અમદાવાદઃ બીએપીએસ સંસ્થા દ્વારા પૂ. પ્રમુખ સ્વામીએ સંસ્થાનું વડા તરીકે ગાદી નેતૃત્વ સંભાળ્યું તે પ્રસંગને 75 વર્ષ થયા છે ત્યારે ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. એક અહેવાલ અનુસાર, આ પ્રસંગે આગામી 7 ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ પર વિશાળ કાર્યક્રમ યોજાશે. પ્રમુખ સ્વામી મહારાજના ગાદી પર બેસવાના અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર ભવ્ય કાર્યક્રમ યોજવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રિવરફ્રન્ટ પર જગ્યાની માગ કરાઈ છે. આ ઉજવણીમાં અંદાજે 2.50 લાખથી વધારે ભક્તો જોડાય તેવી શક્યતા છે, જોકે કેટલા લોકોને આમંત્રિત કરાશે તેનો અંતિમ નિર્ણય રિવરફ્રન્ટની ક્ષમતાને ધ્યાને લઈને સંસ્થા દ્વારા લેવાશે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા શાહીબાગ સ્થિત બીએપીએસ મંદિરે યોજાયેલી રવિવારી સભામાં આ કાર્યક્રમ અંગે જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ સંસ્થાના વડીલ સંતો દ્વારા રિવરફ્રન્ટનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રિવરફ્રન્ટને કાર્યક્રમ માટેની જગ્યા તરીકે નક્કી કરાઈ હતી. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે બિરાજમાન થયા તેના 75 વર્ષ નિમિત્તે સમગ્ર સંપ્રદાય દ્વારા આ વર્ષને ‘અમૃત વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જ રિવરફ્રન્ટ પર એક મોટો કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ હરીભક્તો આવે તેવી શક્યતા છે. એક દિવસના કાર્યક્રમની સંપુર્ણ રૂપરેખા આવનારા સમયમાં જાહેર કરાશે. પરંતુ હાલમાં રિવરફ્રન્ટ જગ્યાને નક્કી કરાઈ છે કારણ કે આ જગ્યા પર પાર્કિંગ અને લોકો માટે સુવિધા ઉભી કરવી પણ સરળ રહેશે. ઉપરાંત શહેરની બહારથી આવતા લોકો સીધા રિવરફન્ટ રોડનો ઉપયોગ કરીને કાર્યક્રમ સ્થળ પર પહોંચી શકશે.
આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઇને પ્રવચન યોજાય તેવી શક્યતા છે. સંસ્થાના વરિષ્ઠ સંત અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું હતું કે અત્યારે હજુ પ્રાથમિક આયોજન થઈ રહ્યું છે, પરંતુ એક દિવસના આયોજન અંતર્ગત 3 કલાકનો કાર્યક્રમ યોજાશે. હાલમાં અમારો અંદાજ છે કે 2.50 લાખથી વધારે લોકો આવશે. જોકે અંતિમ નિર્ણય સ્થળ ચકાસણી કર્યા બાદ લેવાશે. કાર્યક્રમ સ્થળની પસંદગી કરતી વેળા અમે રિવરફ્રન્ટના રોડને પ્રમુખ સ્વામી મહારાજ નામ અપાયું છે તે બાબતને પણ અમે ધ્યાનમાં રાખી હતી.