અબુધાબીમાં માનવબંધુત્વનું સર્વોત્તમ ઉદાહરણ બન્યા છે BAPSના સંતો

બ્રહ્મવિહારીદાસ સ્વામીના નેતૃત્વમાં શાંતિદૂતની ભૂમિકા ભજવી રહ્યા છે સ્વયંસેવકો

Tuesday 10th March 2026 12:44 EDT
 
 

અમદાવાદઃ અમેરિકા-ઈરાન યુદ્ધના પગલે મિડલ ઇસ્ટના દેશોમાં પણ અશાંતિનો માહોલ સર્જાયો છે ત્યારે બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીના નેતૃત્વમાં સ્વયંસેવકો પોતાના જીવની પરવા કર્યા વગર હૃદયપૂર્વક સેવા આપી જાણે સાચા શાંતિદૂત બની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ જ રીતે ચાર વર્ષ પૂર્વે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું તે વેળા યુરોપમાં હજારો લોકો ફસાઈ ગયા હતા. તે સમયે પોલેન્ડ ખાતે બ્રહ્મવિહારી સ્વામીના સંકલન થકી જ હજારો લોકોને ગરમાગરમ ભોજન-પ્રસાદ પૂરો પાડવામાં આવ્યો હતો. સાથે સાથે જ રાતોરાત રાહત કેમ્પ ઉભા કરીને તેઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે અમેરિકા-ઈરાન યુદ્ધને પગલે યુએઈના જુદા જુદા ભાગોમાં મિસાઈલ અને ડ્રોન વડે હુમલાઓ થઈ રહ્યાં છે તેવા સમયે ફરી એક વખત બીએપીએસના સંતો અને સ્વયંસેવકો કામે લાગ્યા છે.

સમગ્ર ઘટનાક્રમ અંગે પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિક ‘નવગુજરાત સમય’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયાના આગલા દિવસે યુએઈના સત્તાધીશો સાથે એક મિટિંગ મળી હતી. જેમાં અબુધાબી સ્થિત BAPS હિંદુ મંદિરની આસપાસ રેલવે સ્ટેશન, બસ સ્ટોપ સહિતની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ચર્ચા થઈ હતી. તેના બીજા જ દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીની વહેલી સવારે જ ઈઝરાયલ-ઇરાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. જેની અસર યુએઈના આકાશમાં પણ અનુભવાઈ હતી. જેવું યુદ્ધ શરૂ થયું એવું તરત જ સત્તાધીશો દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે – અબુધાબી સ્થિત BAPS હિંદુ મંદિર એવા સ્થળે આવેલું છે જે ડિફેન્સની દષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે. ત્યાં ડિફેન્સ ઇન્સ્ટોલેશન થયેલું છે એટલે કે યુદ્ધ સમયે મિસાઈલ્સને તોડી નાખવામાં આવે તો પણ તેનો કાટમાળ પડી શકે, માટે આવા યુદ્ધ જેવા વાતાવરણમાં સામાન્ય જનતાના જીવના જોખમ સમાન સ્થિતિ ઊભી થતા ત્યાં આવતા દર્શનાર્થી-મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવે તો સારુ છે. આમ, યુએઈ સરકારની આ વિનંતીને સ્વીકારી BAPS હિંદુ મંદિર ખાતે મુલાકાતીઓ માટે દર્શન બંધ થયા છે, પરંતુ અંદર સેવા-પૂજા નિયત સમયે થઈ રહી છે.
એક વિધેયાત્મક વાક્ય નબળા સમયમાં કેવો ચમત્કારિક બચાવ કરે છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સ્વામીશ્રીના આશીર્વચન... આમ કહીને બ્રહ્મવિહારી સ્વામીએ ઉમેર્યું હતું કે બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જેમ, પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ નિરંતર સ્વયંસેવકોની સંભાળ રાખી રહ્યાં છે, તેઓની સર્વ પ્રકારે રક્ષા માટે પ્રાર્થના કરતા અને ટેલિફોનિક કોલ દ્વારા આશીર્વચન પણ પાઠવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે બ્રહ્મવિહારી સ્વામી સહિતના 13 સંતો પૂ મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ સેવાભાવનાથી સતત કામગીરી કરી રહ્યા છે. પૂ. મહંત સ્વામી યુદ્ધના બીજા જ દિવસથી એટલે કે 28 ફેબ્રુઆરીથી દરરોજ વહેલી સવારે અને રાત્રે ટેલિફોનિક માર્ગદર્શન આપે છે. પ્રથમ ટેલિફોનિક કોલમાં સૌને આશીર્વાદ આપતાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે ‘વિષમકાળમાં ભગવાનમાં શ્રદ્ધા રાખો, જ્યાં છો ત્યાં રહીને સૌને મદદ કરો. તેઓની પડખે રહી, અબુધાબી સ્થિત BAPSહિન્દુ મંદિરમાં ભજન-ભક્તિ કરતાં રહી સેવા ચાલુ રાખો. રાજા-પ્રજા સૌની ભગવાન રક્ષા કરશે. આ યુદ્ધ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.’

શું આપને યુદ્ધ સમયે ડર લાગતો નથી? તેવા સવાલના જવાબમાં બ્રહ્મવિહારી સ્વામીએ પળભરનોય વિચાર કર્યા વગર જણાવ્યું હતું કે, સૈનિક અને સાધુ - બંનેનું જીવન રાષ્ટ્ર માટે અર્પણ થયેલું હોય છે. સૈનિક સરહદે રહીને અને સંત સમાજ વચ્ચે રહીને સૌનું સંરક્ષણ કરે છે. આવી કપરી સ્થિતિમાં આપણે જે દેશ-કાળમાં છીએ ત્યાં રહીને કોઈ ધર્મ-સંપ્રદાય જોયા વગર જેને પણ મદદની જરૂર હોય તેઓને હૂંફ, હિંમત અને હાજર મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રકારે યુએઈની ઈન્ટરફેઈથ હાર્મની - માનવબંધુત્વ-વિશ્વબંધુત્વની ભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવી રહી છે.

યુએઈના મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝિસ્ટન્સ શેખ નાહ્યાન મુબારક અલ નાહ્યાન જ્યારે સાધુ બ્રહ્મવિહારી સ્વામીને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આધ્યાત્મિક ગુરુઓ તો ઘણા પ્રકારના હોય છે, કેટલાક માત્ર વચનોથી સેવા કરે અને કેટલાક અંતરથી સેવા કરે. આપના ગુરુ મહારાજ, પૂજ્ય મહંતસ્વામી મહારાજ સૌને સેવા આપી રહ્યા છે. જ્યારે બીજા લોકો યુદ્ધને કારણે દેશ છોડી રહ્યા છે એવા મુશ્કેલીના સમયમાં તમારા જેવા સંતો અહીં રોકાઈને આ કપરા કાળમાં પણ સૌને હિંમત-વિશ્વાસ અને હૂંફ આપીને એક વિશિષ્ટ સેવા કરી રહ્યા છે. સૌનો આત્મવિશ્વાસ જગાડીને માનસિક બળ પૂરું પાડી રહ્યા છે - આ એક ઉત્તમ સેવા છે. યુએઈમાં રહીને આપ ખરા અર્થમાં માનવબંધુત્વની ભાવનાને ટકાવી રાખવા કટિબદ્ધ છો, એ ઉદાહરણીય છે.

BAPSના સાધુઓ ‘શૂરવીર ભારતીય સંત’નું જીવંત ઉદાહરણઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બ્રહ્મવિહારી સ્વામી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સામાન્ય રીતે અત્યાર સુધી એવું બન્યું છે કે, સંતો અમારા માટે પ્રાર્થના કરતા હોય, પરંતુ અત્યારે એવો સમય છે કે, અમે પણ આપ સૌની ક્ષેમકુશળતા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. આવા યુદ્ધના માહોલ દરમિયાન યુએઈમાં રહીને BAPSના સાધુઓ ‘શૂરવીર ભારતીય સંત’ના જીવંત ઉઘહરણરૂપ બન્યા છે, કેમ કે આપણે ત્યાં કહેવાયું છે કે ભારતીય સંતો શૂરવીર હોય, પરમાર્થે સેવામાં રત હોય અને અન્ય માટે પ્રાણ ન્યોછાવર કરનારા હોય. આ માત્ર ભારત માટે જ નહીં, વિશ્વભરના લોકો માટે એક ઉત્તમ દાખલો પૂરો પાડશે.

જરૂરતમંદોને મદદ એ ભયનો સૌથી શક્તિશાળી ઉપચાર: પૂ. મહંત સ્વામી મહારાજ
પ.પૂ. મહંત સ્વામીએ સેવાના સંદર્ભમાં સૌને એક વાક્યમાં કહ્યું હતું કે - ‘Helping others in need is the strongest antidote to fear.’ (જરૂરિયાતમંદોને મદદ કરવી એ ભયનો સૌથી શક્તિશાળી ઉપચાર છે). પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે પ.પૂ. મહંત સ્વામી મહારાજના આ હૂંફ-હિંમત-શ્રદ્ધાયુક્ત આશીર્વચનનું અક્ષરશઃ પાલન કરીને અમે સંતો અને સૌ સ્વયંસેવકો પરમાર્થે કાર્ય રહ્યાં છીએ. મહંત સ્વામી મહારાજનું કહેવું છે કે - કપરા સમયમાં આપણે ભેગા રહી બીજાને હૂંફ-હિંમત આપીએ એનાથી મોટી કોઈ સેવા નથી. ભગવાન સ્વામિનારાયણ પણ કહેતા કે - દેશકાળ, માંદગી કે આપત્તિ આવે ત્યારે હિંમત હારી જવાથી, તે આપત્તિ ટળી જતી નથી, પણ જે હિંમત રાખે તેના પર ભગવાન રાજી થાય છે.

સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈતથી આવતા લોકોને BAPSના સ્વયંસેવકોએ મદદ પૂરી પાડી
બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું હતું કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ માત્ર યુએઈમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોને જ મદદ કરી નથી, પરંતુ અન્ય ગલ્ફ દેશોમાંથી આવતા લોકોની સેવા માટે પણ આપણા સ્વયંસેવકો તત્પર રહ્યા છે. જેમ કે, અમેરિકાથી કુવૈતના રસ્તે આવતા 20 જેટલા લોકોને આપણા બીએપીએસના સ્વયંસેવક સુરેશભાઈ ચોક્સી સહિતના સ્વયંસેવકોએ મદદ કરી. તેમને ભોજન, ટ્રાન્સપોર્ટેશન, એર-ટિકીટ, દવા સહિતની સેવાઓ પૂરી પાડી છે. સાઉદી અરેબિયા અને ઓમાનથી આવતા લોકોને પણ ભારત પરત ફરવામાં મદદ કરી છે. આપણા 8થી 10 જેટલા સ્વયંસેવકો યુએઈસ્થિત ઇન્ડિયન એમ્બસીના સંપર્કમાં રહીને જે કોઈ ભારતીયોને જરૂરી મદદ જોઈતી હોય તે પણ પૂરી પાડી છે.

‘અમે સંતો કારમાં નીકળ્યા હોઈએ ને એલર્ટ આવે તો આશ્રયસ્થાનમાં આશરો લેવો પડતો’

ઇઝરાયલ-ઈરાન યુદ્ધને પગલે યુએઈના આકાશમાં જ્યારે મિસાઈલ અને ડ્રોનના ધડાકા સાંભળવા મળે, દર અડધા કલાકે આવા અવાજો આવે ત્યારે છ લેયર્સયુક્ત ડિફેન્સ સિસ્ટમ મદદે આવી હતી એમ કહેતાં બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે, યુએઈમાં આવી આપત્તિના સમયમાં એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાય છે કે આપણને મોબાઈલ ફોન ઉપર જ એલર્ટ-માહિતી આવી જાય કે અત્યારે હુમલો થવાની સંભાવના હોવાથી તમે નજીકના શેલ્ટર (આશ્રયસ્થાન)માં જતા રહો.’ આ ધડાકા પૂરા થયા બાદ પાછો મેસેજ આવે કે ‘હવે બહાર જવું સુરક્ષિત છે’. ઘણીવાર તો અમારે એવું બનતું કે અમે મદદ માટે કારમાં બહાર નીકળ્યા હોઈએ ત્યારે જ ડ્રોન એટેકના એલર્ટ આવે ત્યારે અમારે પણ શેલ્ટર (આશ્રયસ્થાન)માં આશરો મેળવવો પડયો હોય. યુદ્ધના આવા કપરા સમયે ચોક્કસ અનુભવાય કે વ્યક્તિની બુદ્ધિ-આવડત, પદ-પ્રતિષ્ઠા નહીં, પરંતુ ભગવાન-સત્પુરુષમાં રહેલી સાચી શ્રદ્ધા જ મદદ કરતી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter