લંડનઃ કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFIndia) દ્વારા કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સમાં લેન્ડમાર્ક રિસેપ્શનનું આયોજન કરાયું હતું જેમાં આશરે 500 પાર્લામેન્ટેરિઅન્સ, પાર્ટી એક્ટિવિસ્ટ્સ, સભ્યો અને સમર્થકો યુનાઈટેડ કિંગ્ડમ અને ભારત વચ્ચે ટકાઉ મિત્રતાની ઉજવણી કરવા એકત્ર થયા હતા.
હાઈ પ્રોફાઈલ મેળાવડામાં કન્ઝર્વેટિવ પાર્ટીના અગ્રણી નેતાઓ અને ભારતીય રાજદ્વારી સમુદાયની નોંધપાત્ર હાજરી હતી. ચાવીરૂપ વક્તાઓમાં CFIndiaના કો-ચેર ડો. કૂલેશ શાહ, CFIndiaના કો-ચેર સર ઓએલિવર ડાઉડેન MP, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર કુમારન પેરીઆસામી, શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપMP, કન્ઝર્વેટીવ પાર્ટીના ચેરમેન કોલિન હોલિન્રેક MP અને બોબ બ્લેકમેનMP સહિતનો સમાવેશ થયો હતો.
ચર્ચામાં યુકે-ભારત દ્વિપક્ષી સંબંધોનું વ્યૂહાત્મક મહત્ત્વ, કન્ઝર્વેટિવ મૂવમેન્ટમાં બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીનું વિશિષ્ટ યોગદાન તેમજ બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોની પ્રવર્તમાન અનિવાર્યતા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. CFIndiaએ ઉદાર સ્પોન્સરશિપ માટે ભારતીય હાઈ કમિશન તેમજ ચાવીરૂપ વક્તવ્ય આપવા બદલ હાઈ કમિશનર પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.
ઓડિયન્સને સંબોધતા ડો. કૂલેશ શાહે CFIndiaના સાતત્યપૂર્ણ વિસ્તરણને હાઈલાઈટ કરવા સાથે બ્રિટિશ ભારતીય પરિપ્રેક્ષ્યોને સમગ્ર પાર્ટીમાં મજબૂતપણે પ્રસ્તુત કરવા બાબતે તેની અવિરત પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ડો. કૂલેશ શાહે જણાવ્યું હતું કે આશરે 500 પાર્લામેન્ટેરિઅન્સ, પાર્ટી એક્ટિવિસ્ટ્સ, સભ્યો અને સમર્થકોને કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સ ઈવેન્ટમાં આવકારતા તેઓ આનંદ અનુભવે છે. આ સાંજે સંસ્થાની ગતિશીલતા જોવા મળી હતી જ્યારે 80થી વધુ નવા સભ્ય સામેલ થયા હતા. કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી વચ્ચેનો સેતુ વધુ મજબૂત થઈ રહ્યો છે ત્યારે વધુ સભ્યોને આવકારવા સંસ્થા સજ્જ છે.
4000થી વધુ સભ્યોના રાષ્ટ્રવ્યાપી નેટવર્કની વૃદ્ધિ સાથે CFIndia યુકે અને ભારતની દીર્ઘકાલીન મિત્રતાની હિમાયત કરવા સાથોસાથ કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટનના જોશીલા-ઉત્સાહી ભારતીય ડાયસ્પોરા વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા સમર્પિત છે.


