નાઈરોબીઃ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની 27મી વર્ષગાંઠ-પાટોત્સવની ઉજવણી 30 ઓગસ્ટ 2026ના રોજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. મંદિરના પાટોત્સવમાં મૂર્તિઓના પરંપરાગત પવિત્ર અભિષેક, મહાપૂજા, ભવ્ય અન્નકૂટ અને આરતીમાં 1,100થી વધુ હરિભક્તો-સત્સંગીઓ સામેલ થયા હતા.
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, કેન્યાનું નાઈરોબીસ્થિત હિન્દુ મંદિર છે. આના પહેલા પણ આફ્રિકા ખંડમાં હિન્દુ મંદિરોની હાજરી હતી, પરંતુ પરંપરાગત પથ્થર અને આરસપહાણથી નિર્મિત આ પ્રથમ મંદિર છે જેનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ પ્રાચીન હિન્દુ સ્થાપત્ય-શિલ્પશાસ્ત્રો અનુસાર કરવામાં આવ્યું છે. હિન્દુ સ્વામિનારાયણ સંપ્રદાયના વિભાગ BAPSના પાંચમા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આ મંદિર 1999ની 29 ઓગસ્ટે સમર્પિત કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરને 27જૂન, 2000 ના રોજ આર્કિટેક્ચરલ એસોસિએશન ઓફ કેન્યાના મિલેનિયમ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન આર્કિટેક્ચરથી નવાજવામાં આવ્યું હતું.
મંદિરની બાજુમાં BAPS શ્રી સ્વામિનારાયણ હવેલી આવેલી છે. એક સાંસ્કૃતિક સંકુલની વિશાળ ઇમારત હવેલીમાં પ્રાર્થના હોલ, રસોડું, ડાઇનિંગ હોલ, કોનકોર્સ, એસેમ્બલી હોલ, વહીવટી કચેરીઓ, વ્યાયામશાળા, દવાખાનું, યુવા હોલ અને સામાજિક સેવાઓ માટેનાં કેન્દ્રનો સમાવેશ થાય છે.


