BAPSની ઐતિહાસિક સ્મૃતિ પદયાત્રામાં ૬૦૦થી વધુ ભક્તોએ ભાગ લીધો

Tuesday 05th October 2021 16:55 EDT
 
 

ત્રીજી ઓક્ટોબરને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન દ્વારા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિની ઉજવણીના ભાગરૂપે અને પ.પૂ. મહંત સ્વામીની ૮૮મી જન્મજયંતી નિમિત્તે વિશેષ પદયાત્રાનું આયોજન કરાયું હતું.

મંદિરમાં રહેતા સાધુઓ સહિત તમામ વયના ૬૦૦થી વધુ લોકોએ ૫૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી મહત્ત્વ ધરાવતા ઐતિહાસિક અને પવિત્ર સ્થળોની મુલાકાત માટે ૧૩.૫ માઈલનું અંતર પગપાળા પૂરું કર્યું હતું.

હૂંફાળા સૂર્યપ્રકાશ વચ્ચે આ પદયાત્રા એલેક્ઝાન્ડ્રા પેલેસથી શરૂ થઈ હતી. ૧૯૭૪માં પ્રમુખ સ્વામીએ ગુરુ તરીકે યુકેની પહેલી મુલાકાત લીધી ત્યારે ત્યાં ૪,૦૦૦ હરિભક્તો અને રોયલ એરફોર્સ મ્યુઝિકલ બેન્ડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામીની પ્રેરણાથી અહીં ૧૯૮૫માં એક મહિનાનો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા યોજાયો હતો. પ્રમુખ સ્વામી તેમાં હાજર પણ રહ્યા હતા.

ત્યાંથી પદયાત્રા ૭૭, એલ્મોર સ્ટ્રીટ, ઈસલિંગ્ટન પહોંચી હતી. અહીં યોગીજી મહારાજે ૧૪ જાન્યુઆરી ૧૯૭૦ના રોજ યુકેમાં પ્રથમ BAPS મંદિર તેમજ યુકેના પ્રથમ હિંદુ મંદિરને ખૂલ્લું મૂક્યું હતું.

પદયાત્રીઓએ ૧૯૭૦માં યોગીજી મહારાજ લંડનની મુલાકાતે આવ્યા ત્યારે જ્યાં રહ્યા હતા તે યોગીજી મહારાજના નિવાસ સ્થાન ડોલીસ હિલની મુલાકાત લીધી હતી. તે પછી તેઓ હાલના નીસડન મંદિરની સામે આવેલા જૂના નીસડન હરિ મંદિરે ગયા હતા. ૧૯૮૨માં પ્રમુખ સ્વામીએ તેનું ઉદઘાટન કર્યું હતું. તે પછી ૧૯૯૫માં પ્રમુખ સ્વામી મહારાજે નીસડન મંદિરને ખૂલ્લું મૂકતા ભારત બહાર પ્રથમ શિખરબદ્ધ મંદિરની સફર પૂરી થઈ હતી.

લગભગ ૪ કલાક અને ૩૦ મિનિટની આ પદયાત્રાથી વરિષ્ઠ હરિભક્તોને સ્મૃતિઓ તાજી થઈ હતી અને આ પદયાત્રાએ યુવાનો અને બાળકોને લંડનમાં BAPSના સમૃદ્ધ ઈતિહાસનો હિસ્સો બનવાની તક પૂરી પાડી હતી.

પદયાત્રાના આયોજનમાં મદદ કરનારા લીડ વોલન્ટિયર પૈકી એક કેયૂર ભટ્ટે પદયાત્રા પૂરી થયા પછી પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે લંડન અને યુકેને ઘણું આપ્યું છે. તેમના અથાગ પ્રયાસોથી યુકેમાં હિંદુ મૂલ્યો અને સંસ્કૃતિનો પાયો નખાયો હતો. આ પદયાત્રાએ આપણને તેમના સખત પરિશ્રમની પ્રસંશા કરવાની તક આપી છે. મહંત સ્વામી મહારાજના આશીર્વચનથી અમને પ્રેરણા મળી હતી. તેમણે પોતાની સ્મૃતિઓ તાજી કરીને અમને તમામને આ અદભૂત અને સમૃદ્ધ ઈતિહાસમાં તલ્લીન થવા પ્રોત્સાહિત કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter