લંડનઃ બ્રિટનમાં ઈન્ટરફેઈથ ઈનિશિયેટિવ્ઝનું સારું પ્રમાણ છે,પરંતુ તેમની અસર વિભિન્ન રહે છે. કેટલાક ઉપરછલ્લા હોય છે તો કેટલાક માત્ર દેખાવ પૂરતા છે. રોયલ ફોરેસ્ટ ઓફ ડીન સાથે જોડાયેલું આશા (ASHA) સેન્ટર સાચી ઈન્ટરફેઈથ લીડરશિપ - ઊંડાણ, વ્યવહારુ અને પરિવર્તનકારી,કેવી હોઈ શકે તે દર્શાવે છે. તાજેતરમાં મેં આશાના ‘બિલ્ડિંગ ધ ઈન્ટરફેઈથ લીડરશિપ ઓફ ધ ફ્યુચર’ થીમ સાથેના યુથ ઈન્ટરફેઈથ રીટ્રીટમાં હાજરી આપી હતી. આ કોઈ સેમિનાર કે દેખાવની પેનલચર્ચા ન હતી, પરંતુ એક્શન, સર્જનાત્મકતા અને ઈન્ટરફેઈથ કામગીરી માત્ર વિનયી સહઅસ્તિત્વ સંબંધી જ નહિ, પરંતુ સહાનુભૂતિ અને સમજ સાથે મતભેદોમાં સેતુ બનાવી શકે તેવા નેતાઓ તૈયાર કરવાની આશા સાથેની હતી.
1982માં પાર્લામેન્ટ માટે ઉમેદવારી કરનારી પ્રથમ બિનગોરી મહિલા અને માનવાધિકાર કર્મશીલ ઝેરબાનુ ગિફોર્ડ દ્વારા સ્થાપિત ‘આશા’ નામનો સાચો અર્થ સંસ્કૃત અને હિન્દીમાં આશા છે, હિબ્રુમાં નસીબદાર, અરેબિકમાં જે સારું જીવન જીવે છે, સ્વાહિલીમાં સજાવટ કે શ્રુંગાર અને પર્શિયનમાં સૌંદર્યનો અર્થ છે. આશા સેન્ટર આ ફીલોસોફીનું પ્રતીક છે જે પ્રકૃતિ, સંસ્કૃતિ, આધ્યાત્મિક ચિંતન અને નૈતિક નેતૃત્વને સાથે વણી લે છે. વિવિધ ધાર્મિક ફલકનું પ્રતિનિધિત્વ કરતા 14 યુવા લોકોએ સિવિક નેતાગણ, નિર્ણયકર્તાઓ તેમજ બિશપ ઓફ ગ્લોસેસ્ટર અને એન્ગ્લિકન બિશપ ફોર HM પ્રિઝન્સ રેવરન્ડ રાચેલ ટ્રેવિક સહિતના ઓડિયન્સ સમક્ષ પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કર્યા હતા. તેમાં માત્ર આદર્શવાદ નહિ, પરંતુ જીવંત અનુભવો થકી આકાર પામેલા નક્કર અને કાર્યાન્વિત થનારા આઈડિયાઝ હતા. એક ગ્રૂપ દ્વારા અન્નની ગરીબી અને ખેડૂતોના અધિકારોની વાત સાથે સ્થાનિક ફાર્મ્સ અને શાળાઓને સાંકળવા જણાવાયું હતું. બીજા ગ્રૂપે કોમ્યુનિટીઓને પ્રકૃતિ સાથે જોડવા પરફોર્મિંગ આર્ટ્સના ઉપયોગ વિશે જણાવ્યું હતું. ત્રીજા ગ્રૂપે હેટ ક્રાઈમને અટકાવવા તાલીમ વિશે કહ્યું હતું. આ યુવા લોકો ઈન્ટરફેઈથ ભાવિ વિશે નહિ, પરંતુ તેના ઉભરતા સ્થપતિઓની માફક બોલી રહ્યા હતા.
ઝેરબાનુ ગિફોર્ડે જણાવ્યું હતું કે,‘અમે લોકોને તેમના મૂળિયાંનો ત્યાગ કરવાનું કહેતા નથી. અમે તેમને પડોશીઓનું સન્માન કરવા કહીએ છીએ. આપણે બધા એક પરિવાર છીએ.’


