SGVP ગુરુકુલ પરિવારના બે વિદ્વાન સંતો હરિસ્વરૂપદાસજી સ્વામી અને શાસ્ત્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી અક્ષરનિવાસી થયા

Friday 01st May 2026 07:12 EDT
 

અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને ખાસ કરીને એસજીવીપી (SGVP) ગુરુકુલના બે અત્યંત પવિત્ર, નિષ્ઠાવંત અને તપસ્વી સંતો પ.પૂ. સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામી તથા પ.પૂ. શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી જીવનલીલા સંકેલીને ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય સાંનિધ્યમાં અક્ષરનિવાસી થયા છે. આ બંને વિરક્ત સંતોના અક્ષરવાસથી સમગ્ર સત્સંગ સમાજ અને ગુરુકુલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ.પૂ. ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આજ્ઞાંકિત અને સંપ્રદાયમાં ગુરુકુલમાં સૌપ્રથમ Ph.D.ની પદવી પ્રાપ્ત કરનાર શાસ્ત્રી શ્રી બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી 22 એપ્રિલના રોજ અક્ષરધામ સિધાવ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી અસાધ્ય બીમારીથી પીડાતા હોવા છતાં તેમની આત્મનિષ્ઠા અને સહનશક્તિથી અડગ હતા. છેલ્લી ઘડી સુધી હસતા મુખે તેમણે પીડા સહન કરી હતી. અક્ષરવાસની અંતિમ ક્ષણોમાં મુંબઈથી પરત ફરેલા સદ્ગુરુ સંતોએ તેમના મુખમાં તુલસીદલ અને ચરણામૃત પધરાવ્યા હતા અને સંતોની મહામંત્રની ધૂન વચ્ચે તેઓ શ્રીજી મહારાજના ચરણોમાં લીન થયા હતા. આજીવન એકટાણું, અખંડ દંડવત પ્રણામ અને ગુપ્ત સેવા એ તેમના જીવનનું અભિન્ન અંગ હતું.
પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામીની સાથોસાથ, ગુરુકુલના અન્ય એક પ્રખર વિદ્વાન, ઉત્તમ ઉપાસક અને કથાકાર પ.પૂ. હરિસ્વરૂપદાસજી સ્વામીએ પણ દેહત્યાગ કરી અક્ષરધામની વાટ પકડી છે. યુવાનીમાં સંસ્કૃત અભ્યાસની તીવ્ર લગન પડતી મૂકીને સળંગ પાંચ વર્ષ સુધી ગુરુકુલના સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની (ગુરુની) અજોડ સેવા કરી સદ્ગુરુનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. આ ગુરુસેવાનું જ ફળ હતું કે ઔપચારિક અભ્યાસ વિના તેમની પ્રજ્ઞા ખીલી ઉઠી અને તેઓ વચનામૃતના અદ્ભુત જ્ઞાતા બન્યા. ગહન તત્ત્વજ્ઞાનને સરળ અને રમુજી શૈલીમાં પીરસવાની તેમની કળા અજોડ હતી. પૂજ્ય જોગી સ્વામીના આશીર્વાદથી તેમણે દેશ-વિદેશમાં કથાવાર્તાની ગંગા વહાવી અનેક મુમુક્ષુઓને સત્સંગનો માર્ગ બતાવ્યો હતો. અંતિમ સમયમાં શ્રીજી મહારાજની પ્રેરણાથી તેઓ મૌન ધારણ કરી અખંડ ભજન અને સ્મરણમાં લીન રહેતા હતા. તેમણે પણ તારીખ 22 એપ્રિલના રોજ શરીર છોડી ભગવત્ધામની વાટ લીધી છે.
આ બંને સંતોએ પોતાનું સમગ્ર જીવન જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને સેવાની વેદી પર હોમી દીધું હતું. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ સમગ્ર સંતમંડળ અને હરિભક્તોએ ભારે હૈયે બંને સંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ગુરુકુલના ઇતિહાસમાં આ બંને તપસ્વી આત્માઓની નિસ્વાર્થ સેવા અને અપ્રતિમ સાધુતા હંમેશાં સુવર્ણ અક્ષરે લખાયેલી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter