BAPS સ્વામીનારાયણ સંસ્થાની સ્થાપના

- નીતિન પલાણ Tuesday 06th April 2021 14:40 EDT
 
 

આ લેખમાં આપણે શાસ્ત્રીજી મહારાજ વિશે અને ૧૯૦૭માં તેમણે કેવી રીતે BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાની સ્થાપના કરી તેના વિશે અને યોગીજી મહારાજે કેવી રીતે ભારત બહાર અને યુવાનોમાં BAPSના ઉદ્દેશોનો પ્રસાર કર્યો તેની વાત કરીશું.

શાસ્ત્રીજી મહારાજ

શાસ્ત્રીજી મહારાજનો જન્મ મહેળાવમાં ૩૧ જાન્યુઆરી ૧૮૬૫ના રોજ થયો હતો. તેમણે ૧૭ વર્ષની વયે નવેમ્બર, ૧૮૮૨માં વડતાલમાં સાધુ યજ્ઞપુરુષદાસ તરીકે દીક્ષા લીધી હતી. તે સમયે સદગુરુ વિગ્નાનાનંદ સ્વામી તેમના ગુરુ હતા. તેઓ ભગવાન સ્વામીનારાયણના સમયના સિનિયર સાધુ હતા. સુરતમાં તેમના ગુરુ સાથે સેવા કરતી વખતે તેઓ પ્રથમ વખત મહુવાના પ્રાગજી ભક્ત (ભગતજી મહારાજ)ને મળ્યા હતા. તેઓ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સમર્પિત શિષ્ય હતા.

પ્રાગજી ભક્તે ભગવાન સ્વામીનારાયણે આપેલા અક્ષર – પુરુષોત્તમના સિદ્ધાંત વિશે યજ્ઞપુરુષદાસને વિગતે વાત કરી હતી. યજ્ઞપુરુષદાસ શાસ્ત્રી બન્યા અને તેથી તેઓ શાસ્ત્રીજી મહારાજ તરીકે જાણીતા હતા. તેઓ અક્ષર – પુરુષોત્તમના જ્ઞાનનો પ્રસાર કરવામાં ખૂબ સક્રિય હતા. પરંતુ, સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાંક લોકોએ તે સરળતાથી સ્વીકાર્યો ન હતો.

અક્ષર – પુરુષોત્તમના પ્રસાર માટે નવેમ્બર, ૧૯૦૫માં તેમણે વડતાલ છોડ્યું હતું. ૨૦ મહિનાના ટૂંકા ગાળામાં તેમણે ૫ જૂન, ૧૯૦૭ના રોજ બોચાસણમાં અક્ષર – પુરુષોત્તમને સમર્પિત પ્રથમ મંદિરનું નિર્માણ કર્યું. તે દિવસને આજની તારીખે વિશાળ સ્વામીનારાયણ સંપ્રદાયની એક શાખા તરીકે BAPS (બોચાસણવાસી અક્ષર – પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) ની સત્તાવાર સ્થાપનાની તારીખ ગણવામાં આવે છે.

ઘણી મુશ્કેલીઓ છતાં શાસ્ત્રીજી મહારાજ અને તેમના કેટલાંક સાધુઓએ ગુજરાત અને અન્ય જગ્યાએ ઘણાં લોકોને આ ફિલસુફી સમજાવવા રાતદિવસ મહેનત કરી અને તેઓ હજારો લોકોને સમજાવવામાં સફળ થયા. તેમની સાથે સંમત થવા

૧૯૧૧માં યોગીજી મહારાજ અને જૂનાગઢના થોડાં સાધુ શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયા. તે પછીના ૪૦ વર્ષમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ સાથે બીજા ચાર પરંપરાગત શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ થયું. તેમાં સારંગપુર (૧૯૧૬), ગોંડલ (૧૯૩૪), અટલાદરા (૧૯૪૫) અને ગઢડા (૧૯૫૧)નો સમાવેશ થાય છે.

શાસ્ત્રીજી મહારાજે તેમના જીવનના છેલ્લાં થોડાં વર્ષમાં BAPSના વિકાસ અને ભવિષ્યની જાળવણી માટે લીધેલાં કેટલાંક પગલાંમાં ૧૯૪૭માં તેમણે ભારતના નવા લીગલ કોડ હેઠળ BAPSનું ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

૧૯૫૦માં તેમણે ૨૮ વર્ષીય શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ (પ્રમુખ સ્વામી મહારાજ) ની સંસ્થાના વહીવટી વડા (પ્રમુખ) તરીકે નિમણુંક કરી અને તેમને યોગીજી મહારાજ ના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાની સૂચના આપી. યોગીજી મહારાજ સંસ્થાના આધ્યાત્મિક વડા બનવાના હતા.

૧૦ મે ૧૯૫૧ના રોજ સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા અને યોગીજી મહારાજ તેમના અનુગામી બન્યા.

યોગીજી મહારાજ

યોગીજી મહારાજનો જન્મ ૨૩ મે ૧૮૯૨ના રોજ ધારીમાં થયો હતો. ૧૯૧૧માં તેઓ શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયા તે પહેલા ૧૬ વર્ષની વયથી જ જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરમાં સેવા કરતા હતા.

યોગીજી મહારાજે ગામોની મુલાકાત લઈને વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો અને અઠવાડિક સત્સંગ સભાના આયોજન દ્વારા તેમજ બાળકો અને યુવકો માટે પ્રવૃત્તિઓ શરૂ કરાવીને ઘણાં ભક્તો સુધી પહોંચીને BAPSના વિકાસમાં મોટું યોગદાન આપ્યું હતું .

ગુરુ તરીકેના સમય (૧૯૫૧થી ૧૯૭૧) દરમિયાન તેમણે બે શિખરબદ્ધ મંદિરો (૧૯૬૨માં અમદાવાદ અને ૧૯૬૯માં ભાદ્વા) તેમજ લગભગ ૪૦ નાના મંદિરો ભારતમાં બંધાવ્યા હતા.

તેમણે સંસ્થા માટે ભારત અને વિદેશમાં મોટા ઉત્સવોની ઉજવણીની વ્યવસ્થા કરી હતી.

વિદેશમાં વસતા ભક્તોના અનુરોધ પર તેઓ ૧૯૫૫, ૧૯૫૯-૬૦ અને ૧૯૭૦માં પૂર્વ આફ્રિકા ગયા હતા. આ પ્રવાસને લીધે ઘણાં લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. તેના પરિણામે કેન્યા (મોમ્બાસા અને નાઈરોબી) અને યુગાન્ડા (કમ્પાલા, જીંજા, ટોરોરો અને

ગુલુ) માં મંદિરોનું નિર્માણ થયું હતું. ૧૯૭૦માં લંડનમાં ખૂબ ઓછાં ભક્તો હોવા છતાં તેમની આધ્યાત્મિક જરૂરિયાતોને પૂરી કરવા યોગીજી મહારાજે લંડનની મુલાકાત લીધી હતી. તેના પરિણામે ૧૪ જૂન ૧૯૭૦ના દિવસે લંડનના ઈસલિંગ્ટનમાં યુકેનું પ્રથમ સ્વામીનારાયણ મંદિર ખૂલ્લું મૂકાયું હતું.

યોગીજી મહારાજના આધ્યાત્મિક પ્રવાસોમાં સ્કૂલ વેકેશન દરમિયાન ઘણાં યુવાનો જોડાતા હતા. તેમાં આણંદના વિનુભાઈ પટેલ એક હતા. તેઓ સાધુ પરંપરામાં જોડાવા પ્રેરાયા હતા. ૧૯૬૧માં યોગીજી મહારાજે તેમને કેશવજીવનદાસ સ્વામી તરીકે દીક્ષા આપી હતી. તેઓ મહંત સ્વામી તરીકે જાણીતા બન્યા અને પાછળથી ૨૦૧૬માં તેઓ BAPS સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ અને ગુરુ બન્યા.

૨૦ વર્ષ સુધી ગુરુ fતરીકે સેવા આપ્યા બાદ ૨૩ જાન્યુઆરી ૧૯૭૧ના રોજ મુંબઈ ખાતે યોગીજી મહારાજ ધામમાં ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter