લંડનઃ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી સોમવાર, 29 એપ્રિલ, 2024ના રોજ 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં સૌપ્રથમ વખત યોજાઈ હતી. આ ઉજવણીનું યજમાનપદ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર, ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર અને કેબિનેટ ઓફિસમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ઓલિવર ડાઉડેન CBE MP એ સંભાળ્યું હતું.
ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને જણાવ્યું હતું કે,‘આ રિસેપ્શનનું યજમાનપદ સંભાળતા મને ઘણી ખુશી થઈ છે. ભગવાન મહાવીરના જન્મદિનની ઉજવણી 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં સૌપ્રથમ વખત થઈ છે. મારું મતક્ષેત્ર હર્ટ્સમીઅર અદ્ભૂતપણે વૈવિધ્યપૂર્ણ છે. અમારી પાસે પોટર્સ બારમાં ઓશવાલ સેન્ટર છે તો બુશી ખાતે SRMD સેન્ટર છે. મહાવીરની જન્મ વર્ષગાંઠ પ્રસંગે આપણે શાંતિ, સમાનતા અને પ્રકૃતિની જાળવણીની વિચારધારાઓને પસંદ કરવાની પળ છે. મહાવીરના સિદ્ધાંતો આપણને અન્યોની સેવા અને તમામ સજીવોનો આદર કરવાની પ્રેરણા આપે છે. જૈન સમુદાયે તમામ ક્ષેત્રોમાં પ્રચંડ યોગદાનો આપેલા છે. આપણી સમક્ષ યોગેશ મહેતા, ભરત શાહ અને અન્ય ઘણા બધા છે જેમણે આ દેશના સંપૂર્ણતયા વિકાસમાં યોગદાન આપેલું છે.’
આ પ્રસંગે રવાન્ડા, યુગાન્ડા અને DRC માટે પ્રાઈમ મિનિસ્ટરના વેપારદૂત-ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટે કહ્યું હતું કે, ‘આ ઐતિહાસિક ઈમારત અને આપણા પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકના નિવાસસ્થાને હું આપ સહુનું ઉષ્માસભર સ્વાગત કરું છું. સૌપ્રથમ વખત ભગવાન મહાવીરના જન્મદિનની ઉજવણી 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કરાઈ છે. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન જૈન કોમ્યુનિટીના પરમ મિત્ર છે. તેમના મતક્ષેત્રમાં જૈન સમુદાયની સૌથી વધુ વસ્તી અને યુકેમાં સૌથી વિશાળ જૈન મંદિર હોવાની સાથે બ્રિટિશ જૈન સમુદાયનું સાચું પ્રતિનિધિત્વ કરે છે. પિકફર્ડના ચેરમેન યોગેશ મહેતાથી માંડી સિગ્માના ભરત શાહ થકી જૈન કોમ્યુનિટીએ સખત મહેનત, ઉદ્યોગસાહસિકતા, પરોપકાર, આસ્થા અને મૂલ્યોના નવા માપદંડ સ્થાપિત કર્યા છે.’
પૂજારી જય શાહે પવિત્ર પ્રાર્થના રજૂ કરી હતી. તેમણે મહાવીરના અહિંસાના સિદ્દાંમતને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરે નિર્વાણ પ્રાપ્ત કર્યું તેની 2,550મી વર્ષગાંઠ પણ આ જ દિવસે હોવા સાથે આ વર્ષનો ઈવેન્ટ ખરેખર વિશિષ્ટ હતો. નવકાર મંત્ર ઉચ્ચાર્યા પછી સહુએ ‘જૈનમ જયતિ શાસનમ... ત્રિશલા નંદન વીર કી, જય બોલો મહાવીર કી’ના ઉચ્ચારો કર્યા હતા.
આ ઉજવણીમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, યોગેશ મહેતા, ભરત શાહ CBE, ડો. મેહૂલ સંઘરાજકા MBE, જયસુખ મહેતા, નેમુ ચંદેરીઆ, રાજેશ જૈન, નિરજ સુતરીઆ, ડો. વિનોદ કપાસી OBE, ડો. મયંક શાહ, મયૂર મહેતા, રુમિત શાહ, ડો. એડ્રિઅન પ્લાઉ તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર ઈન ચીફ સી.બી. પટેલની વિશેષ ઉપસ્થિતિ સાથે અન્ય મહેમાનોનો સમાવેશ થયો હતો.
10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકના પોલિટિકલ એડવાઈઝર અમીત જોગીઆ MBEએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
જીવનના તમામ ક્ષેત્રોમાં બ્રિટિશ જૈનોનું પ્રચંડ યોગદાનઃ ડેપ્યુટી PM ઓલિવર ડાઉડેન
ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેને મહાવીર જન્મ કલ્યાણક ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું કે,‘જીવનના તમામ ક્ષેત્રો, મેડિસીન, જર્નાલિઝમ, બિઝનેસ, મનોરંજન અને અન્ય ક્ષેત્રોમાં બ્રિટિશ જૈનોનું પ્રચંડ યોગદાન રહ્યું છે. ભગવાન મહાવીરના જન્મદિનની વર્ષગાંઠ તેમજ શાંતિ, સત્ય, વિનમ્રતા અને તમામ આત્મામાં માન્યતાના તેમના ઉપદેશો પ્રત્યે કટિબદ્ધ લોકોની હાજરીમાં રહેવા બદલ હું ભાગ્યશાળી છું. ઓશવાલ સેન્ટરના પૂજારીઓ દ્વારા મહાવીર જયંતીની પવિત્ર પ્રાર્થનાઓનો પરિચય કરાવાયો ત્યારે આ બધી માન્યતાઓમાંથી આપણે કેટલું શીખી અને જીવી શકીએ તેનું મને સ્મરણ થઈ ગયું.
હર્ટ્સમીઅરમાં મારા સ્થાનિક જૈન મંદિરોની મુલાકાતો અને કોમ્યુનિટીના વયોવૃદ્ધોની મદદ, સ્થાનિક પ્રાણી કલ્યાણ ચેરિટીઝને સહાય સહિત અન્યોની સેવામાં પોતાની જરૂરિયાતોને બાજુએ રાખતા સભ્યોને મળવાથી હું ઘણું જાણતો થયો છું. પ્રત્યેક સજીવ તરફનો આદર ખરેખર પ્રકાશિત થઈને બહાર આવે છે. મારા મતક્ષેત્રમાં ઘણા ધર્મો અને કોમ્યુનિટીઓ છે જેમાં સૌથી મોખરે જૈનધર્મી છે તે બધાનું પ્રતિનિધિત્વ કરવામાં હું ગૌરવ અનુભવું છું. પોટર્સ બારમાં ઓશવાલ સેન્ટર અને બુશીમાં SRMD સેન્ટર મારા મતક્ષેત્રના હાર્દમાં હોવાનો મને આનંદ છે.
ભારતમાં આશરે 2500 વર્ષ પહેલા ઉદ્ભવેલો અને શાંતિ અને સંવાદિતા અને આખરમાં મોક્ષને પામવા સદીઓથી પૂજાતો રહેલો જૈન ધર્મ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મોમાં એક છે.
વિશેષ સમારંભના સમાપન પછી આપણે રોજિંદા જીવનમાં પાછા ફરીએ ત્યારે મને વિચાર આવ્યો કે આપણે કોઈ પણ માન્યતા ધરાવતા કે ન ધરાવતા હોઈએ, આપણને આગળ વધારતા કોઈ પણ સંઘર્ષો સહન કરીએ ત્યારે જૈનદર્શનની સાદગી અને સરળતા કે આપણે સારપ અને કરુણા સાથે તમામને અપનાવીએ તે જ મહાજ્ઞાન છે જેને આપણે શીખવું જોઈએ.’


