VYO દ્વારા વડોદરામાં રૂ. ૧.૨૮ કરોડના ખર્ચે ૪ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

Tuesday 11th May 2021 17:12 EDT
 
 

વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા વડોદરા શહેરને રૂ. ૧.૨૮ કરોડના ખર્ચે કોવિડ - ૧૯  દર્દીઓની સારવારમાં જરૂરી ઓક્સિજનના ૪ નવા પ્લાન્ટ  આપવામાં આવ્યા હતા. તેના વર્ચ્યુઅલ લોકાર્પણમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી જોડાયા હતા. આ ઓક્સિજન પ્લાન્ટ વડોદરાની સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ, અંબે વ્રજધામ કોવિડ સેન્ટર ખાતે  કાર્યરત કરવામાં આવ્યા હતાં.
ભારત સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા સારવાર માટે જરૂરી એવા ઓક્સિજનની માંગ વધતા તેના પ્લાન્ટ ઉભા કરવા માટે અપીલ કરાઈ હતી. ત્યારે  વડોદરાના યુવા વૈષ્ણવાચાર્ય પ.પૂ. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા સરકારના પ્રયાસોમાં મદદરૂપ થવા માટે VYO સંસ્થાએ ઓક્સિજનના ચાર નવા  પ્લાન્ટ ઉભા કરવા માટેનું આયોજન કરીને તે  કાર્યરત કર્યા હતા. તેમાંથી  પ્રતિ કલાક ૮ થી૧૦ ટન ઓક્સિજન મેળવવામાં આવશે. જે કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી  થશે.
આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ના પ્રણેતા  વ્રજરાજકુમારજી ગોસ્વામીએ કહ્યું કે, શ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં ગુજરાત સરકાર જનતાની સુરક્ષા માટે દિન રાત જહેમત ઉઠાવી રહી છે અને  વહીવટીતંત્ર પણ પૂરી સંવેદનશીલતા સાથે કામ કરી રહ્યું છે. તેમણે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તે પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જેમ વ્રજ ભક્તો - ગોવાળોએ અતિવૃષ્ટિની આપદામાં શ્રીકૃષ્ણને લાકડી વડે ટેકો આપ્યો તેમ સમાજના શ્રેષ્ઠીઓ સેવાભાવી સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ આ મહા આપદામાં સાથે મળી સરકારી તંત્રને ટેકો આપે તે સમયની માંગ છે.
પ.પૂ. વ્રજરાજકુમારજીએ સરકાર કહેશે ત્યાં જરૂરિયાત મુજબ ૧૮ જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની જાહેરાત કરી હતી અને રાજ્ય સરકારની કોરોના સામેની લડતમાં પૂર્ણ સહયોગ આપવાનું જણાવ્યું હતું.
વડોદરામાં ૪ પ્લાન્ટ નું લોકાર્પણ કર્યા બાદ VYO દ્વારા અમદાવાદ અને રાજકોટમાં બે - બે પ્લાન્ટ  તેમજ ભાવનગર, જૂનાગઢ, ધોરાજી, સુરત, નવસારી, ગોધરા ટીંબી રોડ,વલ્લભ વિદ્યાનગર, સાસણગીર, અને મુંબઇમાં એક - એક પ્લાન્ટ  આગામી સમયમાં શરૂ કરવામાં આવશે
રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ આ નવા પ્લાન્ટનું વર્ચ્યુલ લોકાર્પણ કરતા VYOને કોરોના મહામારીમાં અતિ જરૂરી એવા ૪ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે અભિનંદન આપ્યા હતા. કોરોનાની લડાઈમાં સૌ પોતાની રીતે સહયોગ આપી રહ્યા છે. આ ઉપરાંત૧૮ પ્લાન્ટ આપવાની જાહેરાતને પણ મુખ્ય પ્રધાન રૂપાણીએ આવકારી હતી. કોરોનાની બીજી લહેરમાં બધાએ સાથે મળીને  કોરોના સામેની લડત લડવાની છે. રાજ્ય સરકારે જેમ જેમ જરૂર પડે તેમ તેમ સાધનો અને સુવિધાઓમાં વધારો કર્યો છે. જેમાં સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓએ ખૂબ મદદ કરી છે.
આ પ્રસંગે, વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, સાંસદ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર, ઓએસડી ડો.વિનોદ રાવ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter