અબુ ધાબીઃ UAEના અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિર દ્વારા અબુ ધાબીના પીપલ ઓફ ડિટરમિનેશન તેમજ યુએઈના સમાવેશિતા, અનુકંપા અને સહભાગી માનવતાના મૂલ્યોને હાઈલાઈટ કરતી પ્રેરણાદાયી સાંજ ‘સિમ્ફની ઓફ હાર્મની’ની યજમાની કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં યુએઈની નેતાગીરી, કોમ્યુનિટી અગ્રણીઓ તેમ જ પીપલ ઓફ ડિટરમિનેશનના પરિવારો સહિત 500થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અમીરાતના 15 વર્ષીય પિઆનિસ્ટ અને કમ્પોઝર, 200થી વધુ આંતરરાષ્ટ્રીય પરફોર્મન્સીસમાં યુએઈનું પ્રતિનિધિત્વ કરનારા, ઓટિઝમ ફલક પરના યુવા સિતારા અહમદ અલ હાશેમી દ્વારા દિલધડક પરફોર્મન્સ આ સાંજની હાઈલાઈટ બની રહ્યું હતું.
રાઈઝિંગ ટેલેન્ટ ઓનરરી સર્ટિફિકેટ અને મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ હાંસલ કરનારા અહમદે બીથોવનની રચનાઓ અને પોતાના આગવા કમ્પોઝિશન્સ સહિત આઠ પીસ પરફોર્મ કર્યા હતા તેમજ હિંમત અને રચનાત્મકતા તમામ મર્યાદાઓને અતિક્રમી જાય છે તેનું સ્મરણ કરાવ્યું હતું. અહમદે જણાવ્યું હતું કે મંદિરની તેની અગાઉની મુલાકાતમાં ‘શાંતિ અને પ્રેમ’ની સંવેદનાઓ અનુભવ્યાથી તેને મંદિરમાં પરફોર્મ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. પડકારથી સંવાદિતા તરફની માનવતાની યાત્રાનું પ્રતીક બની રહેલી તેની મૌલિક રચના ‘ડાર્ક ટુ લાઈટ’ મંદિરને અંજલિરુપે કમ્પોઝ કરાઈ હતી.
મધ્યાંતરમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે ભગવાન સ્વામિનારાયણના જીવનની એક કથા દ્વારા સંગીતની રૂપાંતરકારી શક્તિ વિશે ચિંતન રજૂ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંવાદિતા દરેક વ્યક્તિના અંતરમાંથી આરંભાય છે અને તેમણે અહમદને મક્કમ નિર્ધારના પ્રતીક તરીકે બિરદાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે,‘ ચાલો આપણે હિંમત, અનુકંપા અને નિર્ધાર સાથે સંવાદિતાનું વિશ્વ સર્જવા તમામ આંતરિક મર્યાદાઓ પર વિજય મેળવીએ.’ તેમણે રાષ્ટ્રભરમાં પીપલ ઓફ ડિટરમિનેશનના સશક્તિકરણ બદલ યુએઈના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વામી બ્રહ્મવિહારીદાસે સ્પે શિયલ મેમેન્ટો સાથે અહમદનું સન્માન કર્યું હતું, જ્યારે BAPS સ્વયંસેવિકા શૈલી દેસાઈએ અવિરત સપોર્ટ આપવા બદલ અહમદની માતા ઐમાન આલાલીલીનું સન્માન કર્યું હતું. જોઈન્ટ ટાસ્ક ફોર્સ અબુ ધાબીના બ્રિગેડિયર હમીદ; ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટના ચેરમેન ડો. મુઘીર ખામિસ અલ ખલિલીના પ્રતિનિધિઓ મુબારક અલ અમેરી અને મોહમ્મદ અલ બાલુશી; VFS Globalના સીઈઓ ઝૂબિન કારકરીઆ અને અહાલીઆ મેડિકલ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. વિબુ ઘોષ સહિત માનવંતા મહેમાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહેમાનો અને પીપલ ઓફ ડિટરમિનેશનના વચ્ચે હાર્દિક આદાનપ્રદાન સાથે સાંજનું સમાપન થયું હતું. રબી જેફ બર્જર અને આસ્મા રુબાયેઆ અલ મેનહાલીએ સંવાદિતા, સહઅસ્તિત્વ અને માનવીય સંપર્કના પવિત્ર સ્થળ તરીકે મંદિરની પ્રશંસા કરી હતી.


