લંડનઃ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO UK)એ અમદાવાદથી લંડન ગેટવિકની ફ્લાઈટ અમદાવાદથી ટેઈક ઓફ કર્યાની ગણતરીની સેકન્ડોમાં તૂટી પડવાની કરૂણ ઘટના બદલ ઊંડા આઘાત અને દુઃખની લાગણી વ્યક્ત કરવા સાથે દિલસોજી પઠવી હતી.
NCGO UKએ નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા હૃદયમાંથી ઉઠતા વિચારો અને પ્રાર્થનાઓ કરૂણાંતિકાના અસરગ્રસ્તો, તેમના પરિવારજનો અને આ દુઃખદાયી ઘટનાથી અસર પહોંચી હોય તેવા સહુ કોઈ સાથે છે. યુકે અને વિશ્વભરમાં ગુજરાતીઓ અને વ્યાપક ભારતીય સમુદાયો આ અકલ્પનીય ખોટના દુઃખમાં એકસંપ છે.
અમે તાકીદના બચાવકાર્ય અને ઈન્વેસ્ટિગેશનમાં સંકળાયેલી ઈમર્જન્સી સર્વિસીસ અને ઓથોરિટીઝના ઝડપી પ્રયાસોને બિરદાવીએ છીએ. યુકે તાકીદે હકીકતો પ્રસ્થાપિત કરવા અને સંકળાયેલાઓને સપોર્ટ કરવા સ્થાનિક ઓથોરિટીઝ સાથે ગાઢપણે કાર્ય કરી રહેલ છે. આ કરૂણાંતિકાના કારણોમાં સંપૂર્ણ અને પારદર્શી ઈન્ક્વાયરી કરાય તેવી અમારી માગણી છે.
અમે NCGO UKવતી સહુ શોકાતુર પરિવારોને ઊંડી દિલસોજી પાઠવીએ છીએ. અમે અસરગ્રસ્તોને મદદરૂપ થવા કોમ્યુનિટી સંસ્થાઓ, મંદિરો અને ભારતીય હાઈ કમિશન સાથે મળી સક્રિય કામગીરી બજાવી રહ્યા છીએ. લોકો પ્રાર્થના, સંસ્મરણો અને એકતામાં સામેલ થઈ શકે તે માટે આગામી દિવસોમાં કોમ્યુનિટી પ્રાર્થનાસભાનું આયોજન કરાઈ રહ્યું છે.
NCGO UKના પ્રેસિડેન્ટ વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે, ‘આપણી સમગ્ર કોમ્યુનિટી શોક અનુભવી રહી છે. જીવનના કરૂણ અંતથી અમે ઉખડી ગયા છીએ અને આ સૌથી મુશ્કેલ સમયમાં શોકાતુર પરિવારોની સાથે ઉભા છીએ. એક સમુદાય તરીકે આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે શક્તિ, એકતા અને સપોર્ટ ઓફર કરવાનું ચાલુ રાખીશું.’
NCGO UKના વાઈસ પ્રેસિડેન્ટ કૃષ્ણાબહેન પૂજારાએ ઉમેર્યું હતું કે, ‘આપણી કોમ્યુનિટી માટે આ કાળો અને કરૂણ દિવસ છે. આપણે આ ભગ્નહૃદયી નુકસાનના સમયે મૃતકોના પરિવારોની સાથે એકસંપ થઈને ઉભા છીએ. આ અકલ્પનીય સમયમાં તેમને શાંતિ અને શક્તિ મળી રહે તેવી પ્રાર્થના છે.’
----------------------------------
• યુકે માટે હેલ્પલાઈનઃ
જે બ્રિટિશ નાગરિકોને કોન્સ્યુલર મદદની જરૂર હોય અથવા મિત્રો કે પરિવારો વિશે ચિંતા હોય તેઓ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ને 020 7008 5000 પર કોલ કરી શકે છે.
• વધુ માહિતી અથવા મીડિયા ઈન્ક્વાયરીઝ માટે સંપર્ક કરશોઃ
સંજય ઓડેદરા
સેક્રેટરી જનરલ, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે
+44 7956 332916