BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Wednesday 23rd June 2021 06:04 EDT
 
 

અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસBAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે કોવિડ – ૧૯ની લોકલ, સ્ટે અને ફેડરલ ગાઈડલાઈન્સના પાલન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈન્સ્ટ્રક્ટર્સના માર્ગદર્શન હેઠળ ૬૦થી વધુ લોકોએ મંદિરના પ્રાંગણમાં ભુજંગાસન અને મર્જરીઆસન સહિત વિવિધ યોગાસનો તથા શ્વાસોચ્છવાસની વિવિધ ટેક્નીક સાથે કપાલભારતી, પ્રાણાયામ અને ભસ્ત્રિકા પ્રાણાયામ કર્યા હતા.
યોગ દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રાખવામાં ઉપયોગી થઈ શકે તેના પર ભાર મૂકવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ 'યોગ ફોર વેલબીઈંગ' રાખવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકલ ફાર્માસિસ્ટ મયૂર યાદવે જણાવ્યું હતું કે યોગથી આધ્યાત્મિક ફાયદાઓથી ઉપર સ્વાસ્થ્યને પણ ખૂબ લાભ થાય છે. ખાસ કરીને જ્યારે માનસિક સ્વાસ્થ્ય ખૂબ મહત્ત્વનું છે ત્યારે યોગ મારા પરિવાર અને મારા માટે શ્રેષ્ઠ સ્રોત રહ્યો છે.  
સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેવા માટે તેમજ કોરોના મહામારી દરમિયાન સોશિયલ આઈસોલેશન અને ડિપ્રેશન સામે લડવા માટે દુનિયામાં યોગનો આશ્રય લેનારા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે.    
લોકલ નર્સ અને એસેન્શિયલ વર્કર સેવા પટેલે જણાવ્યું કે અમેરિકા આવ્યા પછી તેમને લાગ્યું કે અહીં મુખ્યધારાનો યોગ છે. હું ઈચ્છતી હતી કે મને આવા આધ્યાત્મિક સ્થળે યોગ કાર્યક્રમમાં ભાગ લેવા મળે અને તે લાભ મને મળ્યો છે.  
કાર્યક્રમના અંતમાં કોવિડ – ૧૯ મહામારીમાં જીવ ગુમાવનારા લોકો, તેમના શોકમગ્ન પરિવારો અને દુનિયામાં હાલ પણ કોરોના સંક્રમણ અને તેનાથી થતાં મૃત્યુનો ઉંચો દર ધરાવતા દેશો અને કોમ્યુનિટીઝ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter