પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા શનિવાર 1 નવેમ્બરે જલારામ બાપા જયંતી ઉજવાઈ હતી. ભક્તો સવારના 10 વાગ્યાથી જ પૂજાપ્રાર્થના-દર્શન અર્થે મંદિરમાં આવવા લાગ્યા હતા. યજમાન દ્વારા ગણેશપૂજા સાથે ઊજવણી શરૂ કરી હતી અને આ પછી, 11:00 AM થી 3:30 PM સુધી ભજનકીર્તનનો કાર્યક્રમ ચાલ્યો હતો.
જલારામ બાપાનો મહિમા ગાતાં ભજનોમાં 200થી વધુ ભક્તો સામેલ થયા હતા અને સોસાયટીની બહેનો દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ પ્રસાદનો લહાવો લીધો હતો. વિશ્વભરમાં પૂજનીય જલારામ બાપા તેમના ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે. તેમનું જન્મસ્થળ વીરપુર બાપાના દિવ્ય પ્રસાદ માટે પ્રખ્યાત છે.
રવિવાર, 2 નવેમ્બરે કોમ્યુનિટીના સભ્યો હિન્દુ વર્ષના ચાતુર્માસના સમાપન અને લગ્નોની મોસમના આરંભને દર્શાવતા તુલસીવિવાહના પ્રસંગની ઊજવણી કરવા ફરી એક વખત એકત્ર થયા હતા. આ વર્ષના યજમાનો પ્રતિમભાઈ અને મનિષાબહેન સોની તેમજ બીપીનભાઈ અને છાયાબહેન ચાવડા હતાં.
આનંદમંગલના પ્રસંગને વધાવવા શુક્રવારે સાંજી નાઈટ યોજવામાં આવી હતી જ્યાં 200થી વધુ લોકોએ ગીત અને નૃત્યોમાં ભાગ લીધો હતો. મુખ્ય હોલમાં યોજાયેલા તુલસીવિવાહમાં 400થી વધુ ભક્તોએ હાજરી આપી હતી, જ્યાં પૂજારીજીએ તુલસીમાતા અને શાલિગ્રામ ભગવાનના પવિત્ર લગ્નની વિધિ કરાવી હતી.
વાતાવરણમાં આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિ ફેલાઈ હતી. તમામ ઉપસ્થિત લોકોએ સંસ્થાના સ્પોન્સર કરાયેલા સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણ્યો હતો. પ્રેસિડેન્ટ દશરથભાઈએ તુલસીવિવાહ પ્રસંગને ભવ્યપણે સફળ બનાવવા સમર્પણ અને પ્રયાસો બદલ યજમાનોને બિરદાવ્યા હતા. તેમણે ઘણી સારી રસોઈ બનાવવા બદલ લેડિઝ ગ્રૂપનો તેમજ અથાક સેવા આપવા બદલ સ્વયંસેવકો પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી.


