SKSS ફોરેસ્ટ ગેટ મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીનો અન્નકૂટ

Wednesday 18th November 2026 06:02 EST
 
 

લંડનઃ સેંકડો ભક્તજનો, પરિવારો અને સમુદાયના અગ્રણીઓ દિવાળી અને નૂતન વર્ષના તહેવારો નિમિત્તે ફોરેસ્ટ ગેટસ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ (SKSS) મંદિરે ભવ્ય અન્નકૂટ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીમાં પવિત્ર અન્નકૂટ કેન્દ્રસ્થાને હતો. ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને સમૃદ્ધિની પ્રાર્થના તરીકે સ્વયંસેવકોની ટીમો દ્વારા તૈયાર કરાયેલી સેંકડો શાકાહારી વાનગીઓ અને મીઠાઈઓ મૂર્તિ સમક્ષ ગોઠવવામાં આવી હતી.

ઉજવણીમાં ઈસ્ટ હામના સાંસદ સર સ્ટીફન ટિમ્સ, પૂર્વ કાઉન્સિલર અને કોમ્યુનિટીના પ્રતિનિધિ મિરાજ પટેલ, લંડનના કોમ્યુનિટીઝ અને સોશિયલ જસ્ટિસ માટેના ડેપ્યુટી મેયર ડો. ડેબી વિક્સ-બર્નાર્ડ, લંડન બરો ઓફ ન્યૂહામ માટે ચિલ્ડ્રન, એજ્યુકેશન અને કોમ્યુનિટીઝ માટેના કેબિનેટ મેમ્બર કાઉન્સિલર લક્મિની શાહ સહિત અગ્રણી નાગરિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ મંદિરના યુવા સ્વયંસેવકોને મળવા સાથે આરતી-પ્રાર્થનાઓમાં ભાગ લીધો હતો તેમજ મંદિરની પરંપરાગત વિધિઓ નિહાળી હતી. સર સ્ટીફન ટિમ્સ અને મિરાજ પટેલે સ્વાગત કાર્યક્રમમાં ભક્તજનોને સંબોધનો કર્યા હતા.

સાંસદ સર સ્ટીફન ટિમ્સે જણાવ્યું હતું કે,‘ફોરેસ્ટ ગેટના SKSS સ્વામિનારાયણ ટેમ્પલની વર્ષના આ વિશિષ્ટ સમયે મુલાકાત લેવાનું હંમેશાં સન્માનજનક બની રહે છે. અન્નકૂટના ભવ્ય પ્રદર્શન અને વ્યાપક કોમ્યુનિટીની આગતાસ્વાગતા કરવામાં વોલન્ટીઅર્સ અને યુવાનોએ જે સમર્પણ અને નિષ્ઠા દર્શાવી છે તે ઈસ્ટ લંડનની ભાવનાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. પ્રકાશ અંધકારને દૂર કરે છે અને અશુભ પર શુભનો વિજય થાય છે તેવો દિવાળીનો સંદેશો આપણા તમામ માટે સુસંગત બની રહે છે. હું સહુને આનંદિત દિવાળી અને શાંતિપૂર્ણ સમૃદ્ધ નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું.’

પૂર્વ કાઉન્સિલર મિરાજ પટેલે જણાવ્યું હતું કે,‘પરિવારો, વડીલો અને યુવા વોલન્ટીઅર્સની વચ્ચે ઉભા રહેવાથી આપણા સમુદાયની સાચી શક્તિનું સ્મરણ થાય છે. SKSS મંદિર દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અપાતી અથાક સેવા અને અન્નકૂટ પાછળનું સમર્પણ આપણા નિઃસ્વાર્થ કર્તવ્ય અને પારસ્પરિક મદદના હાર્દરૂપ મૂલ્યોના પ્રતીક છે. અહીં ઈસ્ટ લંડનમાં નૂતન વર્ષની ઉજવણી અને પેઢીઓથી વિકસી રહેલા આપણા સાંસ્કૃતિક વારસાના સાક્ષી બની રહેવાનું ગૌરવસમાન છે.’

ભક્તજનો દ્વારા અરસપરસ ‘નૂતન વર્ષાભિનંદન’ની પરંપરાગત સુભેચ્છાઓની આપ-લે તેમજ મંદિરના સ્વયંસેવકો દ્વારા રંધાયેલા અને પીરસાયેલા પવિત્ર મહાપ્રસાદના સામૂહિક ભોજન સાથે દિવસનું સમાપન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter