લંડનઃ શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે (SKLPC UK) સેન્ટર ખાતે 24 ગામનું પ્રતિનિધિત્વ કરતા 9000થી વધુ લોકો ભારે ઉત્સાહ સાથે વાર્ષિક 24 ગામ ઉજમણી માટે રવિવાર, 4 ઓક્ટોબરે એકત્ર થયા હતા. કોમ્યુનિટીની આ ઉજવણી જુલાઈ 2027માં ઈન્ડિયા ગાર્ડન્સ કોમ્યુનિટી સેન્ટરના ભવ્ય ઉદ્ઘાટન તરફ એકતા, સંસ્કૃતિ, સેવા અને પ્રગતિના પૂર્વ પ્રદર્શન રુપે જોવા મળી હતી.
વાર્ષિક ઉજવણીના આરંભે ભગવાન ગણેશનું પૂજન કરાયું હતું તેમજ હનુમાનજી અને ગણેશજીના મંદિરોએ આરતી કરાયા પછી શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ હેરોના ગર્લ્સ અને બોઈઝ પાઈપ બેન્ડ તેમજ છોકરા અને છોકરીઓ દ્વારા લેઝિમ પરફોર્મન્સ અને સેટરડે સ્કૂલના સ્ટાફ અને બાળકો સાથે ભવ્ય શોભાયાત્રા શરુ થઈ હતી. તમામ 24 ગામના પ્રતિનિધિઓ,, નાના બાળકો અને વયસ્કો આમંત્રણપત્રિકાઓ હાથમાં રાખીને શોભાયાત્રામાં સામેલ થયા હતા.
SKLPC UK ના પ્રેસિડેન્ટ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયા, જનરલ સેક્રેટરી રવિભાઈ ધનજી વરસાણી, ટ્રેઝરર અરવિંદભાઈ અસ્સાણી અને મેનેજિંગ કમિટીના સભ્યો દ્વારા સમગ્ર યુકેમાં સંસ્થાઓ અને મંદિરો તેમજ ભૂજ, કચ્છના 24 ગામોને ભવ્ય ઉદ્ઘાટનની આમંત્રણપત્રિકાઓ પહોંચાડાઈ હતી. ઉજવણીના દિવસે કોમ્યુનિટીના વાર્ષિક મેગેઝિનને લોન્ચ કરાયું હતું તેમજ પ્રથમ વખતના 16 બિઝનેસીસ સહિત 40થી વધુ કોમ્યુનિટી સ્ટોલ્સને દર્શાવતું લાઈવ એક્સ્પો પણ હતું.
ઉપસ્થિત માનવંતા મહેમાનોમાં નેલ્સન મન્ડેલાને હાઉસ ઓફ કોમન્સની શ્રદ્ધાંજલિ પુસ્તિકા પ્રસ્તુત કરનારા નિક કારીમ હતા, જેમણે SKLPC UK ના પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરીને સંસ્થા વતી સંદેશો પાઠવવા આમંત્રણ આપ્યું હતું. અન્ય પાંચ સંતો સાથે આવેલા શ્રી સ્વામિનારાયણ ભૂજ મંદિરના સ્વામી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસજીએ સમાજ અને મંદિરોમાં એકતા તેમજ ઈન્ડિયા ગાર્ડન્સને સપોર્ટ કરવાની જરૂરિયાત વિશે હૃદયસ્પર્શી સંબોધન કર્યું હતું.
SKLPC UK ના પ્રેસિડેન્ટ માવજીભાઈ ધનજી જાદવા વેકરિયાએ ભાવવાહી સંબોધનમાં ઈન્ડિયા ગાર્ડન્સ (IG)ની પ્રગતિ વિશે સહુને જાણકારી આપવા સાથે કોમ્યુનિટીના નવા હોમના નિર્માણમાં સાથ-સહકાર આપવા સભ્યોને અનુરોધ કર્યો હતો. તેમણે સ્થળ અને ઉજમણીની તૈયારીમાં મદદ કરનારા IG કમિટી, વોલન્ટીઅર્સ, મેનેજિંગ કમિટી, કોર્પોરેટ સ્પોન્સર્સ અને દાતાઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. વાઈસ પ્રેસિડેન્ટ અને શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ વિલ્સડેનના ટ્રસ્ટી વિશરામભાઈ હિરા ભુડીઆ અને શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ હેરોના પ્રેસિડેન્ટ કાનજીભાઈ માનજી કેરાઈએ એકતાના સંદેશને મજબૂત સમર્થન આપી સમાજના નવા બિલ્ડિંગ માટે ઉદારતાથી દાન આપવા કોમ્યુનિટીને પ્રોત્સાહન આપ્યું હતું.
આ ઈવેન્ટમાં ઈલિંગના મેયર કાઉન્સિલર ફાદુમા મોહમ્મદ, હેરોના મેયર કાઉન્સિલર યોગેશભાઈ તેલી, બ્રેન્ટ અને હેરો માટે GLA મેમ્બર કાઉન્સિલર કૃપેશભાઈ હિરાણી, કાઉન્સિલરો અંજનાબહેન પટેલ, ચેતનાબહેન હાલાઈ, કાન્તિભાઈ રાબડીઆ, આશિષભાઈ હાલાઈ, હિતેશભાઈ કારીઆ, કૃષ્ણ સુરેશ, કાન્તાબહેન મિસ્ત્રી, જયંતિભાઈ પટેલ, મનોજભાઈ મિશ્રા, અનુપભાઈ પટેલ, તારિકભાઈ મહમુદ તેમજ નિતેશભાઈ હિરાણી, અજયભાઈ મારુ, ભગવાનજી ચૌહાણ, નવીનભાઈ શાહ CBE, નવનાત વણિક એસોસિયેશન યુકેના પિયુષભાઈ વોરા અને નિલેશભાઈ સોલંકીનો સમાવેશ થયો હતો.
SKLPC UKની મેનેજિંગ કમિટીએ મુલાકાતીઓને આવકારી પુરુષ અને મહિલા ક્રિકેટ, સેટરડે સ્કૂલ, એડવેન્ચર્સ, વોલીબોલ, બેડમિન્ટન અને ફૂટબોલ ટુર્નામેન્ટ્સ, મેન્ટલ હેલ્થ સેમિનાર્સ, જીવનસાથી, વડીલ સંમેલનો, માનવ સેવા તેમજ હોળી અને નવરાત્રિ સહિતના ઉત્સવોની ઉજવણી સહિત પ્રવૃત્તિઓ વિશે જણકારી આપી હતી. સેટરડે સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિવિધ ગામોના પ્રતિનિધિઓ દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સીસ રજૂ કરાયાં હતાં. શ્રી સ્વામિનારાયણ મંદિર વુલીચ, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ ઈસ્ટ લંડન, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ હેરો, શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ વિલ્સડેનના હરિભક્તો, વોલન્ટીઅર્સ અને ગામોના પ્રતિનિધિઓ દ્વારા કોમ્યુનિટી લંચ તૈયાર કરાયું હતું અને 8000 જેટલા લોકોને નિઃશુલ્ક ભોજન પીરસાયું હતું. SKLPC UK દ્વારા કોમ્યુનિટી લંચના ઉદાર સ્પોન્સર્સનો આભાર વ્યક્ત કરાયો હતો.


