમાં આવેલા સ્વસ્થ બેક્ટેરિયાને એક વર્ષ સુધી અને સંભવતઃ કાયમી નુક્સાન થઈ શકે તેવી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોને જણાયું હતું કે માત્ર એક જ પ્રિસ્ક્રિપ્શનથી શરીરના માઈક્રોબાયોમ – ટ્રિલિયનથી વધુ બેક્ટેરિયા, ફંગી અને માઈક્રોબ્સ-નું બંધારણ બદલાઈ શકે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિનું નિયમન કરે છે , પાચનક્રિયામાં મદદ કરે છે અને વીટામીન ઉત્પન્ન કરે છે.
• ફીટનેસ એપ સ્વાસ્થ્ય માટે ખરાબ નીવડી શકે
દોડવા માટેના એપ્લિકે્શન્સ જોખમી બની શકે અને NHSએ પણ વધુ પડતી કસરતખરાબ બાબત છે તે વાતને સમર્થન આપવું જોઈએ તેમ સ્પોર્ટ્સ સાઈકોલોજિસ્ટ્સે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ઘણાં લોકો વળગણ લાગી જાય તેટલી હદે કસરત કરે છે. તેમાં ઘડીયાળ અને સ્માર્ટ ફોનમાં આવેલા ફીટનેસ ટ્રેકિંગ એપ્સ અને ટ્રેકર્સ જવાબદાર હોય છે.
• તૂટેલું દિલ જીવલેણ નીવડી શકે
દિલ તૂટી જાય તો માણસનું મૃત્યુ થઈ શકે તેવું એક સંશોધનમાં જણાયું હતું. તે સૂચવે છે કે આ પ્રકારનું દુઃખ જીવલેણ નીવડી શકે છે. અમેરિકામાં તાજેતરમાં વિધવા કે વિધુર થયેલા ૯૯ લોકોના અભ્યાસમાં રોગ પ્રતિકારક શક્તિની પ્રતિક્રિયામાં મોટાભાગના લોકોમાં લોહીમાં આવેલા અને બળતરા સાથે સંકળાયેલા કેમીકલ્સમાં ભારે વધારો જણાયો હતો. જે યુગલ વર્ષોથી સાથે રહેતું હોય તેમાં એકના મૃત્યુ પછી બીજી વ્યક્તિનું મૃત્યુ કેમ ટૂંક સમયમાં જ થાય છે તે તેના પરથી સમજી શકાય છે.
• બ્રિટનમાં લોકોને ૨૬ની વયથી જ મૃત્યુનો ડર!
બ્રિટનમાં લોકોને ૨૬ની વયથી જ મૃત્યુનો ભય સતાવતો હોવાનું સર્વેમાં જણાયું હતું. સગાસંબંધીના મૃત્યુથી લઈને આતંકી હુમલા જેવા પરિબળોને લીધે આટલી નાની વયથી જ લોકો તેમના સંભવિત મૃત્યુ અંગે કલાકો સુધી વિચાર્યા કરતા હોય છે. ૩૦,૦૦૦ વયસ્કોના સર્વેમાં જણાયું હતું કે સેલિબ્રિટીના મૃત્યુ સાથે જ તેમને અઠવાડિયામાં એક વખત પોતાના મૃત્યુનો વિચાર આવતો હતો.
• વિટામીન ડીની સપ્લીમેન્ટ્સ બિનઅસરકારક
હાડકાને મજબૂત રાખવા માટે વિટામીન ડી સપ્લીમેન્ટ્સ લેવી જોઈએ તેવી સત્તાવાર સલાહને પાછી ખેંચી લેવાની જરૂર હોવાનું વૈજ્ઞાનિકોએ અભ્યાસની સમીક્ષામાં જણાવ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે પાંચ વર્ષથી નીચેની વયના તમામ બાળકો તેમજ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ દરરોજ સપ્લીમેન્ટ લેવી જોઈએ. ઘરમાં અથવા કેર હોમમાં રહેતા હોય તેમજ વારેઘડીએ બહાર જવાનું ન થતું હોય તેવા લોકોએ પણ સપ્લીમેન્ટ્સલ લેવી જોઈએ.

