લંડનઃ યુકેમાં છ દાયકાથી સક્રિય સંસ્થાહિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા 51માં વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક યુથ લીડરશિપ પોગ્રામનું અવન્તિ હાઉસ સ્કૂલ્સ લંડન અને લેસ્ટરમાં આયોજન કરાયું હતું. યુકેના 74 શહેરોમાંથી લંડન સ્કૂલમાં 400થી વધુ યુવાનો અને લેસ્ટરની સ્કૂલમાં આશરે 400 યુવતીઓ સહિત વિક્રમજનક 850 પાર્ટિસિપેન્ટ્સે ભાગ લઈ 9 દિવસ સુધી નેતૃત્વ, સ્થિતિસ્થાપકતા અને સેવાના સઘન પાઠ શીખ્યાં હતાં.વાર્ષિક પ્રોગ્રામના આ બે કેમ્પમાં જાહેર જીવન સાથે સંકળાયેલા 150થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી હતી.
સપ્તાહની શરૂઆતમાં ડેપ્યુટી કમાન્ડર ઓફ ફિલ્ડ આર્મી મેજર જનરલ જ્હોન કેન્ડાલે આર્મી અને રોયલ નેવીના સભ્યો સાથે પ્રોગ્રામની મુલાકાત લીધી હતી. કેમ્પમાં બહાઈ, જૈન, શીખ કોમ્યુનિટીઓ, સ્કાઉટ લીડરશિપ, સ્થાનિક સત્તામંડળો, એજ્યુકેટર્સ અને કોમ્યુનિટી સંસ્થાઓના પ્રતિનિધિઓનું પણ સ્વાગત કરાયું હતું, જે વ્યાપક બ્રિટિશ સમાજ સાથે સંપર્ક પર મૂકાયેલો ભાર દર્શાવે છે. સોલિહલ સ્કાઉટ્સના પ્રોગ્રામ ટીમ લીડર પોલ વેબ, પ્રોફેસર નવલકાન્તજી પ્રિન્જાએ પણ લેસ્ટર કેમ્પની મુલાકાત લીધી હતી. પ્રસિદ્ધ ભારતીય લેખિકા અમી ગણાત્રાએ લેસ્ટર કેમ્પમાં મુખ્ય માર્ગદર્શક અને મેન્ટર તરીકે સેવા આપી હતી. લેસ્ટર ક્લોઝિંગ સેરેમનીમાં ડિફેન્સ હિન્દુ નેટવર્કના ચેર ફ્લાઈટ લેફ્ટનન્ટ નિગમ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
આમંત્રિત મહેમાનોમાં બેરી ગાર્ડિનર MP, બોબ બ્લેકમેન MP, લૂઈ ફ્રેન્ચ MP, ચાર્ટર્ડ કોલેજ ઓફ ટીચિંગના ચીફ એક્ઝિક્યુટિવ પ્રોફેસર ડેમ એલિસન પીકોક, અવન્તિ સ્કૂલ્સ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ બિડુલ્ફ, અવન્તિ ફિલ્ડ્સ સ્કૂલના એક્ઝિક્યુટિવ પ્રિન્સિપાલ વેનેસા બાર્ડ્સ્લે, ચિન્મય મિશનના સ્વામી સુપ્રિયાનંદજી, ધર્મા એન્ડાઉમેન્ટ ટ્રસ્ટના સ્થાપક નીતેશ ગોર અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ ન્યૂઝપેપર્સના પ્રકાશક અને તંત્રી સી.બી પટેલનો સમાવેશ થયો હતો.
નવ દિવસની તાલીમ, સેવા, શિસ્ત અને સંબંધોના બંધનનું સમાપન થયું હતું, પરંતુ 850 પાર્ટિસિપેન્ટ્સ માટે તેમના સમુદાયો અને વ્યાપક બ્રિટિશ સમાજની સેવાની આજીવન પ્રતિબદ્ધતાનો આરંભ થયો હતો.


