GHS દ્વારા નવરાત્રિની ઉજવણીઃ નેપાળ ફ્લડ રીલિફ માટે ચેક અપાયો

Wednesday 28th October 2026 07:28 EDT
 
 

પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટનના તમામ ભાવિક ભક્તો વતી પ્રેસિડેન્ટ દશરથભાઈ અને કલાબહેન દ્વારા પરંપરાગત ઝવેરી આરોપણ વિધિ સાથે નવરાત્રિ ઉજવણીનો આરંભ કરવા સાથે દુર્ગા માતાના આશિષ માગવામાં આવ્યા હતા. નેપાળમાં પૂરગ્રસ્ત કોમ્યુનિટીઓને સપોર્ટ અને રાહતકાર્યોમાં મદદ તરીકે હેલ્થ એક્સચેન્જ નેપાળ યુકેને 9300 પાઉન્ડનો ચેક આપવામાં આવ્યો હતો.

નવરાત્રિના નવ દિવસ સુધી મંદિર સમર્પણ, સંગીત અને ઉત્સવની ભાવના સાથે ગુંજી રહ્યું હતું. સ્ત્રીઓ બપોર પછીના ગરબા માટે એકત્ર થતી હતી અને સાંજે મુખ્ય હોલમાં સંગીતકારો અને પ્રતિભાશાળી ગાયકો સાથે ગરબા અને દાંડિયા રાસથી વાતાવરણ જીવંત બની જતું હતું. દરરોજ સાંજે ભક્તો સાથે મળીને માતાજીની આરતી ઉતારતા હતા. નવરાત્રિની આઠમના દિવસે સોસાયટીના પૂજારી પંડિત જિજ્ઞેશભાઈ દ્વારા કરાયેલા યજ્ઞમાં પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ ભાગ લીધો હતો તેમજ 90થી વધુ ભાવિકોએ આઠમ આરતીમાં ભાગ લીધો હતો. પ્રેસિડેન્ટે સફળ નવરાત્રિ બદલ સંગીતકારો અને ગાયકો, રેફલ ડ્રો સ્પોન્સરો, વોલન્ટીઅર્સ અને સમય, પ્રયાસ અને ઉદારતા આપવા માટે સહુ કોઈનો આભાર માન્યો હતો.

નવરાત્રિના છઠ્ઠા દિવસે હેલ્થ એક્સચેન્જ નેપાળ યુકે દ્વારા આયોજિત નેપાળ ફ્લડ રીલિફ અપીલના સપોર્ટમાં ચેક અર્પણવિધિ યોજાયો હતો. ચેરમેન જેરેમી વોર્ડ અને જનરલ સેક્રેટરી સત્યેન રાજભંડારીને રાહતકાર્ય તથા નેપાળમાં પૂરગ્રસ્ત કોમ્યુનિટીઓને સપોર્ટ તરીકે 9300 પાઉન્ડનો ચેક આપવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter