SDM & HCC, કાર્ડિફ તરફથી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને અભિનંદન

Tuesday 21st December 2021 12:40 EST
 
 

SDM & HCC, કાર્ડિફ તરફથી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને અભિનંદનઅમે સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર (SDM & HCC) તરફથી સીબી પટેલ તથા તેમની ટીમને ૫૦મા સ્થાપના દિને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને અભિનંદન પાઠવતા ખૂબ આનંદ અને આદરની લાગણી થાય છે. ખરેખર, આ એક અદભૂત સિદ્ધિ છે.

સીબી પટેલના નેતૃત્વ હેઠળ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ માત્ર યુકેમાં જ નહીં દુનિયાભરમાં બ્રિટિશ ભારતીય સમુદાયની સેવા કરે છે. વિવિધ પ્રકારના સમાચાર સાથે આપણી કોમ્યુનિટીની સેવા દ્વારા તેઓ અમૂલ્ય કામ કરી રહ્યા છે.    

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ એ રેસ ઈક્વાલિટી અને ડાયવર્સિટી, રાષ્ટ્રીયતા તથા ઈમિગ્રેશન તેમજ દુનિયાભરના ગુજરાતીઓના સહકાર સહિતના વિવિધ મુ્દાઓ પર કામ કર્યું છે.
તેઓ જે કામ કરે છે તે અમૂલ્ય છે. તેમણે વોટફર્ડમાં હરે કૃષ્ણ મંદિરને બંધ કરવાના વિરોધમાં અભિયાન છેડ્યું હતું તેમજ અમદાવાદની સીધી ફ્લાઈટ શરૂ કરાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  
સીબીભાઈના સખત પરીશ્રમ વિના તે શક્ય બન્યું ન હોત. સીબીભાઈ ખરેખર અત્યંત નમ્ર, વિવેકી અને ઉમદા વ્યક્તિ છે જેઓ છેલ્લાં ૫૦ વર્ષથી યુકેમાં અને વિદેશમાં રહેતા લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવા સહેજ પણ થાક્યા વિના નિઃસ્વાર્થભાવે કાર્યરત છે. સીબી ભાઈ કોમ્યુનિટીના પ્રેરણાદાયક અને નોંધપાત્ર પીઢ વ્યક્તિ છે  
કાર્ડિફના સનાતન મંદિરના અમને સૌને તે જાણતા હોવાનું ગર્વ થાય છે. તેઓ હંમેશા અમને મદદ કરતા રહ્યા છે.  
૧૯૯૦ના દસકામાં અમારું કાર્ડિફ ટેમ્પલ જાણીતું ન હતું. જોકે, સીબી ભાઈ અમારા મંદિરની મુલાકાતે આવ્યા અને વેલ્સમાં રહેતા ગુજરાતી સમુદાયને મળ્યા હતા. ત્યારથી તેઓ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’માં સંસ્થા સમાચારની કોલમમાં અમારા મંદિરની પ્રવૃત્તિઓની વિગતો વિનામૂલ્યે પ્રકાશિત કરે છે. એટલું જ નહીં, વેલ્સમાં અથવા અમારા મંદિરમાં કંઈ પણ થાય, ઉદાહરણ તરીકે દિવાળીની ઉજવણી કે અન્ય કોઈ કાર્યક્રમો યોજાય કે અમારા કોઈપણ સભ્યને ઈનામ કે એવોર્ડ મળે તો તેઓ ‘ગુજરાત સમાચાર‘ અને ‘એશિયન વોઈસ‘માં ફોટા સાથે અમારા લેખો પ્રકાશિત કરે છે.
કાર્ડિફના લુઈસ રોડ પર આવેલા અમારા નવા મંદિર (સીવ્યૂ બિલ્ડીંગ)ની મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે સીબી પટેલ અમારા મુખ્ય અતિથિ હતા અને કોકિલાબેન પટેલ તથા કમલ રાવ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સીબી પટેલે મંદિર બિલ્ડીંગ ફંડમાં ૫,૦૦૦ પાઉન્ડનું ડોનેશન આપ્યું હતું. તે સમયે અમારે મોટી રકમનું દેવું હતું તેથી આ રકમ મળવાથી અમને રાહત થઈ હતી. ૨૦૧૬ના ડિસેમ્બરના અંત સુધીમાં અમે દેવું પૂરું કરીએ તો તેમણે વધુ ૫,૦૦૦ પાઉન્ડનું ડોનેશન આપવાનું વચન આપ્યું હતું. કમનસીબે, અમે તે સમયે અમારું દેવું પૂરું કરી શક્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ અમારા મંદિર માટે લંડનમાં ફંડ રેઝિંગ કરશે. પરંતુ, અમારા કમિટી મેમ્બર્સને લાગ્યું કે વેલ્સમાંથી જ ફંડ એકત્ર કરવું વધુ સારું અને લાભદાયક રહેશે. તેઓ ખૂબ માયાળુ અને પ્રેમાળ સ્વભાવના છે. અમે જ્યારે પણ તેમની સાથે ફોન પર વાત કરીએ ત્યારે તેઓ અમારા તમામ કમિટી મેમ્બર્સના કલ્યાણ માટે જ વાત કરતા હોય છે. તેમણે કાર્ડિફમાં અમારા વડીલોના સન્માન માટે ‘વડીલ સન્માન’ કાર્યક્રમનું આયોજન કરીને તેમને સર્ટિફિકેટ એનાયત કર્યા હતા.            
સીબી પટેલ સાચા અર્થમાં કર્મયોગી છે. તેમણે અન્ય લોકોને મદદ માટે તેમનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે ઉમદા હેતુસર ફંડ રેઝિંગમાં મદદ કરી છે. ખાસ કરીને યુકે, ઈસ્ટ આફ્રિકા અને ભારતમાં હેલ્થ અને એજ્યુકેશન પ્રોજેક્ટ્સ સહિત સમાજકલ્યાણના હેતુના પ્રોજેક્ટના ફંડ રેઝિંગમાં ‘ગુજરાત સમાચાર’ દ્વારા તેને સ્પોન્સર અથવા કો - સ્પોન્સર કરીને મદદ આપી છે.   લેબર પાર્ટીના ભૂતપૂર્વ વડા નીલ કિનોકે ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશનની મિટીંગમાં જણાવ્યું હતું કે સીબી પટેલે કોમ્યુનિટીને મજબૂત કરવા માટે યોગદાન આપ્યું છે. તે ખૂબ સાચી વાત છે.
સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા સીબી પટેલને દીર્ઘ અને સંદુરસ્ત જીવનની શુભકામના પાઠવીએ છીએ. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સ્ટાફને પણ અમારી શુભેચ્છા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter