અન્નપૂર્ણા શકુબહેનનું “મેલ્વીન જોન એવોર્ડ”થી સન્માન

લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડની નવનાતની કિચન કમિટીને મશીનની ભેટ

જ્યોત્સના શાહ Tuesday 16th May 2023 12:52 EDT
 
 

દર શુક્રવારે નવનાત વડિલ મંડળના ૨૫૦-૩૦૦ સભ્યો હેઝના ભવનમાં મળે છે. યોગા, રમત-ગમત, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ કાર્યક્રમો દ્વારા જૈફ વયની મોજ માણે છે. એમના માટે ખાસ કોચની વ્યવસ્થા પણ કરાય છે. જો કે ગત શુક્રવાર તા. ૧૨ મે’૨૩નો દિવસ સવિશેષ આનંદનો હતો. એ દિવસે નવનાત વડિલ મંડળને લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડે કિચન માટે લોટ બાંધવાના મશીનની ભેટ આપવા સાથે સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. એ દિવસે મંડળના ૩૦૦ સભ્યો ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડના કમિટી સભ્યો, નવનાત મુખ્ય બોડી અને ભગિનીના કમિટી સભ્યોની હાજરી તથા આમંત્રિત મહેમાનોની હાજરીથી હોલ ભરાયેલ હતો.
આ પ્રસંગે નવનાત વડિલ મંડળના પ્રમુખ શ્રી નલીનભાઇ ઉદાણીએ સૌનું ભાવભીનું સ્વાગત કરતાં મંડળના સભ્યો જેઓની બર્થડે હતી તે સૌને અભિનંદન પાઠવતાં એ દિવસે આપણા યુ.કે.ના વડાપ્રધાન શ્રી ઋષિ સુનાકની વર્ષગાંઠ પણ હોવાનું જાહેર કરી બર્થડેની શુભેચ્છા પાઠવવાનું ચૂક્યા નહિ!
શ્રીમતી શકુબહેન શેઠની આગેવાની હેઠળ કિચન કમિટીની સેવાભાવી બહેનોએ ૩૫૦થી વધુ જણની રસોઇ સવારના વહેલા આવી (કેરીનો તાજો રસ, પુરી-બટાટા વડા- વાલ-શાક-ભાત-ફજેતો) બનાવી. સૌને ગરમા ગરમ, સ્વાદિષ્ટ ભોજન પ્રેમથી જમાડ્યાં તે માટે તેઓનો ખાસ આભાર માન્યો. શકુબહેન નવનાતના અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે.
 ભોજન બાદ યોજાયેલ સભાને સંબોધતા પ્રેસિડેન્ટ લાયન ડો. હિતેશભાઇ શાહ અને લાયન શ્રી જયંતભાઇ દોશી (પૂર્વ પ્રસિડેન્ટ) એ લોટ બાંધવાના મશીનની ભેટ ધરતાં શકુબેન શેઠની કિચન સેવા ઉપરાંતની માનવતા લક્ષી સેવાઓનું સ્મરણ કરી જણાવ્યું, એમણે ભારતીય વિધ્યાભવનની કમિટીમાં પાંચેક વર્ષ સેવા આપેલ છે. કિંગ્સબરીની આસપાસના કેર હોમ્સમાં ઘરેથી ફૂડ બનાવી એનું વિતરણ કરે છે અને વડિલોને સમય તથા હૂંફ આપે છે. એમના આ સેવાભવી કાર્યની કદરરૂપે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પ્રતિષ્ઠિત “મેલવીન જોન ફેલો” એવોર્ડ એનાયત કર્યો.
આ એવોર્ડથી શકુબહેન સહિત સૌના ચહેરા ગૌરવની લાગણીથી ખીલી ઊઠ્યાં હતાં. કમિટીની અન્ય બહેનોને પણ ક્લબ તરફથી શાલ આપી સન્માન કરાયું. શકુબહેને એમના સન્માનનો પ્રતિસાદ આપતાં કહ્યું કે, આ મશીન કિચન કમિટી માટે આશીર્વાદરૂપ છે. એનાથી સમયનો બચાવ અને લોટ બાંધવામાં બહેનોના કાંડાને તકલીફ ઓછી પડવાનું જણાવી લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડનો હાર્દિક આભાર માન્યો. અને નવનાત વણિક સમાજની પ્રવૃત્તિઓને પ્રસિધ્ધિ માટે "ગુજરાત સમાચાર" નો ખાસ આભાર વ્યક્ત કર્યો.
લાયન પ્રમુખ ડો. હિતેશભાઇ શાહે જણાવ્યું કે, ૪૮ વર્ષ પહેલા લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડની સ્થાપના થઇ ત્યારથી આજ સુધીમાં ૩ મિલિયન પાઉન્ડથી વધારે રકમ ચેરિટી માટે ફંડ એકત્ર કરી વિવિધ ચેરિટીઓને સહાય કરેલ છે.
કાર્યક્રમના સમાપનમાં આભારવિધિ નવનાત વડિલ મંડળના સેક્રેટરી નટુભાઇ મહેતાએ કર્યા બાદ ચા-બિસ્કીટનો આસ્વાદ લઇ સૌ વિખરાયાં.
નવનાતના કાર્યક્રમોની સફળતા એના વિશાળ સેવાભાવી કાર્યકરોની સમર્પિતતા છે. સૌને અભિનંદન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter