UCLA ખાતે જૈનધર્મ અને ગાંધીજીના વિચારોની અનુરૂપતા વિશે વિચારગોષ્ઠિ

ડો.અનાહિતા હૂઝ Tuesday 04th July 2023 13:23 EDT
 
(સ્ટેજ પર ડાબેથી જમણે) પ્રોફેસર તારા સેઠીઆ, ડો. અનાહિતા હૂઝ, પ્રોફેસર વિનય લાલ, પ્રોફેસર કેરોલ બાખોસ ( UCLA સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ રીલિજિયનના ડાયરેક્ટર), ડો. જશવંત મોદી, પ્રોફેસર ક્રિસ્ટોફર ચેપલ. બેકગ્રાઉન્ડમાં ઝૂમ પર – પ્રોફેસર વીણા હોવાર્ડ
 

ભારતના મહાન સપૂતોમાં એક અને ગત સદીમાં સૌથી શ્રદ્ધેય મંહાનુભાવોમાં એક મહાત્મા ગાંધીના અહિંસક સક્રિયતાવાદે સમગ્ર વિશ્વમાં પ્રચંડ અસર ઉભી કરી હતી. ઓછી જાણીતી હકીકત એ છે કે ગાંધીજી ખુદ જૈનધર્મથી પ્રભાવિત હતા અને ગાંધીજીના વતન ગુજરાતમાં અસંખ્ય જૈનધર્મીઓનો વસવાટ છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ (UCLA) ખાતે 3 જૂને આયોજિત વિચારગોષ્ઠિ (ડિફરન્ટ રોડ્ઝ, વન ગોલઃ ગાંધી એન્ડ જૈનિઝમ) માં ચાર વિદ્વાનોએ ગાંધી અને જૈનધર્મ વચ્ચેની કડીઓ તેમજ ગાંધીવાદી અને જૈન વિચારો વચ્ચેની અનુરૂપતા વિશે ચર્ચા કરી હતી.

જૈન કોમ્યુનિટીના સભ્યો દ્વારા UCLA ખાતે જેનું હું વડપણ સંભાળું છું તે ‘ભગવાન અભિનંદન જૈન લેક્ચરશિપ ઈન જૈનિઝમ એન્ડ સાઉથ એશિયન રીલિજિયન્સ’ની સ્થાપના કરવામાં આવી છે તેમના આભારસહ આ કાર્યક્રમ યોજી શકાયો હતો. ઓડિયન્સમાં ફેકલ્ટી મેમ્બર્સ, અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સની સાથે બે ઉદાર દાતાઓ ડો. જશવંત મોદી અને ડો. નરેન્દ્ર પારસનને નિહાળી ઘણો જ આનંદ થયો હતો.

ત્રણ આમંત્રિત વક્તાઓ - પ્રોફેસર ક્રિસ્ટોફર ચેપલ (લોયોલા મેરીમાઉન્ટ યુનિવર્સિટી), પ્રોફેસર વીણા હોવાર્ડ (કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, ફ્રેસ્નો) અને પ્રોફેસર તારા સેઠીઆ (કેલિફોર્નિયા સ્ટેટ પોલીટેકનિક યુનિવર્સિટી, પોમોના) દ્વારા અભૂતપૂર્વ વક્તવ્ય અપાયું હતું. પ્રોફેસર ચેપલે જૈન સમુદાયોની જીવનશૈલીમાં વ્રત-સંકલ્પોનાં વાસ્તવિકીકરણ અને ગાંધીના રાજકીય અને આર્થિક વિચાર વિશે જણાવ્યું હતું. ઝૂમ મારફત વિચારો રજૂ કરતાં પ્રોફેસર હોવાર્ડે માનવીય દૃષ્ટિકોણો મર્યાદિત હોવા સાથે વાસ્તવિકતાનું સંપૂર્ણ દર્શન લગભગ અશક્ય હોવાનું દર્શાવતા અનેકાંતવાદના જૈન સિદ્ધાંત સાથે ગાંધીની સહભાગિતા વિશે ચર્ચા કરી હતી. પ્રોફેસર સેઠીઆએ ગાંધી, અહિંસા અને જૈનવાદ વિશે જણાવ્યું હતું. જૈન ધર્મમાં અહિંસા (નોન-વાયોલેન્સ) ચાવીરૂપ સિદ્ધાંત છે અને ગાંધી માટે હાર્દરૂપ મૂલ્ય છે. જોકે, ગાંધીજીએ અહિંસા વિશે આગવી સમજ કેળવી હતી જે પરંપરાગત જૈન સિદ્ધાંત સાથે સમરૂપ નથી. પ્રોફેસર વિનય લાલ (UCLA) દ્વારા આ પેપર્સ સંદર્ભે દિલચસ્પ- પ્રેરક પ્રતિભાવ અપાયા પછી કાર્યક્રમનું સમાપન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter