લંડનઃ હિન્દી શિક્ષા પરિષદ યુકે (HSPUK) દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે દેશભક્તિના ઉત્સાહ સાથે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાઉન્સિલર પરવીન રાણી (હર્ટ્સમીઅર બરો કાઉન્સિલર), કાઉન્સિલર તુષાર કુમાર (એલસ્ટ્રી એન્ડ બોરહામવૂડના ડેપ્યુટી મેયર) અને HSPUKની સમર્પિત ટીમ દ્વારા આયોજિત સંસ્કૃતિ, ગૌરવ અને એકતાનું પ્રદર્શન કરતા ઈવેન્ટમાં ભારતીય ડાયસ્પોરા અને કોમ્યુનિટી અગ્રણીઓ એકત્ર થયા હતા.
HSPUKના યુવા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિના હૃદયસ્પર્શી ગીતો, કાવ્યો અને ઊર્જાસભર સમૂહનૃત્યો થકી અસામાન્ય પ્રતિભા પ્રદર્શિત કરી હતી. સ્ટેજ પર ઉત્સાહ, તરવરાટ અને કળાના પ્રદર્શનથી મંત્રમુગ્ધ દર્શકોએ તેમના પરફોર્મન્સને તાળીઓથી વધાવી લીધું હતું. ઈન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વિમેન, યુનિવર્સિટી ઓફ દિલ્હીના સહયોગથી પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. હિન્દીની પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનારા HSPUKના વિદ્યાર્થીઓને સન્માનિત કરતા પ્રમાણપત્રો વિદેશમાં હિન્દી ભાષાને આગળ વધારવામાં સીમાચિહ્ન સમાન રહ્યા હતા.
સ્વાતંત્ર્યદિનની ભવ્ય ઉજવણીમાં ડો. અનુરાધા પાન્ડે (ભારતીય હાઈ કમિશનમાં હિન્દી અને સંસ્કૃતિના એટેચી), રાજેશ કુમાર (નેહરુ સેન્ટર, લંડનના ડેપ્યુટી ડાયરેક્ટર), પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, બ્રેન્ટના ડેપ્યુટી મેયર નરિન્દર સિંહ બાજવા, તૃપ્તિબહેન પટેલ (હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ), પાર્લામેન્ટરી ઉમેદવાર ઉદય નાગારાજુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે યુકેમાં હિન્દી ભાષા અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં HSPUKના પ્રયાસોને બિરદાવ્યા હતા.
ઊજવણીની સાંજને સંગમઃ ઈન્ડિયન કોમ્યુનિટી ઈન યુકે, બ્રિટિશ હિન્દુ સેવા સમિતિનો સપોર્ટ મળ્યો હતો તેમજ ઈવેન્ટના ઉદાદદિલ સ્પોન્સરોમાં ખુશી કંપની,એમ્પેરીઆ કોલેજ/ટ્યુશન સેન્ટર, ગાઈડ ફાઈનાન્સિયલ સર્વિસ અને ફેમિલી પ્રોર્ટેટ સ્ટુડિયોઝ સહિતનો સમાવેશ થયો હતો.
આયોજકો કાઉન્સિલર પરવીન રાણી અનેકાઉન્સિલર તુષાર કુમારે પોતાના સંબોધનોમાં HSPUKના સતત વિકાસમાં ગૌરવ વ્યક્ત કરવા સાથે વિદ્યાર્થીઓને નિરંતર પ્રોત્સાહન આપવા બદલ પેરન્ટ્સનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં ઉષ્મા અને ઊર્જા થકી ઓડિયન્સને જકડી રાખનારા સહઆયોજક યોગેશ પાન્ડેનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. યુકેમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને હિન્દી ભાષાના જતન અને રક્ષણની પ્રતિબદ્ધતાના પુનરુચ્ચાર સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.