વડોદરાઃ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતી આગામી બીજી ફેબ્રુઆરીએ વડોદરામાં ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાવાની છે. આ અનુસંધાને, રવિવારની સંધ્યાએ બીએપીએસ સંસ્થા દ્વારા સુરસાગર તળાવ ખાતે આયોજિત વિશિષ્ટ વૈદિક કાર્યક્રમે વડોદરા શહેરને ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી બનાવી દીધું હતું.
માત્ર 6થી 14 વર્ષની વયના 652 બાળકો અને 640 બાલિકાઓ - એમ કુલ 1292 બાળ વિદ્વાનોએ 315 સંસ્કૃત શ્લોકો ધરાવતા સત્સંગ દીક્ષા ગ્રંથને કંઠસ્થ કર્યા બાદ વૈદિક કાળના ઋત્વિજોની માફક યજ્ઞવિધિ કરી, ઉપસ્થિત મહાનુભાવો અને શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રીબેન ઠાકુર, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ તેમજ પ્રખર શિક્ષણવિદ તેજલબેન અમીનના આગમન પ્રસંગે નાની વિદુષી બાલિકાઓએ સ્વાગત-અભિવાદન કરી તેમને મુખ્ય યજ્ઞકુંડ સુધી દોરી ગયા. સ્વાગત, સન્માન અને પ્રાસંગિક ઉદબોધન બાદ સમગ્ર પરિસરમાં ઉપસ્થિત બાળકો, વાલીઓ, આમંત્રિત મહેમાનો અને મંચસ્થ મહત્વનુભાવોએ સમૂહમાં વૈદિક શાંતિપાઠનું ગાન કર્યું હતું. ત્યારબાદ મુખ્ય યજ્ઞકુંડ ખાતે યશદીપ પ્રજ્વલન કરી એક્સાથે 292 યજ્ઞકુંડોમાં 1292 બાળકો દ્વારા યજ્ઞનો આરંભ થયો. માત્ર બાળકો દ્વારા વિશાળ આયોજિત યજ્ઞ એક અનોખું કીર્તિમાન સાબિત થયો હતો.
યજ્ઞના અંતિમ તબક્કે સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી સાથે અન્ય પૂજ્ય સંતો, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, વિધાયક યોગેશ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ બાળકો સાથે મળીને આહુતિ અર્પણ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી. સત્કાર અને પ્રાસંગિક ઉદબોધન બાદ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ આશીર્વાદ પાઠવતાં બાળકો દ્વારા સર્જાયેલ આ ઐતિહાસિક ઘટનાને બિરદાવી. યશોત્સવ બાદ કિશોરોએ શિવ તાંડવ નૃત્ય રજૂ કરી માનવમહેરામણને ભક્તિરસમાં તરબોળ કરી દીધું હતું.


