પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, સેવા અને સામાજિક મેળાવડામાં સામેલ થઈ શકે તે માટે પવિત્ર અધિક માસમાં વિવિધ ધાર્મિક અને કોમ્યુનિટી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શનિવાર, 23 મે 2026ના બપોરે કેન્દ્રમાં આયોજિત સત્યનારાયણ સમૂહ કથામાં 35 યજમાનોએ કથા અને પૂજામાં ભાગ લીધો હતો. કથાવિધિ પૂજારી જિજ્ઞેશભાઈ દ્વારા કરાવાઈ હતી જેમણે સત્યનારાયણ કથાના મહત્ત્વ, કથા તેમજ કથા કરવાના આધ્યાત્મિક લાભ વિશે સમજ આપી હતી. આરતી સાથે કથાનું સમાપન કરાયું હતું અને ભાવિકોને પ્રસાદ વહેંચાયો હતો.
દશરથભાઈએ કથાના આયોજનમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ ભાવિકોની પ્રશંસા કરી હતી તેમજ પૂજા કરાવવા બદલ પૂજારી જિજ્ઞેશભાઈનો આભાર માન્યો હતો. તેમણે અધિક માસ દરમિયાન યોજાનારા આગામી કાર્યક્રમો વિશે પણ માહિતી આપી હતી, જેમાં 31 મેએ નોર્થ વેસ્ટમાં છ ધામ મંદિર યાત્રા તેમજ 7 જૂને લેક ડિસ્ટ્રિક્ટ ખાતે વન ભોજન પ્રોગ્રામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 8થી 12 જૂનના ગાળામાં મંદિર ખાતે પૂજ્ય ભરત ભગતના પ્રવચનોનો લાભ લેવાની તક પણ ભાવિકોને સાંપડશે. અધિક માસની ઉજવણીના સમાપને શનિવાર, 13 જૂને ભજન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન માટે ઓછામાં ઓછાં 5000 પાઉન્ડ એકત્ર કરવાનો હેતુ છે.
અધિક માસ ખૂબ પવિત્ર અને આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વનો મહિનો ગણવામાં આવે છે. કોમ્યુનિટીના સભ્યો આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લઈ લાભ મેળવી શકે તે હેતુસર ગુજરાત હિન્દુ સોસાયટીની કમિટીએ કોમ્યુનિટી માટે વ્યાપક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમોના આયોજનોને સફળ બનાવવા સમર્પણ, ભારે મહેનત અને અવિરત સપોર્ટ આપવા બદલ સોસાયટીએ સહુ વોલન્ટીઅર્સ અને કમિટીના સભ્યો પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.


