લંડનઃ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) UK દ્વારા ગુરુવાર 25 સપ્ટેમ્બરે હેરો ડિસ્ટ્રિક્ટ મેસોનિક કાઉન્સિલ ખાતે ‘Policy to Prosperity’ અર્થાત ‘સમૃદ્ધિ તરફ દોરતી નીતિ’ વિષય સાથે અસાધારણ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં તાજેતરમાં યુકે અને ભારત વચ્ચે હસ્તાક્ષર કરાયેલા લેન્ડમાર્ક મુક્ત વેપાર કરાર (FTA)ને વાસ્તવિક અર્થમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તેના વિશે વિચારવા એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, પોલિસીમેકર્સ અને ચેન્જમેકર્સનું વિશિષ્ટ ઓડિયન્સ એકત્ર થયું હતું.
HEF UKના પ્રેસિડેન્ટ અનિલ પૂરીએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવા સાથે સમગ્ર દેશમાં ફોરમના વધતા પ્રભાવ વિશે જણાવ્યું હતું. સોનિયાબહેન પટેલે સુચારુ રીતે ઈવેન્ટનું સંચાલન કર્યું હતું. સંસ્થાના સીઈઓ કે.શંકરે હિન્દુ પૂર્વજોના બલિદાનો અને અપાર ઉત્સાહને યાદ કરીને પરંપરાગત માનાંજલિ અર્પણ કરી હતી. તેમણે 2025ના વર્ષ દરમિયાન HEFની યાત્રાની સંપૂર્ણ માહિતી આપવા સાથે પ્રત્યેક ઈનિશિયેટિવ ધાર્મિક મૂલ્યો અને સમુદાયના સહકાર થકી આર્થિક ઉત્થાન પરત્વે HEFની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે તે જણાવ્યું હતું. શંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વામી વિજ્ઞાનાનંદજીના કલ્પનાશીલ નેતૃત્વ હેઠળ હિન્દુ ઈકોનોમિક ફોરમ યુકેમાં લંડન,બકિંગહામશાયર, ગ્લાસગો, સાઉથ લંડન અને એડિનબરા ચેપ્ટર્સના સતત વિકાસ સાથે 13 દેશમાં કુલ 40 ચેપ્ટર સાથે કાર્યરત છે. HEFનું લક્ષ્ય આર્થિક સશક્તિકરણનું છે અને સંસ્થા પ્રત્યેક ઈનિશિયેટિવ આર્થિક વૃદ્ધ તરફ લઈ જાય તેની ચોકસાઈ સાથે ઈરાદાપૂર્વક પોલિટિક્સ અને અધ્યાત્મથી અળગી જ રહે છે. શંકરે ગર્વપૂર્વક ઓડિયન્સને ‘સિદ્ધિઓ સાથેના વર્ષ અને મહત્ત્વાકાંક્ષી ભવિષ્ય’ વિશે માહિતી આપી હતી.
HEF UK’ના 2025ના સીમાચિહ્નોમાં આ બાબતો મહત્ત્વપૂર્ણ રહી છે. ● જાન્યુઆરીમાં ગ્લાસગો ચેપ્ટરનું લોન્ચિંગ ● મે મહિનામાં શાર્ક ટેન્ક અને ડ્રેગન્સ ડેનથી પ્રેરિત HEF લોન્ચપેડ દાખલ કરાયું જેના થકી પાંચમાંથી ત્રણ બિઝનેસીસને ઈન્વેસ્ટર્સનું પીઠબળ સાંપડ્યું છે.● જુલાઈમાં સાઉથ લંડન ચેપ્ટર શરૂ કરાયું જેમાં 120થી વધુ બિઝનેસીસ આકર્ષાયા હતા.● ઓગસ્ટ મહિનામાં ઓસ્ટ્રેલિયા ખાતે વૈશ્વિક ઉપરસ્થિતિ સાથે વાર્ષિક WHEF 2025 ફોરમનું આયોજન કરાયું હતું. ● વર્ષાન્તે હિન્દુ વિમેન એન્ટ્રેપ્રીન્યોર્સ નેટવર્ક (HWEN) દ્વારા 4 ડિસેમ્બરે બ્લુ રૂમ ખાતે વર્ષનો આખરી ઈવેન્ટ બિઝનેસ એક્સપો યોજવામાં આવનાર છે. ● વર્ષ 2026 માટે HEF એડિનબરા ચેપ્ટરના લોન્ચિંગ સાથે સ્કોટલેન્ડ ચેપ્ટરના આરંભની વર્ષગાંઠ અને HEF Launchpadની વર્ષગાંઠ ઉજવશે તેમજ ડિસેમ્બરમાં જાહેર કરાનારા અન્ય કાર્યક્રમો વિશે જણાવાશે. ● લંડનમાં 2028માં Global HEF મીટિંગની યજમાની કરવાની જોશભેર તૈયારી ચાલી રહી છે. આ લેન્ડમાર્ક સમિટમાં તમામ આંતરરાષ્ટ્રીય ચેપ્ટર્સ ભાગ લેશે.
લંડન ચેપ્ટરના પ્રેસિડેન્ટ રાજેશ રંજન દ્વારા HEFની ફીલોસોફીને હાઈલાઈટ કરી ઓડિયન્સને યાદ અપાવાઈ હતી કે ફોરમ ‘માત્ર કોઈ સંસ્થા નથી, પરંતુ તમામ માટે સોનેરી અને સમૃદ્ધ ભવિષ્યના નિર્માણ માટે જ્ઞાન, સ્રોતો અને તકોને સાંકળતા સેતુરૂપ આંદોલન છે.’
HEF UKના વાઈસ પ્રેસિડેન્ટ સુભાષભાઈ ઠકરાર દ્વારા પેનલચર્ચા યોજાઈ હતી. પેનલિસ્ટ્સમાં એશ વર્મા, સિદ્ધાર્થ મૂક્ને, મિતુલ રુપારેલિયા, સચિન નંધા અને ડો. ગૌતમ સેને યુકે-ઈન્ડિયા મુક્ત વેપાર એગ્રીમેન્ટ વિશે સ્પષ્ટતાઓ પૂરી પાડી હતી તેમજ ટેરિફ્સમાં ઘટાડાથી વિસ્તરતા બજાર સુધી પહોંચ તથા નવી સર્જાયેલી તકો સંદર્ભે તેઓએ લેન્ડમાર્ક સમજૂતીનો કેવી રીતે લાભ લઈ શકાય તેની વ્યવહારુ રણનીતિઓ વિશે બિઝનેસીસને વિશેષ સમજ પૂરી પાડી હતી.
HEFની સફળતાનો મંત્ર-કનેક્ટિવિટી સરળ છતાં શક્તિશાળી છે. યંગ હિન્દુ એન્ટ્રેપ્રીન્યોર્સ નેટવર્ક (YHEN) દ્વારા પણ ધર્મના મૂલ્યો આગામી પેઢીઓ સુધી વિસ્તારવાની તેમની કલ્પનાઓ અને દૃષ્ટિને પ્રસ્તુત કરાઈ હતી.


