HEF યુકે દ્વારા સાઉથ લંડન ચેપ્ટરનું લોન્ચિંગ

Wednesday 16th July 2025 02:10 EDT
 
 

 લંડનઃ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે ચેપ્ટર દ્વારા સાઉથ લંડન ચેપ્ટરનું લોન્ચિંગ કરાવા સાથે આર્થિક વૃદ્ધિ અને કોમ્યુનિટીની સમૃદ્ધિના સશક્તિકરણના નવા અધ્યાયનો આરંભ થયો છે. આર્થિક વિકાસ, સહકારપૂર્ણ કોમ્યુનિટીઓના નિર્માણ અને યુકેમાં હિન્દુ એન્ટ્રેપ્રીન્યોરને સશક્ત બનાવવાના મિશનમાં HEFએ આગેકૂચ કરી છે. વોલિંગ્ટનના ધ ગ્રેન્જ રેસ્ટોરાંમાં 11 જુલાઈની સાંજે ઈવેન્ટમાં પ્રભાવશાળી પ્રોફેશનલ્સ, વિઝનરીઓ અને ચેન્જમેકર્સ એકત્ર થયા હતા. યુકેમાં હિન્દુ ઈકોનોમિક ફોરમના લંડન, બકિંગહામશાયર, ગ્લાસગો, સાઉથ લંડન અને 1 નવેમ્બર 2025ના રોજ એડિનબરા ચેપ્ટરના લોન્ચિંગ સાથે પાંચ ચેપ્ટર્સ કાર્ય કરતા થઈ જશે. HEF તમામ ક્ષેત્રોના ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ્સ, ઈન્વેસ્ટર્સ, ટેકનોક્રેટ્સ, પ્રોફેશનલ્સ અને વિઝનરીઝને પરસ્પર સાંકળે છે.

શ્વેતા સિંહ દ્વારા સંચાલિત ઈવેન્ટનો આરંભ ધ્યાન સાથે કરાયો હતો. HEF યુકેના પ્રેસિડેન્ટ અનિલ પૂરીએ સહુનું ઉષ્માસભર સ્વાગત કરવા સાથે સમગ્ર દેશમાં ફોરમની વધી રહેલી વગનો પુનરુચ્ચાર કર્યો હતો. HEF યુકેના સીઈઓ કે. શંકરે ફોરમની ઓળખને સ્પષ્ટ કરી હતી. જે મુજબ H(હિન્દુ- સાંસ્કૃતિક મૂલ્યો, સ્થિતિસ્થાપકતા અને વિરાસત. સાહસ અને ધર્મની સમયાતીત વિરાસતમાંથી પ્રાપ્ત ઓળખ, પ્રામાણિકતા અને પ્રેરણા), E (આર્થિક- ચાણક્યના જ્ઞાન ‘ધર્મસ્ય મૂલમ અર્થમ’થી પ્રેરિત સંપત્તિસર્જન લક્ષ્ય, જતન અને અસર વિશે જણાવે છે), અને F (ફોરમ- સંપર્ક, સંવાદ અને સહકાર માટે શક્તિશાળી મંચને દર્શાવે છે.) શંકરે HEF દ્વારા તેના સભ્યોને ઓફર કરાતા ત્રણ હાર્દરૂપ સ્તંભો – તક થકી વ્યવહારો, વિઝિબિલિટી થકી પ્રભાવ તેમજ શાણપણ થકી વગ વિશે જણાવ્યું હતું. તેમણે બિઝનેસ ડિરેક્ટરી, બિઝનેસ ટ્રેકર અને હિન્દુ યુથ એન્ટ્રેપ્રીન્યોર્સ નેટવર્ક (HYEN) ઈનિશિયેટિવ્ઝ વિશે પણ માહિતી આપી હતી.

HEF લંડન ચેપ્ટરના પ્રેસિડેન્ટ રાજેશ રંજન સિંહે વૈશ્વિક હિન્દુ બિઝનેસીસને એકસંપ અને ઊંચે લાવવામાં HEFની તાકાત પર ભાર મૂક્યો હતો. તેમણે સાઉથ લંડન ચેપ્ટરના લોન્ચિંગને તળિયાના આર્થિક રુપાંતર માટે ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યું હતું. HEF કમિટી મેમ્બર કિશોર પટણી અને સાઉથ લંડન ચેપ્ટરની રચના માટે કારણભૂત કો-ઓર્ડિનેટર વૈશાલી યાદવે પણ તેમની કલ્પનાઓ રજૂ કરી હતી.

HEF UKના સીઆઈઓ નીતિન ટેકચંદાણીએ સહુનો આભાર માનવા સાથે પ્રભા (HEF UKના સેક્રેટરી), વિરાજ પંચાલ (HEF શ્રી લંકાના પ્રતિનિધિ), રામજીભાઈ ( હેરોના પૂર્વ મેયર) તેમજ HEF ના સભ્યોને નિઃશુલ્ક કુંડલિની યોગ ક્લાસીસ ઓફર કરનારા આચાર્ય અભિનવ, રામાયણ ટીઝર વીડિયો પ્રદર્શિત કરવા બદલ The HINDU ટીમ અને ઈવેન્ટની સિલ્વર સ્પેન્સરશિપ માટે પ્રણવ વોરા (AUM ગ્રૂપ) પ્રતિ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો

આગામી મહત્ત્વપૂર્ણ બિઝનેસ સમિટ બકિંગહામશાયરના ડિટ્ટોન મેનોર ખાતે 25 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે જેમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTA) પર ધ્યાન કેન્દ્રિત કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter