અબુ ધાબીઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબી સ્થિત બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે 12 અને 13 જુલાઈના રોજ બીએપીએસ હિંદુ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરને અનુલક્ષીને વિશિષ્ટ પ્રદર્શની અને સભા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
મંદિરના વડા પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ મુખ્યમંત્રી યાદવનું સ્વાગત કર્યું હતું અને આ મંદિરની અકલ્પનીય નિર્માણગાથા અને મંદિરના સર્જન પાછળના ઉદાત્ત હેતુ વિશે તેમને વાત કરી હતી. મંદિરના અદ્ભુત સ્થાપત્ય અને ભક્તિમય વાતાવરણથી મુખ્યમંત્રીશ્રી ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રાચીન અને અર્વાચીન યુગમાં ગુરુ-શિષ્ય પરંપરા અને સાચા ગુરુના જીવનમાં પ્રભાવ વિષયક પ્રેરક પ્રદર્શની નિહાળીને તેઓ મંત્રમુગ્ધ થયા હતા.
ડો. મોહન યાદવે આ મંદિરને આધ્યાત્મિક સંવાદિતા, સાંસ્કૃતિક એકતા અને કાલાતીત મૂલ્યોના વૈશ્વિક પ્રતીક તરીકે બિરદાવ્યું હતું. તેમણે એવી લાગણી વ્યક્ત કરી હતી કે ‘ખરેખર એવું પ્રતીત થયું જાણે રેગિસ્તાનમાં વૃક્ષની છાંયા મળી ગઈ. પરમાત્માનો જ્યારે પ્રવેશ થાય ત્યારે અસંભવમાં અસંભવ કાર્યો પણ શક્ય બની જાય છે. બીએપીએસ હિન્દુ મંદિરમાં આખા ભારત દેશની સાંસ્કૃતિક ધારાને એક કરવાનો જે પ્રયાસ થયો છે તે અદ્ભુત છે. આ મંદિરની સાથે સમગ્ર આરબ ભૂમિમાં હિન્દુ ધર્મની વિશાળતા અને આપણાં મનની પવિત્રતાનો સંદેશ વહેતો થયો છે.’