લંડનઃ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) UK દ્વારા શુક્રવાર, 23 ઓક્ટોબર 2026ના રોજ આઈઝલવર્થની ઈન્ડિયન જીમખાના ક્લબ ખાતે આંતરસુઝ, રોકાણો, રણનીતિઓ અને તકોની પ્રથમ નેટવર્કિંગ સાંજ Property 360 નું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં HEF UKના સભ્યો, પ્રોપર્ટી પ્રોફેશનલ્સ, ઈન્વેસ્ટર્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ, બિઝનેસમાલિકો, સંભવિત મકાનમાલિકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઈવેન્ટથી વ્યવહારુ જ્ઞાન, પ્રોફેશનલ એક્સર્ટાઈઝ અને અર્થસભર બિઝનેસ સંપર્કો માટે હિન્દુ ઈકોનોમિક ફોરમની પ્રતિબદ્ધતા પ્રદર્શિત થઈ હતી.
યુકેના પ્રોપર્ટી માર્કેટની પરિસ્થિતિઓ નિયંત્રણકારી ઘટનાક્રમો મધ્યે પ્રોપર્ટીના ખરીદ, વેચાણ, સંચાલન, ફાઈનાન્સિંગ, સ્ટ્રક્ચરિંગ અને પ્રોપર્ટીઝમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ કાનૂની માયાજાળના સેક્ટર્સના અગ્રણીઓ વિકાસ ગાંધી (મેનેજિંગ ડાયરેક્ટર, વીવર રોઝ એસ્ટેટ એજન્ટ્સ), સોનિયા પટેલ (કસ્ટમાઈઝ્ડ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સના સ્થાપક અને ડાયરેક્ટર), રાજેસ રંજન સિંહ (મેનેજિંગ ડાયરેક્ટર, ડ્રીમ્સ અનલિમિટેડ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ્સ) અને ધર્મિણી સોમાણી (ધ લિગલ સોલિસિટર્સના પાર્ટનર સોલિસીટર) દ્વારા બજારની પરિસ્થિતિઓ, ફાઈનાન્સિયલ પ્લાનિંગ, ઈન્વેસ્ટમેન્ટના વળતર, વેલ્થ પ્રોટેક્શન, કરારની જવાબદારીઓ સહિત પરિપ્રેક્ષ્યોની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.
HEF UKના CIO નીતિન ટેકચંદાણીએ પેનલચર્ચાનું સંચાલન કર્યું હતું. પેનલિસ્ટો સમક્ષ વિચારપ્રેરક પડકારો અને તીક્ષ્ણ પ્રશ્નો થકી તેમણે સ્પષ્ટ અને વ્યવહારુ ઉત્તરોને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ ઓડિયન્સને સક્રિયપણે ભાગીદાર બનાવ્યું હતું. ઓડિયન્સ દ્વારા પ્રોપર્ટીના સોદા, માલિકીના માળખા, બજારતકો, ફાઈનાન્સિયલ પ્લાનિંગ, કાયદાકીય જોખમો, પોર્ટફોલીઓ મેનેજમેન્ટ સંબંધે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને નિષ્ણાત પેનલિસ્ટોએ સુંદર માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ક્લેવર ફાઈનાન્સિયલ્સના ભાવિક ગોરડીઆ, KP & Coના કીરિટ પટ્ટણી અને કસ્ટમાઈઝ્ડ ફાઈનાન્સિયલ સોલ્યુશન્સના મિલન પટેલ દ્વારા પેનલિસ્ટોને સપોર્ટ અપાયો હતો. ડાન્યા પ્રોપર્ટીઝ લિમિટેડના મેહુલ શાહ ઈવેન્ટના સ્પોન્સર હતા.


