VHP-UK અને WCH-UKની હોમ સેક્રેટરીને રજૂઆતઃ તોફાની તત્વોને નાથો અને હિન્દુ સમુદાયના જાનમાલનું રક્ષણ કરો

Thursday 22nd September 2022 07:27 EDT
 

લંડનઃ છેલ્લા કેટલાક દિવસથી અમુક તોફાની તત્વો બ્રિટનમાં વસતાં હિન્દુ સમુદાય અને તેમના ધર્મસ્થાનોને નિશાન બનાવીને સતત હિંસક હુમલા કરી રહ્યા છે. સ્વાભાવિકપણે જ આવી શ્રેણીબદ્ધ ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ-યુકે (VHP-UK) અને વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ-યુકે(WCH-UK)એ આવી ઘટનાઓની આકરા શબ્દોમાં નિંદા કરીને તેને વખોડી કાઢી છે. સાથે સાથે જ સંગઠને આવા અસામાજિક કૃત્યમાં સંડોવાયેલા તોફાની તત્વો સામે આકરા પગલાં લઇને હિન્દુ સમુદાયના જાનમાલનું રક્ષણ કરવા માટે આવશ્યક તમામ પગલાં લેવા પોલીસ તેમજ વહીવટી તંત્રને અનુરોધ કર્યો છે.

વિશ્વ હિન્દુ પરિષદ-યુકે અને વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ-યુકેના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી હસમુખભાઇ વેલજીભાઇ શાહે આ મુદ્દે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને પણ એક વિગતવાર પત્ર પાઠવ્યો છે. ત્રણ પાનના આ પત્રમાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન પરિસ્થિત અંગે ચિંતાની લાગણી વ્યકત કરીને હિન્દુ સમુદાયના હિતોનું રક્ષણ થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવાની વિનંતી કરી છે.

આ પત્રની સાથે જ વિશ્વ હિન્દુ પરિષદ-યુકેએ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને 1992-93માં બ્રિટનમાં વસતાં હિન્દુ અને શીખ સમુદાયના સંસ્થાનો અને ધર્મસ્થાનો પર થયેલા હુમલાઓની વિગતવાર યાદી પણ મોકલી છે. પત્રમાં જણાવાયું છે કે બાબરી ધ્વંસની ઘટના ભારતમાં બની હતી, અને અહીં કોઇ પણ પ્રકારનું ઉશ્કેરણીજનક કૃત્ય થયું નહોતું તેમ છતાં તોફાનીઓએ હિન્દુ સમુદાયને નિશાન બનાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter