અમદાવાદઃ છારોડી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાન (SGVP)ના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નોકરીની તકો શોધવાની સાથે પોતાનો વ્યવસાય શરૂ કરવાની દિશામાં પણ તૈયાર કરવા ગુરુકુળના આંગણે ‘SGVP ઉદ્યમ 2026’ બિઝનેસ એક્સ્પો યોજાયો હતો. નવરાત્રિ મહોત્સવ દરમિયાન યોજાયેલા આ એક્સ્પોમાં 30થી વધુ સ્ટોલ્સ પર વિદ્યાર્થીઓએ વિવિધ પ્રોડક્ટ્સ, સેવાઓ અને બિઝનેસ આઇડિયા રજૂ કર્યા હતા.
એક્સ્પોની મુલાકાત વિવિધ શાળાઓ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા નિષ્ણાતો સહિત 3 હજારથી વધુ લોકોએ લીધી હતી. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કમિશનર ટી.જી. ઝાલાવાડિયાએ ખાસ ઉપસ્થિત રહીને નવા ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયા અને સરકારી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સમૃદ્ધિની સાથે સંસ્કાર પણ જરૂરી: માધવપ્રિયદાસજી સ્વામી
માધવપ્રિયદાસજી સ્વામીએ જીવનમાં આર્થિક પ્રગતિની સાથે સંસ્કારોનું મહત્ત્વ સમજાવ્યું હતું. પંખીને બે પાંખ હોય છે, તેમ આપણી બે પાંખ હોવી જોઈએ, એક સમૃદ્ધિની અને બીજી સંસ્કારની. આ વિચાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં સ્વામી કુંજવિહારીદાસજી, સર જાલમસિંહજી સહિતના મહાનુભાવોએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ઉદ્યોગ શરૂ કરતાં પહેલાં કઈ બાબતો જાણવી જરૂરી?
નવો વ્યવસાય શરૂ કરવા માટે માત્ર સારો વિચાર પૂરતો નથી. યોગ્ય આયોજન અને ઉપલબ્ધ સહાયની જાણકારી પણ જરૂરી છે. SGVP ઉદ્યમ 2026માં નિવૃત્ત મ્યુનિસિપલ કમિશનર ટી.જી. ઝાલાવાડિયાએ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સ્થાપવાની પ્રક્રિયા અને સરકાર તરફથી મળતી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ માટે આ માર્ગદર્શન વ્યવસાયની શરૂઆતમાં કઈ દિશામાં આગળ વધવું તેની સમજ મેળવવાની તક બની હતી.


