સંક્ષિપ્ત સમાચારઃ બ્રિટન

Thursday 14th February 2019 07:48 EST
 

કેન્સરપીડિતોને બહાદૂર ન કહો

કેન્સર પીડિતોને બહાદૂર ન કહેવા જોઈએ કારણ કે તેમને બહાદૂર કહેવાથી તેઓ સતત પોઝિટિવ દેખાવાના દબાણ હેઠળ આવી જતા હોવાનું મેકમિલન કેન્સર સપોર્ટ દ્વારા જણાવાયું હતું. ચેરિટીએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના કેન્સરપીડિતો પોતાનું વર્ણન ‘ફાઈટર’ તરીકે થાય તેવું ઈચ્છતા નથી અને ઘણાં પીડિતોને તેઓ ‘રોગ સામે લડી રહ્યા’ હોવાનું કહેવાય તેની સામે વાંધો છે.

કસ્ટડી કેસમાં વાલીઓનું નામ જાહેર કરાશે

કોર્ટના ઐતિહાસિક ચૂકાદાને પગલે પોતાના સંતાનોને વિદેશ લઈ જઈને પાછા લાવવાનો ઈન્કાર કરનારા કસ્ટડી લડાઈમાં સંડોવાયેલા પેરન્ટ્સના નામ હવેથી જાહેર કરવામાં આવશે. હાઈકોર્ટના જજ મોસ્ટીને આદેશ આપ્યો હતો કે યુક્રેનથી પોતાની બાળકીઓને લંડનમાં તેમના ઘરે લાવવાની ના પાડી રહેલી ધનાઢ્ય મહિલાનું નામ જાહેર કરી શકાશે.

યુનિવર્સિટીઓમાં હેટ પ્રીચર્સની સંખ્યામાં વધારો

હેટ પ્રીચર્સ ખૂબ સહેલાઈથી વિદ્યાર્થીઓ સુધી પહોંચી જતાં હોવાની ચેતવણી વચ્ચે આંકડામાં જણાયું હતું કેયુનિવર્સિટીઓમાં આતંકવાદને પ્રોત્સાહન આપતાં વક્તાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગયા શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી કેમ્પસમાં ઉદામવાદી મંતવ્યો ધરાવતા વ્યક્તિઓના ૨૦૦ કાર્યક્રમ યોજાયા હતા તેમ કાઉન્ટર એક્સ્ટ્રીમીઝમ થીંક ટેંક દ્વારા જણાવાયું હતું.

એપ્રિલમાં ઉત્પાદન અટકાવવાની જગુઆરની યોજના

યુકેની સૌથી મોટી કાર કંપની આગામી એપ્રિલમાં તેનું ઉત્પાદન એક અઠવાડિયા માટે બંધ કરી દેશે. કંપનીના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.

ઘર ચલાલવાનો ‘અદ્રશ્ય બોજ’ ઉઠાવતી મહિલા

ઘર ચલાવવાનો ‘અદ્રશ્ય બોજ’ મોટાભાગે મહિલાઓએ ઉઠાવવો પડતો હોવાનું અભ્યાસમાં જણાયું હતું. સર્વેમાં ભાગ લેનારી મહિલાઓ પૈકી ૯૦ ટકાએ જણાવ્યું હતું કે પરિવારનું શેડ્યુલ ગોઠવવાની જવાબદારી મોટાભાગે તેમના પર હતી. ૭૦ ટકાએ જણાવ્યું હતું કે મોટાભાગના વહીવટી કામો તેમના હવાલે હતાં.

જીમ અને વાઈફાઈથી યુવાનોને આકર્ષવાનો ચર્ચનો પ્રયાસ

ચર્ચમાં પ્રાર્થના દરમિયાન તેમાં જોડાતાં લોકોના ગણગણાટ અને વાજીંત્રોના સૂરો વચ્ચે ટ્રેડમીલ્સના અવાજ, કિબોર્ડ પર ટેપીંગ અને બાઈસિકલની ઘંટડીઓ પણ રણકતી સંભળાશે. વધુ યુવાનો ચર્ચમાં જતાં થાય તેવા પ્રયાસો માટેના ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના ૩૫ મિલિયન પાઉન્ડના અભિયાનના ભાગરૂપે અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતાં યુવા પ્રોફેશનલ્સને આકર્ષવા ઓપન ઓન - સાઈટ જીમ્સ અને બાઈસિકલ હાયર સ્કીમ્સની સુવિધા પૂરી પાડવામાં આવશે.

ફાસ્ટ ડિગ્રી માટે ફી વધારાને સાંસદોની મંજૂરી

ત્રણ વર્ષનો અભ્યાસક્રમ બે વર્ષમાં પૂરો કરી શકાય તેવા અભ્યાસક્રમ માટેની ટ્યૂશન ફી ૯,૨૫૦ પાઉન્ડથી વધારીને ૧૧,૧૦૦ પાઉન્ડ કરવાની યુનિવર્સિટીઓની યોજનાને સાંસદોએ મંજૂરી આપી હતી. હવે વિદ્યાર્થીઓને દર વર્ષે ૩૦ને બદલે ૪૫ અઠવાડિયા સુધી ભણાવવામાં આવશે. તેને લીધે વિદ્યાર્થીઓને એક વર્ષ ઓછું ભણવાથી ૫,૫૫૦ પાઉન્ડ અને રહેવાના ખર્ચની બચત થશે.

સમાન સંજોગોમાં જન્મેલા બાળકોનો વિકાસ દર સરખો

બુદ્ધિમતા નક્કી કરવામાં રંગ કે વર્ણ ભાગ ભજવતા હોવાના વિચારને ફગાવતાં ઓક્સફર્ડના નેતૃત્વ હેઠળના અભ્યાસમાં જણાયું હતું કે સમાન સંજોગોમાં જન્મેલા બાળકોનો વિકાસ દર એકસરખો જ હોય છે. સંશોધકોની ટીમે કરેલા આ પ્રથમ વૈજ્ઞાનિક સંશોધનમાં ગર્ભાધાનના શરૂઆતના દિવસોથી બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી તેમના શારીરિક અને બૌદ્ધિક વિકાસની માહિતી એકત્ર કરી હતી. દરેક તબક્કે જણાયું હતું કે તંદુરસ્ત માતાઓના બાળકો તંદુરસ્ત જ હોય છે અને તે બાળકોનો સમાન દરે વિકાસ થાય છે.

• કિંમતી શૂઝ માટે હર્ટફર્ડશાયરમાં યુવકની હત્યા

ઈસ્ટ લંડનના વોલ્ધમસ્લોમાં પોતાના નિવાસસ્થાનેથી હર્ટફર્ડશાયરમાં લંડન કોલ્ની આવેલા ૨૦ વર્ષીય અહસાનુલ્લા નવાઝાઈનું સ્ટેબિંગ થયું હતું. તે રસ્તાની વચ્ચે સ્ટ્રીટમાં ખૂલ્લા પગે પડેલો જણાયો હતો. તેના કિંમતી શૂઝ ચોરવાના ઈરાદે આ હુમલો કરાયો હોવાનું મનાય છે. પોલીસે હત્યાની શંકાના આધારે ઘટનાસ્થળની નજીક રહેતી ૩૦ વર્ષીય મહિલાની પૂછપરછ કરી હતી.

• નવા પિતાને NHS માનસિક આરોગ્યની સારવાર આપશે

NHS નવા પિતા બનેલા હજારો લોકોને સ્ક્રિનિંગ અને માનસિક આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર આપશે. આતુર અને હતાશ પિતાઓની સારવાર હેલ્થ સર્વિસના દસ વર્ષના આયોજનના ભાગરૂપ છે. વડા પ્રધાન થેરેસા મેએ આપેલા વચન મુજબના વધારાના ૨૦ બિલિયન પાઉન્ડનો ખર્ચ ૨૦૨૨ સુધીમાં કેવી રીતે કરવો તેનો નિર્ણય લેવાનું આવશ્યક છે.

• દસ દર્દીઓએ A&Eની ૨,૦૦૦ વિઝિટ લીધી

સેંકડોથી હજારો દર્દીઓ દર વર્ષે ઈમરજન્સી ડિપાર્ટમેન્ટ્સની વર્ષે દસથી વધુ વિઝિટ લેતા હોય છે જ્યારે દસ દર્દીઓએ તો ૨,૦૦૦ વખત તેની વિઝિટ લીધી હતી. હેલ્થકેર એનાલિસિસ કંપની ડો. ફોસ્ટર દ્વારા NHS હોસ્પિટલની માહિતીના કરેલા વિશ્લેષણમાં જણાયું હતું કે જૂન ૨૦૧૭ અને ગયા મે વચ્ચે ૩૧,૯૪૨ લોકોએ ઈંગ્લેન્ડમાં A&Eની દસ અથવા તેથી વધુ વખત મુલાકાત લીધી હતી.

કિડની ડાયાલિસીસથી મગજને ઈજા થઈ શકે

ઘણાં વર્ષોથી સારાવાર લેતા હોય તેવા દર્દીઓના મગજની ઈજામાં વધારો થતો હોય તો તે કિડની ડાયાલિસીસ સાથે સંકળાયેલો હોઈ શકે તેમ યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના અભ્યાસમાં જણાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter