ICAI UK ચેપ્ટર દ્વારા દીવાળીની ભવ્ય ઉજવણી કરાઇ

ICAI આર્થિક પરિસ્થિતિ અને બિઝનેસની વોચડોગ, તેના દ્વારા જારી પ્રમાણપત્રો જ ફાઇનાન્સ ઇકો સિસ્ટમની તંદુરસ્તી સુનિશ્ચિત કરે છે – લક્ષ્મી નારાયણ આર.

Wednesday 30th November 2022 06:37 EST
 
 

લંડન

યુકેમાં ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્સી સંસ્થા ICAI UK ચેપ્ટર દ્વારા 6 નવેમ્બર 2022ના રોજ ઓસ્ટરલી બેન્ક્વેટિંગ સ્યુટ્સ ખાતે હિન્દુઓના પ્રકાશના તહેવાર દીવાળીની ઉજવણી કરાઇ હતી. આ ઉજવણીનું આયોજન ICAI UK ચેપ્ટરના ક્રિશ્ના પ્રસાદ દહલ, મીનલ સામ્બ્રે,તબસ્સુમ નાથાણી અને વિનિત જૈન દ્વારા કરાયું હતું. આ ઉજવણીમાં સંસ્થાના 100થી વધુ સભ્યો હાજર રહ્યાં હતાં. સીએ જલ્પા ભદ્રેચા દ્વારા તૈયાર કરાયેલી પુષ્પ રંગોળીએ સમારોહમાં ચાર ચાંદ લગાવી દીધાં હતાં.

અન્ય મહાનુભાવોની સાથે પહેલીવાર ભારતીય હાઇકમિશનમાંથી ઇન્કમટેક્સ ઓવરસિઝ યુનિટના ફર્સ્ટ સેક્રેટરી શ્રી લક્ષ્મી નારાયણ આર ICAI UK ચેપ્ટર દ્વારા આયોજિત સમારોહમાં હાજર રહ્યાં હતાં. સીએ મીનલ સામ્બ્રેએ ફ્લોરને ખુલ્લો મૂકી તમામ સભ્યોનું ઉષ્માસભર સ્વાગત કરતાં સીએ સમુદાયની એકતાને બિરદાવી હતી. તેમણે ભારતીય હાઇ કમિશનના પ્રતિનિધિ તરીકે હાજર રહેલા મુખ્ય અતિથિ શ્રી લક્ષ્મી નારાયણ આર.ની ઓળખ આપતાં ઇન્ડિયન રેવ્ન્યૂ સર્વિસ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાંની તેમની કારકિર્દી અને હાલમાં બ્રિટન ખાતેની તેમની કામગીરીથી પરિચિત કરાવ્યા હતા.

શ્રી લક્ષ્મી નારાયણ આર. એ આમંત્રણ માટે આભાર માનતા સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ICAI UK ચેપ્ટર સાથેના મારા સંબંધો ઘણા જૂના છે. તેમણે સ્વીકાર્યું હતું કે, ચર્ચાઓ એકબીજાને સમજવાની તક આપે છે. ICAI આર્થિક પરિસ્થિતિ અને બિઝનેસની વોચડોગ છે. તમારા દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્રો જ સમગ્ર ફાઇનાન્સ ઇકો સિસ્ટમની તંદુરસ્તી સુનિશ્ચિત કરે છે. હું પિલર વન અને પિલર ટુ પરના ઓઇસીડીની ચર્ચાનો હિસ્સો રહી ચૂક્યો છું. હવે આ પિલરોની ડિઝાઇન આઇએફઆરએસની સ્ટાન્ડર્ડના આધારે તૈયાર થઇ રહી છે તેમાં હું ICAIનો સહયોગ ઇચ્છું છું. તેમણે ICAI  અને ICAEW વચ્ચેના કરારની પણ માહિતી આપી હતી.

ચેરમેન ક્રિશ્ના પ્રસાદ દહલે સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. સીએ અમિત માથુર અને સીએ તબસ્સુમ નાથાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. સીએ શિખા માથુર દ્વારા ગણેશ વંદનાથી કાર્યક્રમ શરૂ કરાયો હતો. સીએ સુષ્મા મધુસુદન અને ગાર્ગી દ્વારા ભગવાન શ્રી રામને સમર્પિત શાસ્ત્રીય નૃત્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ કવિતાપઠન, સોલો ડાન્સ અને ગ્રુપ ડાન્સ રજૂ કરાયાં હતાં. કાર્યક્મના સમાપન બાદ સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરાઇ હતી.

ક્રિશ્ના પ્રસાદ દહલે આભાર દર્શન સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે કમિટી સભ્યોના અથાક પરિશ્રમને તેમણે બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક પ્રવૃતિની વ્યવસ્થાની જવાબદારી ઉઠાવી લેવા માટે હું વિનિતાજી અને તેમની ટીમનો વિશેષ આભાર માનુ છું. હું આશા રાખું છું કે આપણે આવા અદ્દભૂત કાર્યક્રમનું આયોજન કરતાં રહીશું. તેમણે આ કાર્યક્રમના સ્પોન્સર્સ આઇસીઆઇસીઆઇ બેન્ક,  શ્રી સૂરજ કુમાર, શ્રી અરૂપ આનંદ, શ્રી પ્રતાપ સિંહ, આઇસીઆઇસીઆઇ યુકેના ડેપ્યુટી એમડી શ્રી રાઘવ સિંઘલ, આઇસીઆઇસીઆઇ યુકેના સીઇઓ શ્રી લોકનાથ મિશ્રા, એસબીઆઇ યુકેના રિજિયોનલ હેડ બનવા જઇ રહેલા શ્રી સુધીર શર્મા અને એસબીઆઇ યુકેના રિજિયોનલ હેડ શ્રી શરદ ચંડક તથા એશિયન વોઇસ અને સી બી પટેલનો આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter