GHS પ્રેસ્ટન દ્વારા ભક્તિભાવ સાથે હનુમાન જયંતીની ઉજવણી

Tuesday 07th April 2026 06:55 EDT
 
 

ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટન ખાતે પહેલી એપ્રિલે હનુમાન જયંતીની ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. મુખ્ય યજમાન જયંતીભાઈ, ઉષાબેન નાયી અને તેમના પરિવારે પરંપરાગત પૂજનવિધિ સાથે ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. બાદમાં ભક્તોએ શ્રદ્ધાભેર હનુમાન ચાલીસાના 11 પાઠ કર્યા હતા. સાંજે હનુમાનજીની આરતી બાદ પ્રસાદ વિતરણ કરાયું હતું. હનુમાન જયંતીની ઉજવણીના ભાગરૂપે જ સંસ્થા દ્વારા ચોથી એપ્રિલે 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના મુખ્ય યજમાન ડો. મનીષ ગુપ્તા અને પરિવારના હસ્તે હનુમાન પૂજન સાથે ઉજવણી શરૂ થઇ હતી. 108 પાઠ બાદ આરતી અને મહાપ્રસાદ યોજાયો હતો. કાર્યક્રમના અંતે સંસ્થાના પ્રમુખ દશરથભાઈ નાયીએ સમગ્ર આયોજનને શાનદાર સફળ બનાવવા બદલ સહુનો આભાર માન્યો હતો.
ગૌ સેવાની અનુકરણીય પહેલ
ગૌસેવાના ઉમદા ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)એ ભક્તજનો પણ આ કાર્યમાં યોગદાન આપી શકે તે માટે ગૌ ઘાસચારા ભંડોળ ઉભું કર્યું છે. સંસ્થાના પ્રમુખ દશરથભાઈ નાયી અને ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ટેલરે તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન આ ભંડોળમાંથી ગૌ સેવાનું પ્રશંસનીય કાર્ય કરતી ગુજરાતની છ જુદી જુદી સંસ્થાઓને 3,000 પાઉન્ડનું દાન આપ્યું હતું.
આ લાભાર્થી સંસ્થાઓમાં • જ્ઞાન સાધના આશ્રમ-ચાણોદ • શ્રી ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ • સાંદિપની - પોરબંદર • માણસા મહાજન પાંજરાપોળ • રાજેશ્વર ગૌ સેવા ટ્રસ્ટ - દીપડા (બનાસકાંઠા) અને • સુરતની ગૌશાળાનો સમાવેશ થાય છે, જેને કુલ રૂ. 3.65 લાખનું દાન અપાયું હતું. ઉપરાંત સંસ્થાના 50મા પાટોત્સવ પ્રસંગે યોજાયેલી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની રામકથામાં હાજરી આપવા આવેલા દ્વારકાના સ્વામી કેશવાનંદજીને ગૌશાળા માટે 1000 પાઉન્ડનું દાન અપાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter