લંડનઃ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO–UK) દ્વારા હેરોના બ્લુ રૂમ ખાતે ગુજરાતના 65મા સ્થાપના દિનની સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે ભવ્ય અને શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ગુજરાતી ડાયસ્પોરા, રાજકારણીઓ, કોમ્યુનિટીના અગ્રણીઓ અને મહાનુભાવોએ ગુજરાતની વિરાસત અને યોગદાન તેમજ બ્રિટિશ ગુજરાતીઓ દ્વારા યોગદાનોને આનંદ સાથે અંજલિ અર્પી હતી.
ઈવેન્ટની સાંજે કોમ્યુનિટીમાં આદરણીય અને પરોપકારી વ્યક્તિત્વ, મુખ્ય મહેમાન વ્રજભાઈ પાનખણીઆએ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ગુજરાત રાજ્યનાં મક્કમ નિર્ધાર, ઉદ્યોગસાહસિકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિની વિરાસતને યાદગાર બનાવતા ઈવેન્ટમાં યુકેના વિવિધ વિસ્તારોમાંથી સ્થાનિક અગ્રણીઓ અને કાઉન્સિલરો પણ જોડાયા હતા.
આ ઊજવણીમાં ગુજરાતના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ, યુકેના શેડો હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ MPના સંદેશાઓ ઉપરાંત, મંત્રમુગ્ધ કરી દેનારા સ્ટેજ પરફોર્મન્સીસ, સ્વાદિષ્ટ પ્રાદેશિક વાનગીઓ અને રેફલ ડ્રો સહિત પરંપરાગત અને પ્રવર્તમાન તત્વોનું જીવંત મિશ્રણ જોવાં મળ્યું હતું. આ ઈવેન્ટે બ્રિટિશ ગુજરાતી કોમ્યુનિટી વચ્ચે એકતા અને ગૌરવને વિકસાવવા સાથે સાંસ્કૃતિક મૂળિયાં સાથે પુનઃસંધાન કરવાનું પ્લેટફોર્મ પુરું પાડ્યું હતું.
મુખ્ય મહેમાન વ્રજભાઈ પાનખણીઆએ NCGOની કામગીરી વખાણી હતી અને ભજન ગાયું હતું. NCGO ના એડવાઈઝર કાન્તિભાઈ નાગડા અને પ્રેસિડેન્ટ વિમલજી ઓડેદરાએ ગુજરાત અને તેના વિશ્વવ્યાપી ડાયસ્પોરાના ટકાઉ ઉત્સાહ અને લાગણીને હાઈલાઈટ કરવા સાથે કોમ્યુનિટીને સાંકળવા અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રાખવાના NCGOના પ્રયાસોને બિરદાવ્યા હતા. હેરોના ડેપ્યુટી મેયર, કાઉન્સિલર અંજનાબહેન પટેલ અને લેસ્ટરના કાઉન્સિલર ગીતાબહેન કારાવદરાએ ગુજરાત રાજ્યે સાધેલી પ્રગતિની પ્રસંશા કરી હતી.
મહેમાનો સાથે ઉપસ્થિત ઘણા સભ્યોએ કમિટીના ચોકસાઈપૂર્વકના આયોજન અને ટીમવર્કની પ્રસંશા કરી હતી. કોમ્યુનિટીના સભ્યોએ એકબીજાના સંપર્ક અને સમાવેશી વાતાવરણમાં તેમની વિરાસતને ઉજવવા સાંપડેલી તક માટે કદર કરવા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
(તસવીર સૌજન્યઃ રાજ બકરાણીઆ)