અબુ ધાબીઃ યુનાઈટેડ આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીસ્થિત BAPS હિન્દુ મંદિરમાં બે દિવસ સુધી ધામધૂમ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી, જેમાં 15,000થી વધુ ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ISKCON સમુદાયના સભ્યોએ અભિષેક મંડપમાં દિવ્ય ભજનોની રમઝટ બોલાવી હતી. બાળકો અને યુવાવર્ગે શિષ્ટતા અને વિવેક-આદર સાથે ભક્તિસંગીતમાં ઉલટભેર ભાગ લીધો હતો.
સાંજના સમયે બાળકોએ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના મંદિર સમક્ષ ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સુંદર પઠન કર્યું હતું. તેમના સ્પષ્ટ અને અસ્ખલિત સંસ્કૃત ઊચ્ચારણોએ વાતાવરણમાં દિવ્ય તરંગો સર્જ્યાં હતાં. જન્માષ્ટમીની ઊજવણીની ધર્મસભામાં 500થી વધુ ભક્તો અષ્ટમીના પૂજન અને તે પછી, કૃષ્ણ જન્મોત્સવને પવિત્રતા અને આનંદ સાથે માણવા-ઉજવવા એકત્ર થયા હતા.
જન્માષ્ટમીની ઊજવણીમાં ભવ્ય અન્નકૂટ, જન્મોત્સવ અને ઝૂલા દર્શનનો સમાવેશ કરાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણની બાળમૂર્તિને સુંદર રીતે સજાવેલા પારણામાં ભવ્યતા સાથે પધરાવવામાં આવી હતી. યુએઈ બાલ-કિશોર મંડળ દ્વારા વિચારપ્રેરક નાટક ‘ગીતા જ્ઞાન – યુગો સે યુગો તક’ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ભગવદ્ ગીતાના શ્લોકો પર આધારિત આ નાટ્યપ્રસ્તુતિમાં કુરુક્ષેત્રના રણમેદાનમાં શ્રીકૃષ્ણના આ ઉપદેશે અર્જુનને કેવી રીતે માર્ગદર્શન આપ્યું હતું, તેના પર પ્રકાશ પાથરવા સાથે વર્તમાન આધુનિક કાળમાં બાળકો, યુવા વર્ગ અને પરિવારો સમક્ષના પડકારોનું નિરાકરણ કેવી રીતે આવી શકે તેનો પણ બોધ અપાયો હતો.
ધર્મસભામાં સંબોધન કરતા સ્વામી બ્રહ્મવિહારીદાસે ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં જોવાં મળતા શાશ્વત જ્ઞાન વિશે વિસ્તૃતપણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,‘જ્યારે આસપાસ સમાજમાં અંધકાર છવાયેલો હોય, આપણે હતાશાના ભારથી ગૂંગળાઈ જતા હોઈએ ત્યારે પણ નિરાશ થવું ન જોઈએ- કારણકે બરાબર આ જ ક્ષણે ઈશ્વરનો આપણા જીવનમાં પ્રવેશ થાય છે. ભગવાન આપણને શીખવે છે કે રાત્રિ ઘેરા અંધકારથી છવાઈ હોય ત્યારે એક મીણબત્તી પણ ભારે શક્તિશાળી બની રહે છે. કદી થાકશો નહિ, કદી ભય અનુભવશો નહિ. આજે આ મંદિર ઉભું છે તે માત્ર પથ્થરનું મંદિર નથી, આ સંવાદિતા અને સમર્પણનું જીવંત પ્રતીક છે જે વિશ્વ સમક્ષ ઘોષણા કરે છે કે આસ્થા રણમાં પણ શાંતિ અને ઐક્યના રણદ્વીપ પ્રગટાવી શકે છે.’