• રંગભેદી ટીકા બદલ છ સૈનિકો સામે કાર્યવાહી
લશ્કરી ભરતી મેળામાં આવેલી ૨૮ વર્ષીય અશ્વેત મહિલા સૈનિક વિશે રંગભેદને લગતી ટીકા કરવા બદલ છ સૈનિકો સામે શિસ્તભંગના પગલાં લેવાયા હતા. મિલીટરી ઓફ ડિફેન્સ દ્વારા જણાવાયું હતું કે કોર્પોરલ કેરી-એન મોરિસ વિશે સોશિયલ મીડિયા પર નિંદાત્મક ટીકા ટિપ્પણ કરવા બદલ આ સૈનિકોને ચેતવણી અપાઈ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેરીએ પ્રમોશન મેળવવા પોતે અશ્વેત હોવાની વાતનો ઉપયોગ કર્યો હતો.
• ચર્ચે મુસાફરોને જમીનનો ઉપયોગ કરવા દેવો જોઈએઃ
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડે તેની જમીન જીપ્સી અને વિચરતા લોકોને દાનમાં આપવી જોઈએ તેવો મત પાદરીઓના સમૂહે વ્યક્ત કર્યો હતો. મુસાફરોને ખાનગી જગ્યામાં ફરતા અટકાવવા માટે અનધિકૃત પ્રવેશને ગંભીર ગુનો ગણવા વિચારણા કરી રહ્યા હોવાના સરકારના મિનિસ્ટરોના ખુલાસાના પાંચ મહિના બાદ વિચરતા સમાજને ચર્ચે જમીન દાનમાં આપવી જોઈએ તેવી દરખાસ્તને પાદરીઓએ ભારે સમર્થન આપ્યું હતું.
• બ્રિટિશ જેહાદી પરિણીતાઓને ૧૦૦ સંતાનો !
સીરિયામાં Isil પરિણિતાઓએ ૧૦૦ જેટલાં બ્રિટિશ બાળકોને જન્મ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દ્વિરાષ્ટ્રીયતા ધરાવતા જેહાદીઓની યુકેની સિટીઝનશિપ સરકાર છીનવી લેવા માગતી હોવાથી આ મુદ્દો તેના માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે.
• દર ૧૨ કલાકે બંધ થતું એક પબ
દર ૧૨ કલાકે એક પબ બંધ થતું હોવાનું તાજેતરના આંકડામાં જણાયું હતું. ધ કેમ્પેઈન ફોર રિયલ એલ દ્વારા જણાવાયું હતું કે ગયા વર્ષે જુલાઈ અને ડિસેમ્બરના ગાળામાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ૩૭૮ પબ કાયમ માટે બંધ થઈ ગયા હતા. જ્યારે ગયા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં બ્રિટનમાં કુલ ૮૫૪ પબ બંધ થયા હતા.
• પોલીસે ઈન્સ્યુરર્સ - બેંક્સ પાસેથી £૨૯ મિલિયન લીધા
હિતોના ગંભીર સંઘર્ષ તરીકે મનાઈ રહેલી વ્યવસ્થામાં સિટી ઓફ લંડન પોલીસે છેલ્લાં પાંચ વર્ષમાં બેંકિંગ અને ઈન્સ્યરન્સ કંપનીઓ પાસેથી ઓછામાં ઓછાં ૨૯ મિલિયન પાઉન્ડ મેળવ્યા હતા.
• વજન અને જાતિયતા એકબીજા સાથે સંકળાયેલા હોવાનો દાવો
સમલૈંગિક અને ઉભયલિંગી મહિલાઓ તેવા પુરુષો કરતાં સ્થૂળ અને સમલૈંગિક પુરુષો ઓછું વજન ધરાવતા હોવાનું યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયા અને યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું હતું. જર્નલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત થયેલા આ સંશોધનનું નેતૃત્વ સંભાળનારા નોરવિક મેડિકલ સ્કૂલના જોઆના સેમલિને જણાવ્યું હતું કે હોમોફોબિયા જેવા મનોવૈજ્ઞાનિક દબાણો વ્યક્તિના ખોરાકમાં ખૂબ ઘટાડા અને કસરતનો અભાવ જેવા અયોગ્ય વર્તન તરફ દોરી જાય છે.
• રોજ બે ડાયેટ ડ્રિંકથી મહિલાઓમાં સ્ટ્રોકનું જોખમ વધે
દરરોજ ડાયેટ ડ્રિંકના ઓછામાં ઓછાં બે કેન પીનારી મહિલાઓને સ્ટ્રોક, હૃદય રોગના હુમલા નું જોખમ વધી જાય છે અથવા વહેલા મૃત્યુ થવાની શક્યતા હોવાનું ૮૦,૦૦૦ મહિલાઓના અભ્યાસમાં જણાયું હતું. અઠવાડિયામાં એક કરતાં ઓછી વખત લો કેલરી ડ્રિંક પીતી મહિલાઓની સરખામણીમાં દરરોજ બે અથવા વધુ ડ્રિંક પીનારી મહિલાઓમાં સ્ટ્રોક આવવાની તકો ૨૩ ટકા વધી જાય છે.
• ઈમિગ્રેશન ઓફિસરોની સેવા ઉપલબ્ધ
હોમ ઓફિસ ખાનગી કંપનીઓ અને જાહેર સંસ્થાઓને કલાક દીઠ ૬૦ પાઉન્ડના દરે ઈમિગ્રેશન ઓફિસરોની સેવા પૂરી પાડી રહ્યું છે. ઓફિસરો ત્યાં બેકગ્રાઉન્ડ ચેકની કામગીરી સંભાળે છે. આ સ્કીમ ૨૦૧૬થી અમલમાં છે અને ૧૬ ઓફિસરો તેમાં ફરજ બજાવે છે.
• માઈગ્રન્ટ્સને ૨૮ દિવસ જ અટકમાં રાખી શકાશે
૧૧ કન્ઝર્વેટિવ સાંસદોએ સાજિદ જાવિદને લેખિતમાં કરેલી રજૂઆત પછી ઈમિગ્રેશન સેન્ટરમાં વ્યક્તિને અટકાયત હેઠળ રાખવા માટેની સમયમર્યાદા ૨૮ દિવસ કરાઈ હતી. પાંચ ભૂતપૂર્વ સાંસદો સાથેનું આ ગ્રૂપ ઈમિગ્રેશનના નિયમોમાં સુધારા માટે ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી સહિત વિરોધપક્ષો સાથે જોડાયું હતું.
• સન્ડે લંચ બોઈલ કરવા વૈજ્ઞાનિકોની સલાહ
પૃથ્વી પરના સૌથી વધુ પ્રદૂષિત શહેરો કરતાં ઘરમાં પ્રદૂષણનું સ્તર વધી ન જાય તે માટે પરિવારોએ સંન્ડે લંચ રોસ્ટ કરવાને બદલે બોઈલ કરવું જોઈએ. બારીઓ બંધ રાખીને પરંપરાગત ભોજન તૈયાર કરાય તો સેન્ટ્રલ લંડનમાં ગીચ દિવસે જેટલું પ્રદૂષણ હોય તેના કરતાં ૧૩ ગણું વધી જાય. ખોરાકને રોસ્ટ કરવાથી જે પ્રદૂષકો ઉત્પન્ન થાય છે તેમાં PM 2.5ના કણો પણ હોય છે જે ફેફ્સાંમાં પહોંચી જાય તેવા હોવાની માહિતી વિશ્વના વૈજ્ઞાનિકોના સંમેલનમાં અપાઈ હતી.

