BAPS યુકે અને યુરોપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

Tuesday 09th March 2021 14:12 EST
 
 

BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા યુકે અને યુરોપમાં ‘રાઈઝીંગ ટુ ચેલેન્જ’ શીર્ષક હેઠળ પ્રેરણાદાયી કાર્યક્રમ દ્વારા ૭મી માર્ચને રવિવારે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણી મહિલાઓ અને તેમના માટે મહત્ત્વની બાબતો અંગે પૂ. મહંત સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળBAPSની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ઓનલાઈન વેબકાસ્ટમાં ખાસ કરીને છેલ્લાં ૧૨ મહિના દરમિયાન મહિલાઓએ સાધેલી પ્રગતિ અને પડકારો પર વિજય મેળવીને બહાર આવેલી મહિલાઓને સકારાત્મક રીતે બીરદાવવામાં આવી હતી. અંગત અને પારિવારિક જીવનમાં ઉદભવેલી પડકારજનક સ્થિતિ તેમજ કામકાજ અને સોશિયલ મીડિયાના પ્રભાવોનો તમામ મહિલાઓએ જે રીતે સામનો કર્યો અને તેઓ તેને જે રીતે અનુકુળ થઈ તેના પર ખાસ ભાર મૂકાયો હતો.

તેમાં ‘તમારી સમજણ વિશે ફરી વિચારો’, ‘સાહસિક પ્રવૃત્તિ શોધો’, ‘અત્યાચાર સામે અવાજ ઉઠાવો’ અને ‘સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ’ જેવા ચાર મુખ્ય વિભાગ હતા. હાલ મહિલાઓ જે પડકારોનો સામનો કરે છે તેમાંથી તે સામૂહિક રીતે બહાર કેવી રીતે આવે તેના ઉપાયો વિશે ચર્ચા કરાઈ હતી.

કાર્યક્રમમાં એનિમેશન વીડિયો, ઓનલાઈન ડિબેટ અને વિપરિત સંજોગોમાંથી બહાર આવેલી અને પોતાના જીવનની વિવિધ બાબતોમાં નોંધપાત્ર સફળતા મેળવનારી મહિલાઓના અનુભવો સહિત વિવિધ માધ્યમો દ્વારા કેટલીક થીમ રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં સ્પર્ધક દ્વારા દર્શકોની મદદના માર્ગદર્શનથી પ્રશ્રોના જવાબ આપવામાં આવ્યા હતા.

BAPSની મહિલા ફોરમે કોમ્યુનિટીના અસરગ્રસ્ત સભ્યોને શોધવા અને તેમને લાગણીશીલ પદ્ધતિએ સમયસર મદદ માટે એન્ફિલ્ડ સાહેલી સાથે સહયોગ કર્યો હતો. લંડનની એન્ફિલ્ડ બરોમાં વંશીય, સાંસ્કૃતિક, ધાર્મિક અથવા રાજકીય ભેદભાવ વિના મહિલાઓના સશક્તિકરણ અને તેમને મદદની પ્રવૃત્તિઓ અને સર્વિસ પૂરી પાડવા માટે એશિયન મહિલાઓ દ્વારા એન્ફિલ્ડ સાહેલીની સ્થાપના કરાઈ હતી.

સાહેલીના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિશ્રા પૂજારાએ કાર્યક્રમ દરમિયાન ઘરેલુ હિંસાથી અસર પામેલી જરૂરતમંદ અને નિર્બળ મહિલાઓ અને પરિવારોને મદદ પૂરી પાડવાની BAPSની પહેલને આવકાર આપ્યો હતો.

કાર્યક્રમ પછી લેસ્ટરના શિલ્પા પટેલે તેમનો અનુભવ વર્ણવતા કહ્યું,‘ ખરેખર કાર્યક્રમ સરસ અને મહિલાઓ માટે મહત્ત્વની બાબતો પર પ્રકાશ પાડનરો હતો. પડકારોનો સામનો કરીને આગળ આવેલી મહિલાઓના નિવેદનો સાંભળ્યા પછી હું મારા પડકારો સામે લડીને આગળ આવીશ તેવો વિશ્વાસ અને ઉર્જાનો મારામાં ઉદભવ થયો છે. ઘરેલુ હિંસા વિશેની જાગ્રતિ જોઈને મને આનંદ થયો. હું ચોક્કસપણે માનું છું કે આ વ્યવહારિક માર્ગદર્શન અને પૂરી પાડવામાં આવેલી મદદથી ઘણી મહિલાઓને લાભ થશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter