લંડનઃ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા 16 ઓક્ટોબર, 2025ના રોજ હાઉસ ઓફ કોમન્સમાં 24મી વાર્ષિક દિવાળી ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી અને શ્રી જલારામ બાપાની દિવ્ય ઉપસ્થિતિમાં સમગ્ર યુકેમાંથી પાર્લામેન્ટેરિયન્સ, કોમ્યુનિટીના અગ્રણીઓ, ઈન્ટરફેઈથ પ્રતિનિધિઓ અને બિઝનેસ લીડર્સને આવકાર અપાયો હતો.
પ્રાચીન કાળથી પ્રકાશના ઉત્સવ તેમજ અશુભ પર શુભ અને અંધકાર પર પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાનના વિજય તરીકે દિવાળીના ઉત્સવની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ કિંગ્ડમમાં 320થી વધુ હિન્દુ સંસ્થા/સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતી છત્રસંસ્થા હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હાઉસ ઓફ કોમન્સના ટેરેસ પેવેલિયન ખાતે આયોજિત આ ઊજવણીની યજમાની બોબ બ્લેકમેન CBE MP, નવેન્દુ મિશ્રા MP અને લોર્ડ નવનીત ધોળકિયા OBE દ્વારા સંયુક્તપણે કરવામાં આવી હતી.
વિશાખાદેવી દાસી, સ્વામી સૂર્યપ્રભા દીદી, ભગિની જૈમિની પટેલ, સાધ્વી ભક્તિ પ્રિયા દીદી, અને નિશિથભાઈ પંડ્યા દ્વારા આત્મિયતાપૂર્ણ પ્રાર્થનાઓ અને ‘ઓમ’ના મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો આરંભ કરાયો હતો. હિન્દુ નૂતન વર્ષ અને ગોવર્ધન પૂજા નિમિત્તે જલારામ મંદિર ગ્રીનફોર્ડ દ્વારા પ્રભુ શ્રીરામ, માતા સીતા, શ્રી લક્ષ્મણજી અને શ્રી જલારામ બાપા સમક્ષ 56 પ્રકારના પરંપરાગત શાકાહારી વ્યંજનો સાથે અન્નકૂટ પ્રસાદીનું અદ્ભૂત પ્રદર્શન કરાયું હતું.
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ અને HFB ચેરિટીના ટ્રસ્ટી તૃપ્તિબહેન પટેલે દિવાળી નિમિત્તે સાર્વત્રિક એકતાનો સંદેશો પાઠવતાં જણાવ્યું હતું કે, ‘ દિવાળી આપણને સમગ્ર વિશ્વને એક પરિવાર ગણાવતા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની માન્યતાને વ્યવહારમાં મૂકવાં રીતરિવાજ, કથાઓ અને ઊર્જા પૂરી પાડે છે.’ તેમણે પહલગામ આતંકી હુમલા, વિમાન દુર્ઘટના તથા વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષોમાં જાન ગુમાવનારાઓને યાદ કરવા સાથે શાંતિ માટે પ્રાર્થનાઓ કરી હતી.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર અને મુખ્ય મહેમાન વિક્રમ દોરાઈસ્વામીએ દીપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી અને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં દિવાળીની વાર્ષિક ઊજવણી સાથે સંકળાયેલા તમામ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં દિવાળીનો ઊંડો મર્મ સમજાવતા કહ્યું હતું કે,‘ પ્રકાશ એ સત્ય, જ્ઞાન, આશા, ખુશી, અને પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. દિવાળી આપણને સહુને સાંકળી રાખતી શુભ ભાવના તથા ભારત અને યુકે વચ્ચે ટકાઉ સાંસ્કૃતિક સેતુની ઊજવણી કરે છે.’ લાંબા સમયથી પાર્લામેન્ટમાં દિવાળી ઊજવણીની યજમાની કરતા બોબ બ્લેકમેન CBE MP એ આ ઊજવણીને ભારત અને યુકે વચ્ચે જીવંત સેતુ ગણાવતા સહુને યાદ અપાવી હતી કે વૈશ્વિક પડકારો મધ્યે અંતે તો સારાપણાંનો જ વિજય થાય છે.
HFBના પેટ્રન લોર્ડ નવનીત ધોળકિયા OBEએ શાંતિ અને સંવાદિતાની શુભેચ્છા પાઠવી હતી જ્યારે નવેન્દુ મિશ્રા MPએ આરોગ્ય, ખુશી અને સમૃદ્ધિની હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે પ્રાઈમ મિનિસ્ટર સર કેર સ્ટાર્મરનો દેશને બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીના અભૂતપૂર્વ યોગદાનને બિરદાવતો દિવાળી સંદેશો પાઠવ્યો હતો. HFBના પેટ્રન સીબી પટેલે પણ આ દિવાળી પ્રસંગે શુભેચ્છા વ્યક્ત કરી હતી. મહાનુભાવોએ HFB દિવાળી મેગેઝિન 2025નું લોકાર્પણ પણ કર્યું હતું. લોર્ડ ડોલર પોપટ ઓફ હેરો, લોર્ડ રેમી રેન્જર, ગુરિન્દર સિંહ MP, ડોન બટલર MP, થેરેસા વિલિયર્સ અને વિરેન્દ્ર શર્માએ બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીની ટકાઉ સાંસ્કૃતિક અને સામાજિક અસરની પ્રશંસા કરી હતી.
ઈવેન્ટના ઉદ્ઘોષક વિશાલ શાહે અલ કાસા રીઅલ એસ્ટેટ (ACRE)ના સીઈઓ અને ગોલ્ડ સ્પોન્સર વત્સલભાઈ ઠક્કર તેમજ શ્રી જલારામ મંદિર ગ્રીન ફોર્ડના પ્રેસિડેન્ટ રજનીભાઈ સી. ખિરોયાને ઉત્સવની શુભકામના વ્યક્ત કરવા આમંત્રિત કર્યા હતા. ગો ધાર્મિકના હનુમાન દાસે મહેમાનોને ભગવદ્ ગીતાના ઉપદેશોને અનુસરી પૃથ્વી ગ્રહ અને તમામ સજીવોની કાળજી લઈ ધર્મપાલન કરવાના અનુરોધ સાથે ભૂખ અને પીડાના અંતની આવશ્યકતાને હાઈલાઈટ કરી હતી.
HFB દ્વારા તમામ સ્પોન્સર્સ અને પાર્ટનર્સ, ખાસ કરીને 2025 દિવાળી ગોલ્ડ સ્પોન્સર ACRE, ટ્રાન્સપુટેક લિમિટેડના રિકી સહેગલ, વાસ્ક્રોફ્ટ ફાઉન્ડેશનના શૈલેષ વેકરીઆ અને મિતેશભાઈ વેકરીઆના સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કરાયો હતો. સમગ્ર યુકેમાંથી કાઉન્સિલર અંજનાબહેન પટેલ (હેરો), કાઉન્સિલર રાયન હેક (બ્રેન્ટ), કાઉન્સિલર નિધિબહેન મહેતા (એઈલ્સબરી), કાઉન્સિલર આરીએન આરેટી (કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સી), કાઉન્સિલર તુષાર કુમાર (એલસ્ટ્રી એન્ડ બોરેહામવૂડ) સહિત મેયર્સ અને ડેપ્યુટી મેયર્સ તથા ઘણા કાઉન્સિલર્સને સન્માનિત કરાયાં હતાં. મહેમાનોએ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં હિન્દુ ગ્રૂપના અધ્યક્ષ ડો. રાકેશભાઈ જોષી અને તેમના ભારતીય વૃંદ ગાન દ્વારા રજૂ કરાયેલા ભક્તિગીતો-ભજનોને માણ્યા હતા. મિસ ચિનુ કિશોર દ્વારા કીર્તનમ પરફોર્મન્સ થકી આસામના ક્લાસિકલ નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી.
ઈવેન્ટને સફળ બનાવવા મિસિસ હર્ષાબહેન શુક્લ MBE, મિસ તારાબહેન પટેલ, મિસિસ મયૂરીબહેન પટેલ અને મિસ પન્નાબહેન વેકરીઆ તેમજ દિવાળી મેગેઝિનને નયનરમ્ય બનાવવામાં બિમલભાઈ પટેલની અથાગ મહેનત રહી હતી. HFB દિવાળી કમિટીના અધ્યક્ષ વેલજીભાઈ વેકરીઆએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પછી, રાધા મોહન દાસ અને આચાર્ય અભિ યોગી દ્વારા સમાપન પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવી હતી.


