માહિતીવિસ્ફોટ અને ટેકનોલોજીની કમાલથી સમગ્ર વિશ્વ જાણે ખોબામાં સમાવી લેવાય તેવું નાનું થઈ ગયું છે, જાણે દેશો વચ્ચેના સીમાડા ઓગળી ગયા હોય તેમ લાગે છે. આમ છતાં, સમગ્ર વિશ્વમાં અરાજકતા અને સંઘર્ષ અનેકગણાં વધી ગયા છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ લગભગ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે તો બીજી તરફ, યુએસ, ઈઝરાયેલ અને ઈરાનને સંડોવતો સંઘર્ષ પણ છ મહિનાથી ચાલી રહ્યો છે, જેમા મધ્ય-પૂર્વના દેશો પણ બાકાત રહી શકતા નથી. આ સિવાય પણ ઘણા નાના દેશોના સીમાડા સળગી રહ્યા છે. આ બધા યુદ્ધો એક બાબત સ્પષ્ટ કરી દે છે. લશ્કરી તાકાત અથવા યુદ્ધરત દેશોમાં કોણ સંડોવાયું છે તેને ધ્યાન ન લઈએ તો પણ યુદ્ધ થકી વિજય અથવા ટકાઉ શાંતિ મળશે તેની કોઈ ગેરંટી આપી શકાતી નથી. યુદ્ધના કારણે અન્ય દેશોએ પણ સહન કરવું પડે છે તે નિર્વિવાદ છે.
હવે વધુ સંઘર્ષો કે યુદ્ધોનો સમય રહ્યો નથી. આ સમય સંવાદ, કૂટનીતિ અને બહુપક્ષીયતા-મલ્ટિલેટરાલિઝમને મજબૂત બનાવવાનો છે. મલ્ટિલેટરાલિઝમ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે, જેમાં દેશો આપસી આદર, સહકાર અને શાંતિ માટેની સહભાગી પ્રતિબદ્ધતાથી સાથે મળીને કાર્ય કરે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે સમગ્ર વિશ્વના દેશોના નેતાઓ સાથે સંવાદ સાધી રહ્યા છે, તેને સંવાદ અને રચનાત્મક આંતરરાષ્ટ્રીય સંબંધોના મહત્ત્વનું મૂર્તિમંત ઉદાહરણ ગણાવી શકાય. ભારતીય સંસ્કૃતિ તો યુગોથી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની હિમાયત કરતી આવી છે અને નરેન્દ્ર મોદી તેને વિશ્વ રાજકારણમાં આગળ વધારી રહ્યા છે.
વિશ્વના અર્થતંત્રો અરસપરસ ગુંથાયેલા છે, અનેક સરહદોમાં વહેંચાયેલા અબજો લોકોને ટેકનોલોજીએ સાંકળી લીધેલા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી યુનાઈટેડ નેશન્સની સ્થાપના કરાઈ ત્યારે કેપિટલ, માલસામાન, ડેટા અને વિચારોની અકલ્પનીય ગતિએ હેરફેર થશે તેની કોઈને કલ્પના પણ નહિ હોય. અગાઉની સરખામણીએ વિશ્વ સમુદાય એકબીજા પર વધુ આધાર રાખનારો બની રહ્યો છે તેની સાથોસાથ તે વધુ વિભાજિત અને વિરોધાભાસી બની રહ્યો છે. ગત વર્ષે વિશ્વવ્યાપાર વિક્રમી 35 ટ્રિલિયન ડોલરના આંકડે પહોંચ્યો હતો અને માનવજાતના લગભગ ત્રણ ચતુર્થાંશ સભ્યો- 6 બિલિયન લોકો ઈન્ટરનેટ સાથે સંકળાયેલા છે ત્યારે જીઓપોલિટિક્સ વિરુદ્ધ દિશામાં જ જઈ રહ્યું છે. વર્ષ 2025માં 35 દેશોમાં 65 સશસ્ત્ર સંઘર્ષ જોવાં મળ્યા હતા. વૈશ્વિક લશ્કરી ખર્ચ 2.9 ટ્રિલિયન ડોલરના જંગી આંકે પહોંચ્યો છે. જો આ ખર્ચને સંઘર્ષ નહિ, પરંતુ સહઅસ્તિત્વની જાળવણી પાછળ ઉપયોગમાં લેવાય તો વિશ્વ કેટલું સુંદર બની જાય.
સ્પર્ધા કોઈ પણ હિસાબે સંઘર્ષ બનવી ન જોઈએ. આ માટે સંવાદ અને સહકારને આગળ વધારવાની આવશ્યકતા છે. જ્યારે દેશો સહભાગી પડકારોનો સામનો સંયુક્તપણે કરે ત્યારે તેમનું સાર્વભૌમત્વ ખંડિત થતું નથી, ઉલટાનું વધુ મજબૂત બને છે. આવા પડકારો સામે સામૂહિક કાર્યવાહી કરવામાં આવે ત્યારે રાષ્ટ્રીય હિતોને સૌથી વધુ લાભ થાય છે. યુએન જનરલ સેક્રેટરી એન્તોનિયો ગુટેરેસે તાજેતરમાં જ કહ્યું છે કે, ‘સુપરપાવર્સ હવે તેમની મર્યાદાઓને જાણી રહ્યા છે.’ આંતરરાષ્ટ્રીય સમુદાયે સામૂહિક એક્શનની અસાધારણ ગર્ભિત ક્ષમતાને પુનઃ ઓળખી લેવી જોઈશે. બીજી તરફ, આર્થિક સંબંધો અને વેપારને દબાણ અને ધાકધમકીના સ્વરૂપમાં ઉપયોગ કરાઈ રહ્યો છે. જેનું ઉદાહરણ, યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ટ્રમ્પને સમગ્ર વિશ્વને પોતાની એડીની નીચે દબાવી રાખવામાં અમેરિકાનું હિત જણાય છે, વરંતુ વાસ્તવિકતા અલગ છે. જો સહકાર નહિ સધાય તો ઉદ્ધાર થઈ શકશે નહિ.
વિશ્વનેતાઓ ન્યૂ યોર્કમાં યુએનની મહાસભામાં હાજરી આપવા પ્રયાણ કરી રહ્યા છે ત્યારે બ્રાઝિલના પ્રેસિડેન્ટ લુઈઝ ઈનાસિયો લુલા દ સિલ્વા, યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્તોનિયો કોસ્ટા, કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટો અને કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર માર્ક કાર્નીએ આ સબબે ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં લખેલો લેખ સહુની આંખો ઉઘાડનારો બની રહેશે. આ નેતાઓએ ‘પાર્ટનર્સ ફોર મલ્ટિલેટરાલિઝમ- P4M’ની હિમાયત કરી છે. P4Mનો હેતુ સહકાર અને સહઅસ્તિત્વમાં માનતા, શાંતિ ઝંખતા વિવિધ પ્રદેશો અને રાજકીય પરંપરાઓના દેશો માટે ફ્લેક્સિબલ, ઓપન ફ્રેમવર્કની રચનાનો છે.


