• પ્રવાસીઓનું લગેજ ગૂમ થવાના પ્રમાણમાં ભારે ઘટાડો
ટ્રેકિંગ ટેક્નોલોજીને લીધે વિમાનમાં મુસાફરી કરતાં લોકોનું લગેજ ગુમ થવાની શક્યતા દસ વર્ષ અગાઉ હતી તેના કરતાં ખૂબ ઘટી ગઈ છે. ગ્લોબલ એરલાઈન્સ આઈટી પ્રોવાઈડર SITA દ્વારા જણાવાયું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં સામાન ગૂમ થવાનો દર ૧,૦૦૦ પ્રવાસી દીઠ ૫.૭ પર સ્થિર રહ્યો હતો. અગાઉ ૨૦૦૮માં તે ૧૦૦૦ પ્રવાસી દીઠ ૧૦ કરતાં વધુ હતો.
• MMR રસી ન લીધેલા વિદ્યાર્થીને ઘરે મોકલી દેવાશે ?
હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે સૂચવ્યું હતું કે જે બાળકોને એમએમઆર વેક્સિન નહીં અપાઈ હોય તેમને સ્કૂલેથી ઘરે પાછા મોકલી દેવાશે. અન્ય બાળકોને તેમનો ચેપ લાગે નહીં તે માટે આ પગલું લેવાશે.
• ઉકેલાયેલા ગુનાનું પ્રમાણ ખૂબ નીચું ગયું
નાઈફ ક્રાઈમ નવી વિક્રમજનક સપાટી પહોંચી ગયો છે અને હત્યા તેમજ લૂંટના બનાવો પણ વધી ગયા હોવાનું સત્તાવાર આંકડા મુજબ જણાયું હતું. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ દ્વારા ગયા વર્ષે એકંદરે નોંધાયેલા ગુનામાં ૭ ટકાનો વધારો થયો હતો. તેમાં હિંસક ગુનામાં લગભગ ૨૦ ટકાનો વધારો થયો હતો. જ્યારે મનુષ્યવધની સંખ્યા દસ વર્ષની સૌથી વધુ રહી હતી. જોકે, અલગ આંકડા દર્શાવાયું હતું કે ઓફિસરો દ્વારા ઉકેલાયેલા ગુનાની સંખ્યાનું પ્રમાણ ખૂબ નીચે પહોંચ્યુ હતું.
• ઉચ્ચ ડિગ્રી છતાં મહિલાઓનો પગાર પુરુષો કરતાં ઓછો
માસ્ટર્સ અથવા પીએચડીની ડિગ્રી ધરાવતી મહિલાઓનો પગાર બેચલર્સ ડિગ્રી ધરાવતા પુરુષો કરતાં પણ ઓછી હોવાનું સેલરી ડેટા મુજબ જણાયું હતું. ગ્રેજ્યુએટ થયેલા પુરુષોનો પગાર તેમના જેટલું ભણેલી મહિલાઓ કરતાં ઝડપથી વધે છે. છેલ્લાં થોડાં વર્ષોથી મહિલાઓના પગારમાં કોઈ વધારો થયો જ નથી.
• ઈસ્લામોફોબિયાની નવી વ્યાખ્યાથી બ્રિટનને જોખમ થશે
ઈસ્લામોફોબિયાની નવી વ્યાખ્યાની યોજનાથી બ્રિટનને આતંકવાદ તરફથી જોખમ વધી જશે તેવી ભૂતપૂર્વ પોલીસ વડા અને સિનિયર QC એ ચેતવણી આપી હતી. પોલીસી એક્સચેન્જના એક પેપરમાં ચેતવણી અપાઈ હતી કે શકમંદ આતંકીઓ પોલીસ ઓફિસરો પર ઈસ્લામોફોબિયાનો આક્ષેપ કરીને કાઉન્ટર-ટેરર પોલીસની કામગીરી સમક્ષ પડકાર ઉભો કરશે.
• રેડ મીટનો ત્યાગ કરવા ક્લાયમેટ ચેન્જ કમિટીની તાકીદ
વર્ષ ૨૦૫૦ સુધીમાં ‘નેટ ઝીરો’ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને હાંસલ કરવા માટેની સુધારાવાદી યોજના હેઠળ બ્રિટનના લોકોએ રેડ મીટ ખાવાનું ઓછું કરી દેવું જોઈએ અને લાખો વૃક્ષો વાવવા જોઈએ તેમજ દરિયાકિનારે અતિ આધુનિક વિન્ડ ટર્બાઈન્સ ઉભાં કરવાની ક્લાયમેટ ચેન્જ કમિટીએ તાકીદ કરી હતી. સરકારી સલાહકાર સમિતિએ ૨૦૫૦ સુધીમાં યુકેના ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ૮૦ ટકા સુધી ઘટાડવાનો હાલનો લક્ષ્યાંક રાખ્યો હતો તે પડતો મૂકવાની ભલામણ કરી હતી.
• પ્રોસ્ટેટ કેન્સરના દર્દીને વારેઘડીએ હોસ્પિટલ જવું નહીં પડે
પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓને એક જ સેશનમાં રેડિયેશનનો ભારે ડોઝ આપી દેવાથી તેમને વારેઘડીએ હોસ્પિટલ જવું નહીં પડે તેમ લંડનના માઉન્ટ વર્નોન કેન્સર સેન્ટર અને માન્ચેસ્ટરના ક્રિસ્ટી એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંશોધકોએ જણાવ્યું હતું. મિલાનમાં યુકેના ૪૪૧ પુરુષોની સારવાર વિશેનો તેમનો અભ્યાસ એસ્ટ્રો કોંગ્રેસમાં રજૂ કરાયો હતો. હાઈ ડોઝ-રેટ બ્રેચીથેરાપી નાની ટ્યૂબ્સના સેટનો ઉપયોગ કરીને સીધા જ ટ્યૂમર પર કિરણો છોડે છે.
• ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર કસાઈને જેલ
૫૧ વર્ષીય સ્થાનિક ‘ઓર્ગેનિક’ કસાઈ સાયમન ડ્રસ્ટવિદેશી મટનને ‘બેસ્ટ ઓફ બ્રિટિશ’ બ્રાન્ડ કરીને વેચતો ઝડપાઈ ગયો હતો. વોરવિક ક્રાઉન કોર્ટે તેને બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા કરી હતી. તે ઈમ્પોર્ટેડ બીફ પર એબર્ડીન એંગસ અને હરફર્ડ સ્ટીક્સનું નવું લેબલ લગાવીને વેચતો હતો. તે નેધરલેન્ડથી મંગાવેલા ફોર્ક અને ચીકન પર નકલી લેબલ પ્રિન્ટ કરતો હતો.
• પીડિતાને મોબાઈલ ફોનની તમામ વિગતો આપવા ફરજ
દુષ્કર્મ પીડિતાઓએ તેમના મોબાઈલ ફોનમાં સ્ટોર થયેલા તમામ મેસેજિસ અને ફોટા પોલીસ જોઈ શકે તેમ કરવું પડશે, અન્યથા તેમના પર હુમલો કરનાર સામેનો કેસ પડતો મૂકવામાં આવશે તેમ તેમને કહેવામાં આવે છે. બળાત્કારનો ભોગ બન્યાની જાણ કરવા અંગેના નવા ફોર્મમાં જણાવાયું છે કે તેમણે તેમના ફોન, કમ્પ્યુટર્સ, સ્માર્ટ વોચમાંની તમામ માહિતી લેવાની પરવાનગી આપવી પડશે. બે મહિલાઓ આ નવા ફોર્મને કોર્ટમાં પડકારવા વિચારી રહી છે.
• ગેરવાજબી દંડ થતો હોવાની નાના બિઝનેસની માન્યતા
બ્રિટિશ ચેમ્બર ઓફ કોમર્સના સર્વે મુજબ લગભગ ૭૦ ટકા નાના બિઝનેસીસને એવું લાગતું હોય છે કે HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સ તેમને મોટા બિઝનેસની સરખામણીમાં ગેરવાજબી રીતે દંડ કરે છે.
• તિરસ્કાર વરસાવતી માતાથી પુત્રને દૂર રાખવા આદેશ
પોતાના પુત્ર સમક્ષ માતા દ્વારા પિતા માટે સતત ધિક્કારની લાગણી વ્યક્ત કરવામાં આવતી હોવાથી નોરવિકની પ્રાઈવેટ ફેમિલી કોર્ટના જજ લોઈડ નોર્થે ૮ વર્ષના બાળકને તેના પિતા પાસે જ રાખવાનો આદેશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તે જો માતાની સાથે જ રહેશે તો તેને લાગણીની દ્રષ્ટિએ ખૂબ જ નુક્સાન થશે. એક મનોચિકિત્સકે કોર્ટને જણાવ્યું હતું કે તે બાળકની માતા તેની સમક્ષ પિતાને નકારાત્મક જ ચીતરતી હતી.
• વધુ ટેક્સ ચૂકવતા શ્રમિકોના વિસ્તારના મકાનમાલિકો
દસમાંથી એક બીલ માફ કરવામાં આવતું હોવાથી શ્રમિકોના વિસ્તારોમાં રહેતા મકાનમાલિકોએ વધુ કાઉન્સિલ ટેક્સ ચૂકવવો પડતો હોવાનું નવા આંકડામાં જણાયું હતું.વધુ શ્રમિકોવાળા વિસ્તારોમાં લગભગ ૧૦૦ મિલિયન પાઉન્ડની રકમના કાઉન્સિલ ટેક્સ બીલની ચૂકવણી બાકી હોય છે જે પરિવારદીઠ સરેરાશ ૪૩૯ પાઉન્ડ જેટલી થાય છે.

