વડોદરાના માંજલપુરના ઉપાશ્રયમાં ગયા સપ્તાહે સ્થાનિક કલાકારો કર્ણિક શાહ અને કોકિલાબહેન શાહના સૌજન્યથી ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજ સાથે મારી મુલાકાત યોજાઇ. દરમિયાનમાં એમની નિશ્રામાં શ્રી લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટ દ્વારા, ગુજરાત સરકારના સહયોગથી ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય આયોજન 'ઋષભાયન-3'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એના ભીતરના ઇતિહાસ, વીઝન અને મિશન અંગે રસપ્રદ વાર્તાલાપ થયો. આ સમગ્ર કાર્યક્રમની સંક્ષેપમાં માહિતી આપતા કાર્યક્રમ અંગે ગચ્છાધિપતિ આચાર્ય યશોવર્મસુરી મહારાજે જણાવ્યું કે, માનવ સભ્યતાના વિકાસના પ્રણેતા રાજા ઋષભદેવના યોગદાન અને ભારતવર્ષના નિર્માણમાં એમની ભૂમિકા ઉજાગર કરાશે.
ભગવાન ઋષભદેવના જીવન, ઉપદેશો અને ભારતીય સંસ્કૃતિના વારસાને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં સાંસ્કૃતિક, શૈક્ષણિક, ધાર્મિક અને કલાત્મક પ્રવૃત્તિઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાન પરંપરાને પુનઃજીવિત કરવાનો તેમજ વિશ્વશાંતિ, અહિંસા અને માનવકલ્યાણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે.
આ ભવ્ય આયોજનમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દેશના અનેક જૈનાચાર્યો, વિવિધ ધર્મના સંતો, મહાનુભાવો, વિદ્વાનો સંશોધકો, રાજકારણીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વગેરે મોટી સંખ્યામાં હાજરી આપશે. વડોદરાના મહારાજા પરિવારના રાજમાતા શુભાંગિ રાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ ખાસ પધારશે.
અગાઉ અમદાવાદ ખાતે ઋષભાયનના પ્રથમ સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મુંબઈના બોરીવલી ખાતે ડિસેમ્બર 2025માં ઋષભાયન-2નું ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના આયોજનમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. 1,111 પ્રાચીન ગ્રંથોનું વિમોચન, સંશોધન પત્રોનું પ્રસ્તુતીકરણ અને વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં.
હવે ઋષભાયન-3ના માધ્યમથી વડોદરાને ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન અને પ્રાચીન જ્ઞાન પરંપરાના રાષ્ટ્રીય મંચ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ખાસ વાત એ છે કે આ ઋષભાયન-3ના આયોજનમાં માત્ર જૈન સમાજ જ નહીં, પરંતુ વડોદરા શહેર તથા સમગ્ર દેશના અને વિદેશના તમામ નાગરિકોને ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ ધર્મ અને સમાજના લોકો આ આયોજનમાં સહભાગી બની ભારતીય સંસ્કૃતિ અને વિશ્વશાંતિના સંદેશને જાણે અને માણે તેવો આયોજકોનો પ્રયાસ છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી સહિત દેશની ૨૦ થી વધુ યુનિવર્સીટીઓ ના વાઈસ ચાન્સેલર તથા સ્કોલર ભાગ લેશે. યુ.કે., અમેરિકા ,ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, મોરેશિયસ સહિત એક ડઝન થી વધુ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય આયોજનમાં ભાગ લેવા પધારશે. આ વાર્તાલાપમાં ભાગ્ય યશસુરી તથા રીકાર સુરી મહારાજે પણ સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
આ કાર્યક્રમનો શુભારંભ ૪૦ થી વધુ ધર્મગુરૂઓના સર્વધર્મ ઐક્ય પરિષદ, ચિંતન, મંથન સત્રથી થશે. દેશવિદેશથી પધારેલ ૪૦૦ જેટલા સ્કોલર્સ પોતાના રીસર્ચ પેપર્સ રજુ કરશે. રાજા ઋષભદેવ ભગવાન દ્વારા સમાજને અપાયેલ ૬૪ અને ૭૨ કળાઓ, સ્કીલ ડેવલપમેન્ટ તેમજ એમની દંડનીતિ, લીગલ અને સીવીક એસ્પેક્ટ્સ તથા સાયન્સના વિવિધ વિષયો પર ત્રણ દિવસ પેપર પ્રેઝન્ટેશન થશે.
વડોદરાના ૫૦ થી વધુ સ્વરસાધકો એક મંચ પર ઉપસ્થિત રહી ઋષભાયનની થીમ પર પ્રસ્તુતી કરશે.ભારતીય દર્શન:વિશ્વ શાંતિનો મૂલાધાર વિષય પર શાસ્ત્રાર્થ યોજાશે. સાહિત્ય, સંગીત, શૈક્ષણિક, સાંસ્કારીકતાનો અનોખો સંગમ થશે.
અત્રે એકસપીરીયન્સ ઝોન બનાવાશે જેમાં ૯ ખંડમાં લેટેસ્ટ ટેકનોલોજી મારફતે રાજા ઋષભની ૬૪ અને ૭૨ કળાઓની સમજ અપાશે.
પ્રવેશ વિના મૂલ્યે છે પરંતુ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. વધુ વિગત માટે અને રજીસ્ટ્રેશન માટે વીઝીટ કરો: www.rushabhayan.org


